ગુજરાતમાં 'આપ'નો ચહેરો કોણ?:જો ઈસુદાન ગુજરાતના કેજરીવાલ બને તો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? ઈસુદાનની ઓફિસ મોટી, ઈટાલિયાની નાની

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: રાજેશ વોરા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં ચર્ચાતો સૌથી મોટો સવાલ ઈસુદાન 'આપ'માં આવ્યા તો ગોપાલ ઈટાલિયાનું શું થશે?
  • કેજરીવાલે ફેનના નામે ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ ગણાવી દીધા
  • બંનેની ઓફિસ તો સામસામે ફાળવી છે

આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કેજરીવાલે પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને ખેસ પહેરાવી 'આપ'માં પ્રવેશ કરાવ્યો હતો. ઈસુદાનની 'આપ'માં એન્ટ્રી થતાં જ હવે સૌકોઈના મનમાં એક જ સવાલ ઊભો થયો છે કે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? શું ઈટાલિયાને સાઈડલાઈન કરી ઈસુદાનને 'આપ'નો ચહેરો બનાવાશે કે પછી નંબર ટૂ બનશે? ઈસુદાનનો પાર્ટીમાં શું રોલ હશે એ અંગે કેજરીવાલે આજે ઈશારા ઈશારામાં ઘણું કહી દીધું છે.

આ ઉપરાંત નવા પ્રદેશ કાર્યાલયના પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઓફિસની સામે જ ઈસુદાન ગઢવીને ઓફિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, ઇસુદાનની ઓફિસ મોટી છે, જ્યારે ગોપાલ ઇટાલિયાની ઓફિસ નાની છે.

આ પણ વાંચોઃ કોણ છે ગુજરાતના ‘કેજરીવાલ’ અને પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી, રિપોર્ટરથી ‘આપ’માં એન્ટ્રી સુધી

ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ બનાવવાનો સંકેત!
અરવિંદ કેજરીવાલે જ્યારે પત્રકાર પરિષદના આરંભે ઈસુદાનને ખેસ પહેરાવીને તેમનું 'આપ'માં સ્વાગત કર્યું, એ પછી પત્રકારોને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે હું અહીં આવ્યો એ પછી એરપોર્ટ પર એક કર્મચારીએ મારી પાસે સેલ્ફી ખેંચાવવા રિક્વેસ્ટ કરી. મેં તેમની સાથે સેલ્ફી ખેંચાવી એ પછી તેમણે મને પૂછ્યું કે તમે શા માટે અહીં આવ્યા છો? મેં તેમને કહ્યું, ઈસુદાન ગઢવીને આમઆદમી પાર્ટીમાં સામેલ કરાવવા હું અહીં આવ્યો છું તો તેમણે મને કહ્યું, ઈસુદાન તો અમારા ગુજરાતના કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલે આ વાત શેર કરીને ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ બનાવવાનો સંકેત આપ્યો છે?

ઈસુદાન કેજરીવાલની પડખે તો ઈટાલિયા પાછળ.
ઈસુદાન કેજરીવાલની પડખે તો ઈટાલિયા પાછળ.

ઈટાલિયા અને ઈસુદાનની ઓફિસ ટોપ ફ્લોર પર અને એ પણ સામસામે
કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સ કર્યા બાદ 'આપ'ના પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આમઆદમી પાર્ટીએ નવા પ્રદેશ કાર્યાલય માટેનો બંગલો મહિને રૂ. 60000ના ભાડે લીધો છે. 1345 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ પ્રદેશ કાર્યાલયના પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની ઓફિસ પણ સામસામે છે, જ્યારે પ્રદેશ કાર્યાલયના નીચેના માળે બનાવવામાં આવેલી બે ઓફિસ સ્ટેટ સેક્રેટરી જયદીપ પંડ્યા અને મીડિયા કન્વીનર તુલી બેનર્જીની ઓફિસ છે.

'આપ'ના કાર્યાલયમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન અને તુલી બેનર્જી.
'આપ'ના કાર્યાલયમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન અને તુલી બેનર્જી.

ઈટાલિયા યુવાઓમાં લોકપ્રિય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મળી
ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન બન્ને હાલ લોકપ્રિય છે. આમઆદમી પાર્ટીના આ બન્ને નેતાઓનું સોશિયલ મીડિયા પર જબરું ફેન ફોલોઈંગ છે. ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનો ચલાલવા માટે જાણીતા છે. પાટીદાર આંદોલન દરમિયાન તેઓ હાર્દિક પટેલના સાથી પણ રહી ચૂક્યા છે. બસ, ત્યારથી તેઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાને લઈ યુવા વર્ગમાં ખૂબ લોકપ્રિય છે.

તેમની આ લોકપ્રિયતા અને લોકપ્રશ્નો ઉઠાવવાની કળાને કારણે જ આમઆદમી પાર્ટીએ 6 મહિના પહેલાં જ તેમને 'આપ'ના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ત્યાર બાદ તરત જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી, જેમાં 'આપ'ને નોંધપાત્ર સફળતા પણ મળી હતી. ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 'આપ' કોંગ્રેસને હાંસિયામાં ધકેલીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી ગયો છે.

ઈસુદાન ગામડે ગામડે જાણીતા
તો બીજી તરફ ઈસુદાન ગઢવી ટીવી પત્રકાર હતા અને તાજેતરમાં જ ટીવી ચેનલના એડિટરપદેથી રાજીનામું આપ્યું હતું. દેખાવે અને બોલચાલમાં કોમનમેન લાગતા ઈસુદાન ગઢવી VTVમાં મહામંથન નામનો કાર્યક્રમ કરી ગુજરાતના ગામડે ગામડે લોકપ્રિય થયા હતા. તેઓ ટીવી ડિબેટમાં ખેડૂતો, શિક્ષણના મુદ્દાઓ ઉઠાવતા હતા. ખાસ કરીને ખેડૂતોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે. ખેડૂતો ઈસુદાનના મહામંથન કાર્યક્રમની રાહ જોઈને બેસી રહેતા હતા અને તેમના પ્રશ્નો પણ ઈસુદાનને મોકલતા હતા.

મેવાણીથી લઈ આશુતોષ સહિતના પત્રકારોએ પાર્ટી છોડી, ઈસુદાનનું શું થશે?
જોકે યોગાનુયોગ આમઆદમી પાર્ટીમાં પત્રકારો લાંબો સમય ટકી શક્યા નથી. એકમાત્ર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એમાં અપવાદરૂપ છે. આ સિવાયના રાષ્ટ્રીય સ્તરે જાણીતા પત્રકાર રહી ચૂકેલા શાઝિયા ઈલ્મી, યોગેન્દ્ર યાદવ, આશુતોષ, આશિષ ખૈતાન, પ્રદીપ પડગાંવકર, આમઆદમી પાર્ટીમાં લાંબા સમય સુધી રહ્યા નથી તેમજ ગુજરાતની વાત કરીએ તો એક સમયે જિજ્ઞેશ મેવાણી પણ આમઆદમી પાર્ટીમાં હતા, પરંતુ તેમણે પાર્ટી છોડીને અપક્ષ વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા. ત્યારે હવે ઈસુદાન ગઢવીનું શું થશે એ તો આગામી સમય જ બતાવશે.