'સેક્સટોર્શનિસ્ટ'નું બ્લેકમેઇલિંગ:ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર દોસ્તી કરી કોલ કરે તો રિસીવ કરતાં પહેલાં ચેતજો, ન્યૂડ થઈને વીડિયો ઉતારે છે, પૈસા પણ પડાવશે

અમદાવાદ7 મહિનો પહેલાલેખક: રાજેશ વોરા
  • કૉપી લિંક
  • પરપ્રાંતીય ટોળકીએ અનેક નેતાઓ-અધિકારીઓને ફસાવ્યા
  • ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી લઈ લાખો રૂપિયાની માગ કરી
  • અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને 6 મહિનામાં જ 500થી વધુ ફરિયાદો મળી

જો તમને કોઈ સોશિયલ મીડિયા પર કોઈ ખૂબસૂરત યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો એક્સેપ્ટ કરતાં પહેલાં 100 વાર વિચારજો. આ પ્રકારની ઠગ ટોળકી તમને ઓનલાઈન ઈન્ટિમસી ઓફર કરશે અને એમાં ફસાવીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી દેશે. જો પૈસા ન આપો તો તમારી અશ્લીલ હરકતોનું સ્ક્રીન-રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે. આમ, એક અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ સામાજિક પ્રતિષ્ઠાને અથવા તો આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

રાજ્યમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા ફસાવીને પૈસા પડાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવતી તરીકે ઓળખ આપી ઓનલાઈન ઈન્ટિમસીની લાલચ આપી બ્લેકમેઈલ કરીને મસમોટી રકમની માગણી કરવામાં આવે છે. એમાં પણ તાજેતરમાં તો આ પ્રકારના કિસ્સાઓમાં ખૂબ વધારો થયો છે, જેમાં નેતાઓ, વેપારીઓ અને સરકારી અધિકારીઓ ફસાઈ ચૂક્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને 6 મહિનામાં જ આ પ્રકારની 500થી વધુ ફરિયાદો મળી છે.

કિસ્સો-1: યુવતીના ચેનચાળા જોઈ યુવક પણ અશ્લીલ હરકતો કરી ફસાયો
થોડા દિવસ પહેલાં બારડોલીમાં તો સુંદર અને સેક્સી યુવતીઓની જાળમાં વેપારીથી લઈ રાજકારણી ફસાયા હતા. બારડોલીના એક વેપારીની સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ અને બાદમાં યુવતીએ વિડિયો-કોલ કરી તેની સાથેની બીભત્સ હરકતો રેકોર્ડ કરી બ્લેકમેઇલ કર્યા હતા. યુવક આ હરકતથી ગભરાઈ જઈ નંબર બ્લોક કરતાં જ યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી યુવકને બદનામ કરતાં આખરે યુવકે બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ વેપારી યુવકે આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 13 મેના રોજ યુવકની સોશિયલ મીડિયાના આઈડી પર યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અજાણી યુવતી સાથે વાતચીત શરૂ થઈ હતી. થોડી વાતચીત બાદ 15 મેના રોજ યુવતીનો વીડિયો-કોલ આવ્યો, આ દરમિયાન યુવતીના બીભત્સ ચેનચાળા જોઈ યુવકે પણ બેકાબૂ બની વીડિયો-કોલમાં હરકત કરી હતી. આ અંગત પળોનું વીડિયો-રેકોર્ડિંગ યુવતીના ફોનમાં થઈ ગયું હતું. યુવતીએ આ વીડિયો-રેકોર્ડિંગથી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરતાં યુવક ગભરાઈ ગયો હતો. યુવકે જે નંબરથી ફોન આવ્યો હતો એેને બ્લોક કરી દેતાં યુવતીએ વીડિયો વાઇરલ કરી દીધો હતો. બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.

કિસ્સો-2: કોર્પોરેટરનો બીભત્સ વીડિયો વાઈરલ થયો
આ ઘટનાના અઠવાડિયા બાદ એટલે કે 4 જૂનની આસપાસ બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર લલના સામે બીભત્સ ચેનચાળા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી હતી. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યાર બાદ નગર સેવકે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે પલસાણા તાલુકાના એક પીએસઆઈનો ઓનલાઈન હનીટ્રેપનો બીભત્સ વીડિયો પણ વાઇરલ થયો હતો. સુરત જિલ્લામાં છેલ્લા થોડા દિવસો અગાઉ ઘણા યુવકો ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા છે. આ બાબતે સુરત જિલ્લા એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી.

અશ્લીલ હરકતો મોબાઇલમાં સ્ક્રીન-રેકોર્ડિંગ કરી અનેકને ફસાવ્યા
સમગ્ર પ્રકરણમાં એક ટોળકી ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીના ફેક આઈ.ડી. બનાવી યુવકોને ફસાવ્યા હતા. ત્યાર બાદ યુવતીના બીભત્સ વીડિયો બતાવી યુવકોને ઉત્તેજિત કરી તેમની અશ્લીલ હરકતો મોબાઇલમાં સ્ક્રીન-રેકોર્ડિંગ કર્યા હતા. બાદમાં યુવકોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રૂપિયા માગવામાં આવતા હતા. રૂપિયા ન આપે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.

ગેંગનું પગેરું રાજસ્થાનમાં નીકળ્યું
આ ગેંગનું પગેરું રાજસ્થાનમાં હોવાની કડી મળતાં પોલીસે રાજસ્થાન તપાસ માટે એક ટીમ રવાના કરી હતી અને ભરતપુરથી એક આરોપીને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો. આ ગેંગ મોબાઇલમાં એવી એપ્લિકેશન રાખતી, જેમાં પુરુષના અવાજમાં વાત કરે અને સામે મહિલાનો અવાજ સંભળાય જેથી યુવકો આસાનીથી જાળમાં ફસાતા હતા. વીડિયો કોલ દરમિયાન યુવતીનો અશ્લીલ વીડિયો કેમેરા સામે સેટ કરી યુવકની હરકતોનું સ્ક્રીન-રેકોર્ડ કરી વીડિયો બનાવાતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

કિસ્સો-3: જિ.પંચાયતના પૂર્વ સભ્યને બ્લેકમેઈલ કરી રૂ.50 માગ્યા
20 જૂનના રોજ વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સાઇબર બુલિંગનો શિકાર બન્યા હતા. તેમનો ક્ષોભજનક સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેર-જિલ્લામાં કેન્દ્ર બન્યો હતો. ક્ષોભજનક વીડિયો ઉતારનાર યુવતીએ રૂા.50 હજારની ખંડણી માગી હતી. પૂર્વ સભ્યે રૂપિયા આપવાની ના પાડતાં તેણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

વીડિયો-કોલ ઉપાડતાં જ સામે ન્યૂડ મહિલા દેખાઈ
આ અંગે પૂર્વ સભ્યએ જણાવ્યું હતું કે તેઓ 11 જૂનના રોજ પોતાના બાથરૂમમાં હતા, ત્યારે તેમના મોબાઈલ પર વીડિયો-કોલ આવ્યો હતો. આ વીડિયો-કોલ ઉપાડતાં જ સામે છેડે નગ્ન હાલતમાં મહિલા દેખાઈ હતી. આ વીડિયો-કોલ કરનારી વ્યક્તિએ સ્ક્રીન-રેકોર્ડિંગ કર્યા બાદ તેને એડિટિંગ કરીને મારો ક્ષોભજનક વીડિયો બનાવી દીધો હતો. ત્યાર બાદ એ વીડિયો મને મોકલીને મારી પાસેથી રૂા.50 હજારની માગણી કરી હતી. આ રીતે મારો એડિટેડ વીડિયો જોઈને મેં અને મારા પરિવારે આ વીડિયો બનાવનારને ઘણો ધમકાવ્યો છે.

કિસ્સો-4: કોલ રિસીવ કરતાં યુવતીએ કપડાં ઉતારવાનું શરૂ કર્યું
જ્યારે માર્ચ 2021માં રાજકોટ જિલ્લાના ખોખડદળ ગામમાં રહેતા રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ નશીતને અજાણ્યા નંબર પરથી સોશિયલ મીડિયામાંથી સતત વીડિયો-કોલ આવતાં તેમણે એક કોલ રિસીવ કરતાં કોલ કરનારી યુવતીએ પોતાનાં કપડાં ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. એ પછી આ વીડિયો-કોલ કરનારે ફરીથી ફોન કરી તમે ખોટું કર્યું છે, કેસ થશે, તમે મને જોતાં હો એવો વીડિયો રેકોર્ડ થઇ ગયો છે, તેને અલગ-અલગ ગ્રુપમાં મૂકી દઇશ, એમ કહી ડરાવી-ધમકાવી પૈસા માગી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરતાં આ મામલે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

કેવી રીતે ફસાવે છે?
ન્યૂડ વીડિયો-રેકોર્ડ કરી ખંડણી ઉઘરાવતી આ પ્રકારની ટોળકી પોતાને મહિલા તરીકે ઓળખ આપીને સામેની વ્યક્તિ સાથે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસમાં લઈ મોબાઈલ નંબરની આપલે કરે છે. આખરે વીડિયો કોલ કરી ગઠિયો નગ્ન હાલતમાં દેખાતી સ્ત્રીનો વીડિયો પોતાના મોબાઈલ સ્ક્રીન પર ચાલુ કરી દે છે, જે જોઈને સામે છેડે વ્યક્તિ લલચાઈ છે. ગઠિયો સ્ક્રીન-રેકોર્ડિંગ મારફત સામે છેડે વ્યક્તિનો ક્ષોભજનક પરિસ્થિતિનો વીડિયો રેકોર્ડ કરી રૂપિયા પડાવે છે.

અન્ય સમાચારો પણ છે...