રાજ્યમાં પ્રવાસન સ્થળોનો વિકાસ થશે અને ગોવા જેવા બીચને ડેવલપ કરાશે પરંતુ દારૂબંધી કોઇ સંજોગોમાં હળવી નહીં થાય તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો ચુસ્ત અમલ થશે. બહારથી જે આવે છે તે પરમિટ સાથે લઇને આવે છે. વિદેશી પ્રવાસીઓ માટે આપણે એરપોર્ટ ઉપર જ પરમિટ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. પરંતુ પ્રવાસન સ્થળોએ લિકર મળી રહે તેવી કોઇ સુવિધા આપવાના નથી.
કોરોના કાળ બાદ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને બેઠું કરવા અને દેશ- વિદેશના પ્રવાસીઓને આકર્ષવાના ભાગરૂપે રાજ્ય સરકારે નવી ટુરિઝમ પોલિસીની જાહેરાત કરી છે. નવી પોલિસી માટે સરકારે પ્રવાસન વિકાસની સંભાવનાઓ ધરાવતા 25 જિલ્લામાં હાઇ પ્રાયોરિટી ટૂરીઝમ સેન્ટર નક્કી કર્યા છે. સમગ્ર રાજ્યમાં નહીં પણ આ સેન્ટરોમાં જ ટૂરીઝમ પોલિસી હેઠળ ઇન્સેન્ટીવ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. નવી પોલિસી હેઠળ પ્રવાસન સ્થળોએ હોટલોના નિર્માણ માટે ઓછામાં ઓછું એક કરોડનું રોકાણ હશે તો સરકાર 20 ટકા સબસિડી આપશે. મહત્તમ રોકાણની મર્યાદા નથી.
મુખ્યમંત્રીએ કહ્યું, વોકલ ફોર લોકલ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસનું ધ્યાન રખાયું છે. નવી પોલિસી 31 માર્ચ 2025 સુધી અમલી રહેશે. રાજ્યમાં ડિઝનીલેન્ડ જેવા મોટા એમ્યુઝમેન્ટ પાર્ક બને તે માટે એમ્યુઝમેન્ટ પાર્કને 15 ટકા ઇન્સેન્ટીવ આપવાનું નક્કી કરાયું છે. 500 કરોડનું રોકાણ હશે તો ઇન્સેન્ટીવ ઉપરાંત સરકાર લીઝ ઉપર જમીન પણ આપશે.
ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં 15 ટકાના દરે વધારો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વર્ષ 2009થી 2018 દરમિયાન 9 વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા 15 ટકાના દરે વધી છે જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12 ટકાના વૃદ્ધિ દર કરતા પણ વધારે છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટીએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. હાઇ પ્રાયોરીટી ટુરિઝમ સેન્ટરમાં અમદાવાદ- ગાંધીનગરનો સમાવેશ કરાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.