અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે.
લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને એ મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધનવંતરી રથ, 104, સંજીવની, એ પણ આપણે ફરી શરૂ કર્યાં છે, એટલે હું માનું છે કે જરા પણ ગભરાવાની જરૂર નથી.
સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા
મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવનારા લોકો વિશે વાત કરતાં કહ્યું હતું કે બહારનાં રાજ્યોમાંથી આવનારા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કર્યો છે.
સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ
બે દિવસ પહેલાં પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.
અમદાવાદમાં 344 નવા કોરોનાના કેસ
કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચના આયોજન બાદ ઉત્તરોત્તર કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા શુક્રવારે 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 344 નવા કેસ અને 260 દર્દી સાજા થયા હતા, જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં 1 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,329 પર પહોંચ્યો છે. પાંચ મહિના એટલે કે 10 નવેમ્બર પછી પહેલીવાર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340 આસપાસ પહોંચ્યો છે, અગાઉ 344 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં 24 કલાકમાં 1415 નવા કેસ 4 મહિના બાદ ગુજરાતમાં 1415 કેસ શુક્રવારે 24 કલાકની અંદર નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 2,83,864 કેસ થયા છે અને 2,72,332 ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 20 નવેમ્બરે 1420 કેસ નોઁધાયા હતા, જ્યારે 948 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં 1-1 મળી કુલ 4 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 4,437 થયો છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર રાજ્યમાં 4 દર્દીનાં મોત થયાં છે.
કોરોના સંક્રમણને પગલે જવાબદારી સોંપાઈ
રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ(તેઓ આ કામગીરી લાંબા સમયથી કરી રહ્યા છે), શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવેલી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.