કોર્ટમાં હાજર કરતાં વિરોધ:મહિલા વકીલને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા બાપુનગર પોલીસને પ્રોટેક્શન લેવાની ફરજ પડી, વકીલોનો વિરોધ

અમદાવાદ5 મહિનો પહેલા
મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરાતાં વકીલોએ વિરોધ નોઁધાવ્યો - Divya Bhaskar
મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરાતાં વકીલોએ વિરોધ નોઁધાવ્યો
  • મેટ્રો કોર્ટમાં સેંકડો વકીલે પોલીસનો હુરિયો બોલાવ્યો, સ્થિતિ સ્ફોટક બનતા 10 પોલીસ સ્ટેશનનો કાફલો ખડક્યો
  • મહિલા PSI, કોન્સ્ટેબલે 2.30 કલાક કોર્ટમાં પુરાઈ રહેવું પડ્યું
  • ​​​​​​​દારૂના ગુનામાં પકડાયેલા ભાઈને છોડાવવા ગયેલી મહિલા એડવોકેટ સામે બાપુનગર પોલીસે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતાં મામલો બિચક્યો

બાપુનગર પોલીસે દારૂના ગુનામાં પકડેલા ભાઇને રવિવારે સાંજે છોડાવવા ગયેલી મહિલા એડવોકેટની પોલીસ સાથે ઝપાઝપીના ગુનામાં ધરપકડ કરી હતી. સોમવાર બપોરે 1.30 વાગે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેના કારણે રોષે ભરાયેલા વકીલોએ પોલીસનો હુરિયો બોલાવતા સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી. આથી મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલના રક્ષણ માટે ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 10 પોલીસ સ્ટેશનનો કાફલો મેટ્રો કોર્ટમાં ખડકવામાં આવ્યો હતો. પોલીસે મહિલા એડવોકેટ સામે કરેલા વર્તનના વિરોધમાં વકીલો રોષે ભરાતા કોર્ટ નં.14ની ઓફિસમાં મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલને 2.32 કલાક સુધી પુરાઇ રહેવું પડ્યું હતું. મામલો થાળે પડતાં પોલીસ બંદોબસ્ત સાથે મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલને લઇ જવાયા હતા.

મહિલા વકીલને કોર્ટમાં લવાયા ત્યારે પરિસરમાં એકઠા થયેલા વકીલોએ ભારે સૂત્રોચ્ચાર કરતાં સ્થિતિ વણસી હતી.
મહિલા વકીલને કોર્ટમાં લવાયા ત્યારે પરિસરમાં એકઠા થયેલા વકીલોએ ભારે સૂત્રોચ્ચાર કરતાં સ્થિતિ વણસી હતી.

મહિલા વકીલને સારવારાર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
મહિલા વકીલે બાપુનગરના પી.આઇ અને પી.એસ. આઇ સામે માર મારવા અને બીભત્સ ગાળો આપી હોવાની ફરિયાદ કરી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. એચ.મુદ્રએ મહિલા વકીલની સારવાર કરવા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. ચાર કલાકની ભારે જહેમત બાદ મહિલા પી.એસ આઈને કોર્ટમાંથી 2 આઈપીએસ, 4 ડીવાયએસપી, 4 પીઆઈ સાહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આવતા છૂટકારો થયો હતો.

વિરોધ કરી રહેલા વકીલો
વિરોધ કરી રહેલા વકીલો

મહિલા વકીલ અસીલને મળવા ગયા હતા
બાપુનગર પોલીસ સ્ટેશનમાં મેટ્રો કોર્ટમાં વકીલાત કરતી મહિલા વકીલ પોતાના અસીલને મળવા ગયા હતા. જે દરમિયાન પી.એસ.આઇએ મહિલા વકીલને લાફા મારી ગંદી ગાળો આપી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં મહિલા વકીલ અને પોલીસ અધિકારી સાથે તકરારની પરિસ્થિતિ થઈ હતી. બાદમાં મહિલા વકીલ સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો, જે સંદર્ભે આ મહિલા એડવોકેટને મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સમયે વકીલોએ ભારે વિરોધ નોંધાવતા પોલીસે પ્રોટેક્શન મંગાવાની ફરજ પડી હતી. આજે મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરતા મોટી સંખ્યામાં વકીલો આવી જતાં કારંજ પોલીસ પોતાના કાફલા સાથે મેટ્રો કોર્ટમાં દોડી આવી હતી.

મહિલા વકીલ પર ખોટો કેસ કર્યાનો વકીલોનો આક્ષેપ
મહિલા વકીલ પર ખોટો કેસ કર્યાનો વકીલોનો આક્ષેપ

પોલીસે કરેલી એફઆઈઆર - મહિલા વકીલે પીએસઆઈનો કોલર પકડી લાતો મારતા ધરપકડ
બાપુનગર પોલીસે મહિલા એડવોકેટના ભાઇ વિક્કીની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. ભાઇને છોડાવવા તેઓ માતા સાથે રવિવારે પોલીસ સ્ટેશન ગઈ હતી અને પીએસઆઇ એ.એન.પટેલ સાથે અસભ્ય વર્તન કરી તેમનો કોલર પકડી લાતો મારી હતી અને ધમકી આપેલી કે, તમે કેવી રીતે નોકરી કરો છો તે હું જોઇ લઈશ. આથી પોલીસે તેમની ધરપકડ કરી હતી.

મહિલા વકીલની કોર્ટમાં ફરિયાદ - પોલીસે લાફા માર્યા, આખી રાત લોકઅપમાં બેસાડી રાખ્યા હતા
મહિલા એડવોકેટે પીઆઈ ગઢવી, પીએસઆઇ જાદવ અને કોન્સ્ટેબલ જયંતીભાઇ સામે એડી.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી કે, પોલીસ તેમને ગાળો બોલી હતી અને કપડા ફાડી નાખ્યા હતા તેમજ ફોન ઝૂટવી લીધો હતો. તેમજ તેમને અને તેમની માતાને લાફા-લાતો મારી આખી રાત લોકઅપમાં બેસાડી રાખ્યા હતા.

બારે પોલીસનું વર્તન વખોડ્યું
મહિલા એડવોકેટ સાથે અસભ્ય વર્તન કરનાર પીઆઇ, પીએસઆઇ અને કોન્સેટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરાશે. મહિલા વકીલ સાથે પોલીસના વર્તનને બાર વખોડે છે. - ભરત શાહ, પ્રમુખ, અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન

​​​​​​​પીઆઈએ જવાબ આપવાનો ટાળ્યો
​​​​​​​બાપુનગરના પીઆઇ એ.પી.ગઢવીની પ્રતિક્રિયા લેવા માટે વારંવાર મોબાઇલ ફોન કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેમણે ફોન ઉપાડયો નહોતો. તેમજ તેમને વોટસએપ મેસેજ પણ કરવામાં આવ્યો હતો. અને એ અંગે પણ કોઇ પ્રત્યુતર આપ્યો નહોતો.

કોર્ટ પરિસરમાં વકીલોની ભીડ
મહિલા વકીલને કોર્ટમાં લવાયા ત્યારે પરિસરમાં એકઠા થયેલા વકીલોએ ભારે સૂત્રોચ્ચાર કરતાં સ્થિતિ વણસી હતી.

અન્ય સમાચારો પણ છે...