તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:6 લાખનું દહેજ પડાવ્યાં પછી પતિએ પત્ની પાસે પત્ર લખાવ્યો, ‘હું ચરિત્રહીન છું’

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પત્ની પાસે બજળબરીથી તેણીના અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવું લખાણ લખાવી સાસરિયે પહોંચ્યો

પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિએ 6 લાખનું દહેજ પડાવ્યા પછી તેની પાસે ‘હું ચરિત્રહીન છું’ અને મારા બીજા પુરુષ સાથે સંબંધ એવો બળજબરી પૂર્વક એક પત્ર લખાવી લીધો હતો. આ વાત ત્યાંથી અટકી નહિ અને પતિ આ પત્ર લઈને પરિણીતાના પિયર પહોંચી ગયો હતો. બીજી તરફ તેનો પતિ સતત તેના પરિવાર પાસે રૂપિયાની માંગણી કરતો હતો. હાલ પોલીસે આ સંદર્ભે પરિણીતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

લગ્ન બાદથી જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી દહેજની આશા રાખી હતી
બાપુનગરમાં પોતાના માતા-પિતાના ઘરે રહેતી 33 વર્ષીય મહિલાના વર્ષ 2006માં રાજસ્થાનના ઉદેપુરના કેસરિયાજી ખાતે એક પરિવારમાં લગ્ન થયા હતા. હાલ તેને સંતાનમાં 14 વર્ષનો પુત્ર અને 10 વર્ષની પુત્રી છે. પુત્ર તેના પિતા સાથે જ્યારે પુત્રી આ પરણિતા સાથે રહે છે. લગ્ન બાદથી જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી દહેજની આશા રાખી હતી. અવાર-નવાર કામને લઈને મહિલા સાથે બોલાચાલી કરતા હતા અને પછી વાત દહેજ પર લાવી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પણ મહિલા વિશે ખરાબ બોલી પુત્રની કાનભંભેરણી કરીને તેને તેનાથી દૂર કરી દીધો હતો. અમુક સમય બાદ પરિણીતાએ પુત્રીને જન્મ આપતા તેના લગ્નમાં વ્યવહાર કોણ કરશે તેમ કહી મહિલા પર ત્રાસ ગુજારતા હતા.

મહિલાને ચરિત્રહીન હોવાનું કહીને બદનામ કરી હતી
મહિલાએ કંટાળીને પિયરમાં આ હકીકતો જણાવી હતી. જેથી મહિલાના પિતાએ ત્રણ-ત્રણ લાખ રૂપિયા બે વાર એમ કુલ છ લાખ મોકલ્યા હતા. જોકે, આટલા દહેજથી સંતોષ ન થતા પરિણીતાના પતિએ વધુ રૂપિયાની લાલચમાં આવીને પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાનું એક કાગળ પર લખાવી લીધું હતું. બાદમાં આ વાત મહિલાના પિયરમાં જઈને કરી હતી અને મહિલાને ચરિત્રહીન હોવાનું કહીને બદનામ કરી હતી. એટલું જ નહીં સાસરે રાખવી હોય તો વધુ રૂપિયાની માંગણી કરી હતી. આખરે સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...