બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસાદિક પુષ્પહારથી વડાપ્રધાન મોદીને સન્માન્યા હતા.
આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોવિડ-19ના વિકટ સમયમાં આરંભથી લઈને આજ પર્યંત ચાલી રહેલી રાહત સેવાઓથી વડાપ્રધાનને અવગત કર્યા હતા, જેમાં લાખો દર્દીઓ તથા પરિવારોને સંસ્થા દ્વારા અપાયેલી મેડીકલ, ખાદ્ય સામગ્રી અને આર્થિક સહાયની વિગતોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડાપ્રધાને પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ દ્વારા કચ્છના ભૂકંપ વેળાએ કરવામાં આવેલ સેવાકાર્યોની પણ સ્મૃતિ કરી હતી. યુક્રેનની બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બીએપીએસ સંસ્થાએ કરેલ સેવાકાર્યોને પણ તેમણે બિરદાવ્યા હતા.
આગામી ડિસેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે ઉજવવામાં આવનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવ અંગે પણ તેમણે ઊંડો રસ દાખવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ સાથેના કેટલાક અવિસ્મરણીય સંસ્મરણોને વાગોળીને તેઓએ જણાવ્યું હતું કે તેમની આધ્યાત્મિક પ્રગતિમાં અને તેમના આધ્યાત્મિક વિચારોના ઘડતરમાં પ્રમુખસ્વામી મહારાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં અબુધાબી અને બેહરિન ખાતે બીએપીએસ દ્વારા બંધાઇ રહેલ હિન્દુ મંદિરોની તેમણે સરાહના કરી હતી. એક કલાકથી વધુ સમય માટે ચાલેલી આ શુભેચ્છા મુલાકાતના અંતે સંતો અને વડાપ્રધાને ભગવાન સ્વામિનારાયણ તેમજ મહંત સ્વામી મહારાજની સ્મૃતિ સહિત વિશ્વભરમાં વ્યાપેલા ભારતીયોના સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રાર્થના કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.