તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતભર્યો નિર્ણય:ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરશે, પરિવારને અપાશે રૂ. 11,000ની સહાય

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • BAOU કોરોનામાં ઘરમાં કમાઉ વ્યક્તિના નિધન પર વિદ્યાર્થીને નિઃશુલ્ક પ્રવેશ આપશે

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. યુનિવર્સિટીના 75થી વધારે અભ્યાસક્રમોમાં ઓગસ્ટ-2021નું પ્રવેશકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે યુનિવર્સિટીએ કેટલાક ઉદાત્ત નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાસ્પદ બની શકે છે.

કોરોનાથી મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓને ફી પરત કરાશે
કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિશ્રી પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વમાં બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક મોટો માનવતાવાદી નિર્ણય કર્યો છે કે કોરોનાને કારણે મૃત્યુ પામનારા યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે. એટલું જ નહિ, તેના પરિવારને રૂ. 11,000ની આર્થિક સહાય પણ કરવામાં આવશે.

BAOU કેમ્પસની ફાઈલ તસવીર
BAOU કેમ્પસની ફાઈલ તસવીર

કોવિડ-19 મહામારીમાં સ્વજન ગુમાવનારને નિઃશુલ્ક પ્રવેશ
તાજેતરમાં મળેલી યુનિવર્સિટીની સર્વોચ્ચ સત્તામંડળની (બોર્ડ ઑફ મેનેજમેન્ટની) બેઠકમાં કોવિડ-19 મહામારીમાં કમાનાર સ્વજન ગુમાવનારને નિઃશુલ્ક પ્રવેશ અંગે જે પરિપત્ર કરવામાં આવેલો, તેમાં પણ વધારે છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઘરમાં કમાનાર વ્યક્તિના મોત પર વિનામૂલ્યે સરળ પ્રવેશ
કોવિડ-19 મહામારીમાં માતા-પિતા ગુમાવ્યા હોય, ઘરમાંથી એકમાત્ર રોજીરોટી કમાનાર વ્યક્તિ તરીકે પતિ, પિતા કે દીકરો ગુમાવ્યો હોય કે ઘરમાં રોજીરોટી કમાનાર કોઈ પણ વ્યક્તિ રહી ન હોય તેવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ ઓગસ્ટ-2021ના પ્રવેશસત્રમાં વિનામૂલ્યે તથા એકદમ આસાનીથી પ્રવેશ મેળવી શકશે તેમજ અભ્યાસક્રમ પૂરો કરીને પોતાની કારકિર્દી ઘડી શકશે.