વિવાદ:અમદાવાદમાં બેંક મેનેજર પત્નીને દીકરી જન્મતાં પતિએ માર માર્યો; ‘મારે દીકરો જોઈતો હતો’ કહીને કાઢી મૂકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ

નરોડામાં 29 વર્ષીય બેંકના ડેપ્યુટી મેનેજર મહિલાએ દીકરીને જન્મ આપતાં પતિએ ‘મારે દીકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો, માટે તને નથી રાખવી’ કહીને માર માર્યો હતો. આથી પરિણીતાએ પતિ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, નરોડામાં 29 વર્ષીય મહિલા પતિ અને દીકરી સાથે રહે છે. મહિલા એક ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. પરિણીતાને લગ્નના થોડા દિવસ સુધી રાખ્યા બાદ પતિ પિયરમાંથી દહેજપેટે રૂપિયા લઇ આવવાની માગણી કરી માર મારતો હતો અને રોજ દારૂ પીને ઘરે આવી પત્નીને માનસિક-શારીરિક ત્રાસ આપતો હતો. પત્ની ઘરખર્ચ માટે પૈસા માગે તો પણ પતિ કહેતો કે, ‘તું તારા પિતાના ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી, કાર લઈ આવ નહીં તો મારી નાખીશ.’ મહિલાને લગ્ન સમયે જે દાગીના આપવામાં આવ્યા હતા, તે દાગીના પણ પતિએ વેચી નાખ્યા હતા. ઘરમાં અનાજ કે અન્ય ચીજવસ્તુઓ લાવવા પૈસા માગે તો પણ પતિ મારઝૂડ કરતો હતો.

પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો તો પતિએ કહ્યું કે, ‘મારે દીકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો. મારે તને નથી રાખવી’ કહીને મારઝૂડ કરી માનસિક-શારીરિક ત્રાસ આપતો હતો. આખરે પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...