તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:બનાસકાંઠા કલેક્ટર અમદાવાદ કરતાં આગળ, સિનિયર બાબુને પાટીલ સાથેની નિકટતા ફળી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હમણાં હમણાં અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલે એ નિર્ણય કર્યો કે સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવતાં દુકાનદારો, શાકભાજી કે દૂધના વિક્રેતાઓ, ફેરિયા, મોલ અને રેસ્ટોરન્ટના સંચાલકો અને કર્મચારીઓ, સલૂન-સ્પા કે બ્યુટી પાર્લર સંચાલકોને રસી ફરજિયાત કરવી. પરંતુ આવો નિર્ણય બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે બે મહિના પહેલાં લઇને તેને સંપૂર્ણ અમલી કરી નાખ્યો હતો. કોરોનાનું સંક્રમણ જિલ્લામાં ન વધે તથા રસીકરણ ઝડપી બને તે હતુથી આનંદ પટેલે આ નિર્ણય લીધો હતો. આ માટે તેમણે વિવિધ એસોસિએશનો સાથે બેઠકો કરી હતી. 45થી ઓછી ઉંમરના લોકોમાં બનાસકાંઠામાં હજુ થોડા સમય પહેલાં જ રસીકરણ શરૂ થયું હતું, પણ પટેલે 45થી વધુ ઉંમરના મોટાભાગના સુપર સ્પ્રેડરને રસીકરણમાં આવરી લીધા અને હવે તે આ જ મોડેલ પર 45થી ઓછી ઉંમરના સુપર સ્પ્રેડર્સને પણ રસી આપી રહ્યા છે.

સિનિયર બાબુને પાટીલ સાથેની નિકટતા ફળી
ગુજરાતના એક સિનિયર સનદી અધિકારીએ થોડા સમયથી ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાથે નિકટતા વધારી દીધી હતી. તેઓ નિયમિત પાટીલને બંગલે મળતા હોવાનું જાણવા મળ્યું છે. હવે આ નિકટતાના બદલારૂપે હમણાં-હમણાં થયેલી બદલીઓમાં તેમને એક સારું પોસ્ટિંગ મળ્યાની ચર્ચા છે. આ અધિકારી આમ તો ભાજપના કોઇ નેતા સાથે સીધો સંબંધ ધરાવતા નથી, પરંતુ પાટીલ સાથેના સંબંધો તેઓ વિકસાવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં પણ તેમને આ સંગાથના મીઠા ફળ મળતા રહે. આમ તો આ અધિકારી પોતાની રીતે વિભાગમાં મોટા નિર્ણયો લેવામાં માહેર ગણાય છે અને તેઓની કાર્યશૈલી ખૂબ ત્વરાથી કામ કરવાની છે. પરંતુ રાજકીય કનેક્શન નબળા હોવાને કારણે તેઓને કોઇ ખાસ લાભ થતો ન હતો જે હવે મળવાનું શરૂ થયું છે.

ભાજપના નેતા સામે ભાજપના જ માણસો
ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચૂકલા પ્રફુલ્લ ખોડાભાઇ પટેલ સામે લક્ષદ્વીપના ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ જ મોરચો માંડ્યો છે. પ્રફુલ્લ પટેલ હાલ આ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટી વડા છે અને તેમણે મુસ્લિમ બહુલ ધરાવતાં આ બેટ પ્રદેશમાં ગૌમાંસ પર પ્રતિબંધ લાદી દીધો છે, જ્યારે દારૂબંધીને સાવ હળવી કરી દીધી છે. ત્યાંની એક જાણીતી અભિનેત્રીએ ટીવી ચેનલ ડીબેટમાં તેમને બાયોવેપન કહેતાં તેની સામે રાજદ્રોહની ફરિયાદ દાખલ થઇ છે. હવે આ મુદ્દે લક્ષદ્વીપવાસીઓ ભડકે બળ્યાં છે અને પટેલની સામે મોરચો ઉઠાવ્યો છે. ભાજપના નેતાઓએ તો વડાપ્રધાનને પત્ર લખીને ફરિયાદો કરી તેમને અહીંથી હટાવી લેવાની રજૂઆત કરી દીધી છે. ગુજરાતના રાજકારણમાં પટેલ ફરી પાછાં એન્ટ્રી કરે તેવી હાલ વાતો પણ ચર્ચાઇ રહી છે. પ્રફુલ્લ પટેલ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં વિશ્વાસપાત્ર રાજકારણીઓ પૈકીના એક ગણાય છે.

જયંતી રવિને સ્ટાફ દ્વારા સંગીતમય વિદાય અપાઈ
આરોગ્ય સચિવ જયંતી રવિની તામિલનાડુમાં બદલીનો હુકમ આવતા તેમને આરોગ્ય વિભાગના સ્ટાફે વિદાય આપી હતી. જયંતી રવિ સંગીતમાં રુચિ ધરાવતાં હોઇ એક કર્મચારીએ સંગીતમય વિદાય આપી હતી. કોરોના શરૂ થયો ત્યારથી જયંતી રવિ માસ્ક વગર જાહેરમાં ક્યારેય દેખાયાં નથી, પરંતુ આ સમારોહમાં તેમણે કર્મચારીઓની લાગણીને માન આપી કેક કાપી અને મહિલા કર્મચારીઓના હાથે કેક ખાધી અને તેઓને ખવડાવી પણ ખરી. આરોગ્યના સ્ટાફે તેમને કહ્યું કે તેમના જેવાં અધિકારીને તેઓ કાયમ મિસ કરશે.

જાડેજાએ ભૂપેન્દ્ર યાદવને કાનમાં શું કહ્યું હશે?
ભાજપના સિનિયર નેતા આઇ કે જાડેજા ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને મળવા માટે પહોંચ્યા હતા અને તેમની સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. રાજકીય સમીકરણો પ્રમાણે જાડેજાને અને મુખ્યમંત્રી રૂપાણીને ઘણાં સમયથી છત્રીસનો આંકડો છે. ઉપાધ્યક્ષ રહેલા જાડેજાને પાટીલે પોતાની ટીમમાંથી પણ પડતા મૂક્યા છે. હવે આવાં સંજોગોમાં જાડેજાએ યાદવને કોની ફરિયાદ કરી હશે કે કોની તરફદારી કરી હશે તે જાણવું પણ મુશ્કેલ છે. જાડેજાએ યાદવને મળવા માટે કારમાં આવવાને બદલે સ્કૂટર પર આવવાનું પસંદ કર્યું તે પણ કોઇ ચોક્કસ કારણોસર કર્યું હશે તેમ મનાય છે.

શાલિની અગ્રવાલે હુકમ થાય તે પહેલાં જ પોતાના અંગત લોકોને બદલીની વાત કરી દીધી
​​​​​​​હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સનદી અધિકારીઓની બદલીમાં વડોદરાના કલેક્ટરમાંથી પ્રમોશન મેળવીને કમિશનર બનેલાં આઇએએસ અધિકારી શાલિની અગ્રવાલ અગાઉ ત્યાંના જ કલેક્ટર હતાં. પરંતુ તેમની 2005ની બેચના અધિકારીઓને બઢતી મળતાં તેમની બદલી કમિશનર તરીકે થઇ. બદલીના સત્તાવાર હુકમ રાજ્ય સરકારે રાત્રે દસ વાગ્યા પહેલાં પહેલાં કર્યાં, પરંતુ શાલિની અગ્રવાલે વડોદરામાં પોતાના અંગત ગણાતાં ઘણાં લોકોને કહી દીધી હતી કે મારું પ્રમોશન સાથે બદલી થવાની છે, પરંતુ હું તમારાથી દૂર જવાની નથી. મને વડોદરામાં જ રાખવામાં આવશે. બદલીના હુકમો સત્તાવાર રીતે થયા પછી તેમના આ અંગત લોકોમાં ખૂબ ઉત્સાહ પ્રસરી ગયો હતો. તેમની બેચના પાંચ અધિકારીઓની બદલીઓ થઇ છે, બાકીના ત્રણ અધિકારીઓને તેમના સ્થાને યથાવત્ રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...