અમદાવાદમાં જાહેરનામા ભંગની ફરિયાદ:ઉત્તરાયણ પર લાઉડસ્પીકરની બંધી છતાં 2 અમદાવાદી ધાબે વગાડતાં ઝડપાયા અને ડ્રોન સર્વેલન્સમાં મહિલા પકડાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી. - Divya Bhaskar
અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી.
  • ઠેકઠેકાણે લોકોએ મ્યુઝિક સિસ્ટમ પર ગીતો વગાડી ઉત્તરાયણ ઊજવી, માત્ર 2 પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો કેસ

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર ઊજવવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી હતી. ગાઈડલાઈન્સ મુજબ, ઉત્તરાયણમાં ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. શહેરના ખાડિયા વિસ્તારમાં લાલાભાઈની પોળમાં ધાબા પર જોર જોરથી લાઉડસ્પીકર વગાડવામાં આવતાં ખાડિયા પોલીસે બે લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે. પ્રતિબંધ છતાં લાઉડસ્પીકર તેમણે વગાડતાં કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે ઈસનપુરમાં પોલીસે ડ્રોન સર્વેલન્સના આધારે એક મહિલા સામે ફરિયાદ નોંધી છે.

પોલીસે પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખ્યું
ઉત્તરાયણના તહેવારને લઈ સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી હતી, જેનો અમલ થાય એના માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું હતું. ખાડિયા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે લાલાભાઈની પોળમાં આવેલા એક ધાબા પર જોર જોરથી મ્યુઝિક વાગતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું, જેથી પોલીસ ધાબા પર પહોંચી અને લાઉડસ્પીકર બંધ કરાવી દીધું હતું. પોલીસે અરુણ માજી અને સમર દુલાલ નામના બે શખસ સામે ગાઈડલાઈન્સ મુજબ, ઉત્તરાયણમાં ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં જાહેરનામાનો ભંગ કરતાં ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઈસનપુરમાં મ્યુઝિક સિસ્ટમ વગાડતી મહિલા સામે ડ્રોન સર્વેલન્સના આધારે ગુનો નોંધાયો
શહેરના ઇસનપુર પોલીસ દ્વારા પણ ડ્રોન દ્વારા વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી હતી ત્યારે રામગલી પાસે બે માળના મકાનના ધાબા પર મ્યુઝિક સિસ્ટમ વગાડતા જોવા મળ્યા હતા. જેથી ડ્રોન કેમેરામાં કેદ થયેલા મકાન પર જઈ તપાસ કરતાં રંજનબેન ચુનારા નામની મહિલા ધાબા પર મ્યુઝિક સિસ્ટમ વગાડતી હતી, જેથી પોલીસે તેમની સામે ગુનો નોંધી મ્યુઝિક સિસ્ટમ જપ્ત કરી ધરપકડ કરી હતી.

અમદાવાદમાં અનેક ધાબા પર મ્યુઝિક સિસ્ટમ વગાડાઈ
સરકાર દ્વારા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ તો ફરમાવ્યો હતો, પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધાબા પર લોકોએ મ્યુઝિક સિસ્ટમ લગાવી અને ગીતો વગાડી ઉત્તરાયણ ઊજવી હતી. ધીમા અવાજે લાઉડસ્પીકર પર ગીતો-ગરબા લગાવી નાચ્યા પણ હતા. જોકે પોલીસે ઉત્તરાયણનો તહેવાર હોવાથી આંખ અને કાન બંને બંધ રાખી દીધા હતા. શહેરમાં માત્ર બે પોલીસ સ્ટેશનમાં લાઉડસ્પીકર વગાડવાના ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...