અઝાન વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો:રાજ્યની મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન સામે થયેલી PILમાં બજરંગદળનો પક્ષકાર બનવા અરજી

અમદાવાદએક મહિનો પહેલા
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • ગાંધીનગર બજરંગદળના અધ્યક્ષ દ્વારા પક્ષકાર બનવા હાઇકોર્ટમાં અરજી
  • રાજ્ય સરકારે આ મામલે જવાબ ન રજૂ કરતાં ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી

રાજ્યની મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાન બાબતે જાહેરહિતની અરજીમાં વધુ એક અરજદાર દ્વારા પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરાઈ છે. ગાંધીનગર જિલ્લાના બજરંગદળના અધ્યક્ષ દ્વારા જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનવા અરજી કરાઈ હતી, જે અંગે કોર્ટે રજિસ્ટ્રીને વેરિફાય કરી મેટરને મુખ્ય PIL સાથે જોડવા નિર્દેશ આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી 8 મેના રોજ હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર બજરંગદળના અધ્યક્ષે અરજી દાખલ કરી
અગાઉની સુનાવણી દરમિયાન આ જાહેરહિતની અરજી કરનારા મૂળ અરજદારે મસ્જિદોમાં લાઉડસ્પીકર મામલેની PIL પરત લેવા માટે રજૂઆત કરી હતી. એ બાદ હવે ગાંધીનગર બજરંગદળના જિલ્લા અધ્યક્ષ દ્વારા આ મામલે પક્ષકાર તરીકે જોડાવા માટે સિવિલ એપ્લિકેશન દાખલ કરી છે.

સરકારે અગાઉની અરજીમાં જવાબ રજૂ ન કરતાં કોર્ટ નારાજ
આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજ્ય સરકારના વલણ સામે અણગમો પણ વ્યક્ત કર્યો, કારણ કે આ મામલે હજુ સુધી સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો નહોતો, આ મામલે મૂળ અરજદારે અગાઉ અરજી પરત લેવાની વાત કહી હતી, જેથી કોર્ટે આ વલણને બેવડું વલણ ગણાવ્યું હતું, સાથે જ કોર્ટે જો સરકાર આગામી સુનાવણીની તારીખ સુધી જવાબ ફાઈલ ન કરે તો એ બાદ જવાબ ફાઇલ કરવાની મંજૂરી નહિ અપાય એવી ટકોર પણ કરી છે.

અરજદારે અગાઉ અરજી પરત ખેંચવા માગ કરી હતી
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યની મસ્જિદોમાં અઝાન માટે તથા લાઉડસ્પીકર ઉપયોગ સામે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી, જેમાં અરજદારે અગાઉની સુનાવણીમાં મૂળ અરજદાર ગાંધીનગરના જે વિસ્તારમાં રહે છે ત્યાં આ લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો, જેથી તેમણે આ અરજી પરત ખેંચવા માગ કરી હતી. જોકે આ અંગે હાઇકોર્ટ આ બાબત રાજ્યના અન્ય સ્થાનો પર સ્પર્શે છે કે કેમ? એ અંગે પણ રાજ્ય સરકાર પાસે જાણકારી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...