સુપ્રીમમાં સુનાવણી:બી. યુ પરમીશન વગર હોસ્પિટલો કેવી રીતે ચાલી શકે? સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
  • બી.યુ અને NOC વિનાના ગેરકાયદેસર બાંધકામને કોરોનાની સ્થિતિ સુધી રાહત આપવાના જાહેરનામા પર સ્ટે
  • શ્રેય હોસ્પિટલમાં આગની તપાસનો રિપોર્ટ વિધાનસભામાં ચર્ચા માટે મૂકવા સુપ્રીમ કોર્ટનો હુકમ કર્યો

રાજ્યમાં બી.યુ તથા ફાયર NOC વિનાના ગેરકાયદેસર બાંધકામ સામે અમુક શરતોમાં સરકાર કોરોનાની સ્થિતિ છે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરે તેવા જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. સુપ્રીમકોર્ટે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, બિલ્ડિંગ યુજ પરમીશન એટલે કે બી. યુ પરમીશન વગર હોસ્પિટલો કેવી રીતે ચાલી શકે? કોર્ટે વધુમાં ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યું કે, રહેઠાણના મકાનમાં હોસ્પિટલો ચલાવવી એ તો લોકોના જીવ જોખમમાં મૂકવા બરાબર છે. અને વળી ગુજરાત સરકારે 8મી જુલાઈ 2021ના રોજ જાહેરનામું બહાર પાડી દીધું કે, ગેરકાયદેસર બાંધકામ, બી. યુ પરમીશન વગરના તેમજ ગેરકાયદેસર બાંધકામની સામે સરકાર કોઈ પગલાં નહીં લે!

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 122નો દુરુપયોગ કરી ગુજરાત કોમપ્રિહેંસીવ ડેવલપમેંટ કંટ્રોલ રેગ્યુલેશનને નેવે મૂકી આ જાહેરનામું 8મી જુલાઇ 2021ના રોજ બહાર પાડેલું છે, જેના પર હવે સુપ્રીમ કોર્ટ સ્ટે આપે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં ટીકા કરતાં કહ્યું કે, મેડિકલ એસોશિએનની અરજીમાં એક હોસ્પીટલ તો છેક 38 વર્ષથી ગેરકાયદેસર બી. યુ. પરમીશન વગર ચાલે છે! ગુજરાત સરકારે કાયદાનું પાલન કરવું જોઈએ અને સરકારના સોલિસિટર જનરલને સૂચના આપી કે તેઓ રાજ્યની દરેક ગેરકાયદેસર હોસ્પીટલ તેમજ ફાયર સેફટી અંગે સોગંદનામું કોર્ટમાં રજૂ કરે.

શ્રેય હોસ્પિટલની ફાઈલ તસવીર
શ્રેય હોસ્પિટલની ફાઈલ તસવીર

શ્રેય હોસ્પિટલનો તપાસ રિપોર્ટ વિધાનસભામાં ચર્ચા માટે મૂકવા હુકમ
સુપ્રીમ કોર્ટે વધુમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગના બનાવ અંગે જસ્ટિસ ડી. એ. મેહતા કમિશન ઓફ ઇન્ક્વાયરીના રિપોર્ટને વિધાનસભામાં ચર્ચા માટે મૂકવા હુકમ કર્યો છે અને ત્યારબાદ આ અંગેની વધુ સુનાવણી 4 અઠવાડિયા બાદ હાથ ધરશે.

શું હતું ગુજરાત સરકારનું જાહેરનામું?
ગુજરાત એપેડેમિક ડીસીસ, કોવિડ-19 રેગ્યુલેશન્સ-2020ની જોગવાઈ અંતર્ગત બી.યુ. પરમીશન કે ફાયર એન.ઓ.સી.ના ધરાવતા રાજયના તમામ બિલ્ડીંગોને કોવિડની પરિસ્થિતિ રહે ત્યાં સુધી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય પરિસ્થિતિ ન બને ત્યાં સુધી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તેમ તેમાં ઉલ્લેખ હતો. આઠ મહાનગર પાલિકા ઉપરાંત તમામ નગર પાલિકા સહીતના વિસ્તારોમાં આ રાહત અપાઈ હતી. જો કે લોકોની સલામતીના મુદ્દે સરકાર ફાયર સેફટી મામલે કોઈ બાંધછોડ કરવા માંગતી ના હોવાનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...