ગફલતનો ધૂંબો:ચાર વર્ષ પહેલાં અલગ થયેલી પત્નીને એક્સિસ બેંકે ATM કાર્ડ-પિન મોકલી દીધા, પતિદેવને 1.66 લાખનો ચૂનો લાગ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રાહક અદાલતે વાર્ષિક 7% વ્યાજ સાથે અરજદાર પતિને વળતર ચૂકવવા એક્સિસ બેંકને આદેશ કર્યો
  • ATM કાર્ડ ખોવાઈ જતાં ખાતેદારે સપ્ટેમ્બર 2009માં બેંકને નવું કાર્ડ કાઢી આપવા માટે અરજી કરી હતી

ગાંધીનગર જિલ્લામાં રહેતા ખાતેદારને બેંકની ગફલતથી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાતેદારનું ATM કાર્ડ ખોવાઈ જતાં એક્સિસ બેંકને નવું કાર્ડ ઈશ્યુ કરવા અરજી કરી હતી. પરંતુ નવું કાર્ડ ખાતેદારને ક્યારેય મળ્યું જ નહીં, જ્યારે તેઓ ચેકથી બેંકમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે બેંકે તેમને કહ્યું કે તેમના ખાતામાં પૈસા નથી. પોતાના ખાતામાંથી પૈસા ક્યાં ગયા એ જાણવા ખાતેદારે સ્ટેટમેન્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું હતું કે બેંક તરફથી તેમનું ATM કાર્ડ ગાંધીનગરમાં અલગ રહેતી પત્નીને મોકલી દેવામાં આવ્યું છે. આ મામલે તેમણે ગ્રાહક સુરક્ષા પંચ સમક્ષ ફરિયાદ કરતાં બેંકને 1.66 લાખ રૂપિયા 7 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો વારો આવ્યો છે.

ખાતેદાર પૈસા ઉપાડવા ગયા ત્યારે ખબર પડી ખાતામાં પૈસા જ નથી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધિનગર જિલ્લાના નારદીપુર ગામમાં રહેતા વિનોદ જોષી પોતાના પુત્ર સાથે એક્સિસ બેંકમાં જોઈન્ટ અકાઉન્ટ ધરાવતા હતા. જેના ડેબિટ કાર્ડનો ઉપયોગ બંને કરતા હતા. તેમનું ATM કાર્ડ ખોવાઈ જતાં તેમણે સપ્ટેમ્બર 2009માં બેંકને નવું કાર્ડ કાઢી આપવા માટે અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ તેમને નવું કાર્ડ ક્યારેય મળ્યું જ નહોતું. 26 ઓગસ્ટના રોજ તેઓ સેલ્ફ ચેકથી બેંકમાં 10 હજાર રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તેમને બેંક તરફથી એવું કહેવાયું હતું કે તેમના ખાતામાં બેલેન્સ નથી. પોતાના ખાતામાંથી રૂપિયા કોણ ઉપાડી ગયું તે જાણવા માટે વિનોદ જોષીએ બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું.

એકાઉન્ટમાંથી 1.66 લાખ રૂપિયા ઉપાડી લેવાયા
સ્ટેટમેન્ટ પરથી તપાસ કરતા ખાતેદાર વિનોદભાઈને જાણ થઈ હતી કે બેંકે નવું એટીએમ કાર્ડ તેમને મોકલવાને બદલે તેમનાથી અલગ રહેતી પત્નીના ગાંધીનગર સ્થિત સરનામે મોકલી દીધું છે. જેના દ્વારા કુલ 1 લાખ 66 હજાર 900 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. બેંકની આ ગફલતથી પોતાને થયેલા નુક્સાનનું વળતર મેળવવા માટે તેમણે ગાંધીનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં 2010માં બેંક સામે કેસ કર્યો હતો. આ કેસમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, બેંકે દાખવેલી બેદરકારીને કારણે તેમને પોતાના રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

બેંકે ATM કાર્ડ અને પીન અલગ રહેતી પત્નીને મોકલી દીધાં ( પ્રતિકાત્મક તસવીર)
બેંકે ATM કાર્ડ અને પીન અલગ રહેતી પત્નીને મોકલી દીધાં ( પ્રતિકાત્મક તસવીર)

2005માં સરનામું બદલાવવા માટે અરજી પણ આપી હતી
તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, પોતે બેંકને પત્ની સાથે ચાલતી કાયદાકીય લડાઈ અંગે માહિતી આપીને 2005માં સરનામું બદલાવવા માટે અરજી પણ આપી હતી. જોકે, તેમ છતાંય તેમનું એટીએમ કાર્ડ તેમની પત્નીના સરનામે મોકલી દેવાયું છે અને તેના દ્વારા તેમના અકાઉન્ટમાંથી પત્નીએ 1.66 લાખ ઉપાડી લીધા છે. બેંકે કોર્ટમાં આ અંગે આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, તેણે કાર્ડ વિનોદ જોષીના સરનામે જ મોકલ્યું છે. 1.66 લાખ રૂપિયા પણ ખાતેદાર અને તેમના દીકરા દ્વારા જ ઉપાડવામાં આવ્યા છે. બેંકે દાવો કર્યો હતો કે આ અંગેના તેની પાસે ATMના સીસીટીવી ફુટેજ પણ છે.કેસની સુનાવણી દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે ATM કાર્ડ વિનોદ જોષીને નારદીપુર નહીં, પરંતુ તેમની પત્નીને ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું.

નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખી બેંકને કસૂરવાર ઠેરવી
બેંકે દાવો કર્યો હતો કે કાર્ડનો પીન વિનોદ જોષીને ઈમેલ કરાયો હતો, પરંતુ તે પણ કોર્ટમાં સાબિત નહોતું થઈ શક્યું. પેપર્સ પરથી એ વાત બહાર આવી હતી કે વિનોદ જોષીને પીન મળ્યો જ નહોતો, તેને પણ કુરિયર દ્વારા તેમની પત્નીને જ મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતે 2011માં આ કેસની સુનાવણી પૂર્ણ કરીને બેંકની વિરુદ્ધ ચુકાદો આપતા ફરિયાદીને વળતર ચૂકવી દેવા આદેશ કર્યો હતો. જોકે, તેની સામે બેંકે રાજ્ય સ્તરની ગ્રાહક સુરક્ષા અદાલતમાં અપીલ કરી હતી. જેના પર સુનાવણી કરતા જ્યુડિશિયલ મેમ્બર એમ.જે. મહેતાએ નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખી બેંકને કસૂરવાર ઠેરવી હતી અને 2010થી સાત ટકા વ્યાજ સાથે 1.66 લાખ રુપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...