છેલ્લાં બે વર્ષમાં કોવિડે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે ઘણાંય લોકોને એક કે બે વખત કોવિડ થયો હોય તેવું બન્યું છે. જોકે દેશમાં આવેલી ત્રણેય લહેરમાં કોવિડનો ભોગ બન્યા હોય તેવા લોકો બહુ ઓછા છે. આવી જ એક વ્યક્તિ છે અમદાવાદનાં સેટેલાઇટમાં રહેતાં અવની મહર્ષિ વ્યાસ. જોકે અવનીબેન એક ચોક્કસ કારણસર પોતાને ઓછાં કમનસીબ માને છે અને નસીબદાર વધુ માને છે.
ત્રણેય લહેરમાં કોવિડે તેમને શારીરિક રીતે ઘણું નુકસાન પહોંચાડ્યું છે પરંતુ તેઓ ‘લાઇફ છે, નાની -મોટી તકલીફો થયા કરે’ તેમ વિચારીને હંમેશા કોવિડ સામે લડી લેવાનાં મૂડમાં હોય છે. ભાસ્કર સાથે વાત કરતાં પોતાનાં ત્રણેય વખતના કોવિડ અનુભવ વિશે અવનીબેન કહે છે, ‘પહેલી લહેરમાં મને ખૂબ જ વીકનેસ આવી. બીજી લહેરમાં કોવિડ મટ્યા પછી મને વીકનેસ વધી. જોકે ત્રીજી વખત પોઝિટિવ આવ્યા બાદ પહેલી બે લહેર જેવી તકલીફ નથી પડી. મેં બંને વેક્સિન પણ લીધી હોવા છતાં હું ફરી પોઝિટિવ આવી. કોવિડને લીધે મને ઘણી શારીરિક તકલીફ આવી.’
વધુમાં તેઓ જણાવે છે કે, ‘બીજી લહેર પછી મને ડાયાબિટીશ આવ્યો જે હવે કન્ટ્રોલમાં છે. પહેલાં હું સરળતાથી 10,000 સ્ટેપ ચાલી શકતી હતી. જે સંખ્યા હવે 5,000થી 7,000 થઇ ગઇ છે. કંઇ પણ થાય પણ હું વૉક કરવાનું ચૂકતી નથી. ખૂબ જ ફ્લુઇડ લેવાનો આગ્રહ રાખું છું જેથી ઇન્ફેક્શન સવાર ન થઇ જાય. યોગ અને અન્ય કસરત દ્વારા ઓક્સિજન કાબૂમાં રાખું છું. મારો એક જ નિયમ છે કે વિલ પાવર સ્ટ્રોંગ રાખો. હું માનું છું કોવિડ શરદી-ખાંસીની જેમ પાર્ટ ઓફ લાઇફ છે. લાઇફમાં નાની-મોટી તકલીફ તો આવે. બીજી લહેરમાં ગંભીર સ્થિતિ થતાં મેં બાળકો અને સાસુને બીજે મોકલી દીધાં હતાં. મારા પતિ હંમેશા મારો સ્ટ્રોંગ સપોર્ટ રહ્યા છે. કોવિડે ભલે શારીરિક રીતે નુકસાન કર્યું હશે પરંતુ કોવિડે મને મારી જાત સાથે મુલાકાત કરાવી. જેના માટે હું તેેનો આભાર માનીશ.’
કોવિડે આ રીતે બદલી જિંદગી: હવા, પાણી, પર્વત, જંગલનું મહત્ત્વ સમજાયું
અવનીબેનનું કહેવું છે કે કોવિડે તેમનો જાત સાથે મેળાપ કરાવ્યો છે. વર્ષોથી હું ઘરનાં કામો અને બાળકોમાં જ બિઝી હતી. જવાબદારીઓ વચ્ચે મને મારા વિશે વિચારવાનો સમય જ ન હતો. હું ક્યાં જઇ રહી છું અને મારે ભવિષ્યમાં શું કરવું જોઇએ. ખરેખર વર્ષોથી હું ખોવાઇ ગઇ હતી જે હું મને પરત મળી. કોવિડે મને જાતને ફરી મળાવી. મારો જીવનનું કોન્ફિડન્સ લેવલ ખૂબ જ વધી ગયું. મને યોગ, હવા, પાણી, પર્વત, જંગલ અને કુદરતનું મહત્વ સમજાયું. પરિવાર અને જાત માટે ભવિષ્યનું પ્લાનિંગ કર્યું.
માસ્ક પહેરવામાં, ટેસ્ટ કરાવવામાં ઢીલાશ ન કરો
જૂનાગઢનાં વતની અવનીબેન જણાવે છે કે, “લોકોને હું ખાસ કહું છું કે કોવિડને હળવાશથી ન લો. જો લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવામાં જરાય ચૂક ન કરો જેથી સારવાર શરૂ થાય અને બીજાને નુકસાન ન થાય. માસ્ક ખાસ પહેરો જેથી તેને ટાળી શકાય. પહેલી લહેરમાં ઇમ્યુનિટી ડાઉન થવાથી કદાચ મને ફરી થયો હોય તેમ બને. પણ મેં ખૂબ જ લિક્વિડ અને યોગાસનને મારો મંત્ર બનાવ્યો છે.’
3 લહેરમાં કોવિડ થવો રેર છે: ડૉ. ઇર્શાન ત્રિવેદી
“મેં કોવિડકાળમાં 6,000 લોકોને ટ્રીટ કર્યા છે. પરંતુ ત્રણેય લહેરમાં કોવિડ આવ્યો હોય તે ઘટના રેર કહી શકાય. અવનીબેનને પણ મેં ટ્રીટ કર્યા છે. તેમના જેવા દર્દીને વાઇરસ સસેપ્ટીબિલિટી વધુ હોય છે. રસીનાં બંને ડોઝ લીધા પછી અને પહેલાં કોવિડ થયા પછી પણ આવા દર્દીને કોવિડ થાય છે. તેમને કોવિડ ફરી થયા પછી જ ઇમ્યુનિટી ડેવલપ થાય છે. અવનીબેન ખૂબ જ સજાગ હોવાથી તે લક્ષણ દેખાય કે તરત જ ટેસ્ટ કરાવી લે છે. જેથી તે કોવિડને ગંભીર બનતાં અટકાવી શક્યા છે. મારી લોકોને એ જ સલાહ છે કે ટેસ્ટ કરાવવામાં મોડું ન કરવું.”
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.