ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:રાજ્યમાં સરેરાશ 81% વરસાદ; દ્વારકામાં 45 ટકા વધુ વરસાદ, સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં રહી

અમદાવાદએક વર્ષ પહેલા
ફાઇલ તસવીર.
  • અમદાવાદ સહિત રાજ્યના 8 જિલ્લામાં હજુ 40થી 47% વરસાદની ઘટ સર્જાઈ
  • ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાંથી મધ્યમથી ભારે વરસાદની વકી

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે તેમજ હાલમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સૂન ટ્રફની અસરોથી આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હ‌ળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદ

ઝોનસરેરાશકુલ વરસાદટકાવારીવધ/ઘટ
કચ્છ442.31336.676.1-23.9
ઉ. ગુજરાત716.55426.3359.5-40.5
પૂ. ગુજરાત806.27514.3863.8-36.2
સૌરાષ્ટ્ર700.62616.287.95-12.5
દ. ગુજરાત1461.731081.9874.02-25.95

અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાંથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.

આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે. અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી વાદળિયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો હતો તેમ જ રોજની જેમ વરસાદ હાથતાળી આપશે એમ લોકો માની રહ્યા હતા, પરંતુ બપોરના 12.00 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડયાં હતાં, જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડીગ્રી ગગડીને 30.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડીગ્રી નોંધાયું હતું.

8 જિલ્લામાં 40%થી વધુ ઘટ

વરસાદસામાન્યઆ વર્ષેઘટ
ગુજરાત658.1534.619 ટકા
દાહોદ770.8410.847 ટકા
ગાંધીનગર686.8370.446 ટકા
અમદાવાદ655.7375.443 ટકા
તાપી1341.278142 ટકા
વડોદરા855.5499.242 ટકા
મહેસાણા661.5391.741 ટકા
અરવલ્લી784.7467.740 ટકા
ખેડા798.3475.240 ટકા