તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન ડ્રાઇવનું સુરસુરિયું:અમદાવાદ, સુરત અને રાજકોટમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના 6 દિવસમાં ફિયાસ્કો, સેન્ટર પર 'વેક્સિન ઉપલબ્ધ નથી'નાં બોર્ડ લાગ્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
સેન્ટર પર વેક્સિનેશન બંધનું બોર્ડ લાગ્યું.
  • કાગળ પર સાડાનવ લાખનો સ્ટોક, સેન્ટરો ખાલીખમ
  • લોકો વેક્સિન પ્રત્યે જાગ્રત જ છે, સરકાર પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે: કપિલ જાની
  • આંબલી, બોપલ, ઘુમા, ગોધાવીમાં વેક્સિનેશન સેન્ટર પર 'આજે વેક્સિન બંધ છે' નાં બોર્ડ

દેશમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાને દેશમાં વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત 21 જૂનથી કરાવી હતી. એમાં ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ બોડકદેવ સ્થિત હોલની મુલાકાત લીધી હતી અને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે હજી આ વેક્સિનેશનના મહાઅભિયાનના 6 દિવસમાં જ વેક્સિન ખૂટી પડી છે. અમદાવાદમાં વીકેન્ડમાં વેક્સિનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવ્ય ભાસ્કરની ટીમે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં પાલડી અર્બન સેન્ટર, ફતેપુર ગામની સરકારી શાળા, જોધપુર કામેશ્વર શાળા અને વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ આ તમામ સ્થળે વેક્સિન ઉપલબ્ધ ન હતી.

વેક્સિન માટે અવ્યવસ્થા અને આયોજનના અભાવે લોકોમાં રોષ
વેક્સિનેશન સેન્ટરની બહાર 'વેક્સિન ઉપલબ્ધ નથી' એવાં પોસ્ટર લગાવાયાં હતાં, જેથી વીકેન્ડને કારણે લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા, પરંતુ તેમને વેક્સિન ન મળતાં તેઓ એક સેન્ટરથી બીજા સેન્ટરે ધક્કે ચડ્યા હતા. કેટલાક વેક્સિનેશન સેન્ટરે તો માત્ર 100 ડોઝ ઉપલબ્ધ હતા, જેથી ત્યાં પણ લોકોને હાલાકી ભોગવી પડી હતી. જોકે એક બાજુ સરકાર વેક્સિનેશનના મહાઅભિયાનના મોટા દાવા કરે છે અને બીજી બાજુ અવ્યવસ્થા અને આયોજનના અભાવે લોકોને હાલાકી ભોગવવી પડે છે, જોકે આને કારણે લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતના પુણામાં વેક્સિનેશન સેન્ટરને તાળું હોવાથી લોકોમાં રોષ, લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા

પાલડીમાં પણ વેક્સિનેશન સેન્ટરમાં લોકો ધક્કો ખાઈને પાછા ફર્યા.
પાલડીમાં પણ વેક્સિનેશન સેન્ટરમાં લોકો ધક્કો ખાઈને પાછા ફર્યા.

'લોકો જાગ્રત જ છે, સરકાર વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે'
પાલડીના ફતેહપુરની સરકારી શાળાએ વેક્સિન લેવા આવેલા કપિલ જાનીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અહીં વેક્સિન લેવા આવ્યો હતો, પરંતુ આ વેક્સિનેશન સેન્ટર બંધ છે, કારણે કે વેક્સિન નથી. છેલ્લા ત્રણ દિવસથી આ વેક્સિનેશન સેન્ટર બંધ હોવાથી અમારે અલગ અલગ સેન્ટરોએ જવું પડે છે. ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. સરકાર વેક્સિનનું જાગૃતિ અભિયાન ચલાવે છે તો એની જરુર નથી, લોકો જાગ્રત છે, સરકારે પૂરતી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ. લોકોને એક બાજુ કહે છે, વેક્સિન લેવી ફરજિયાત છે અને બીજી બાજુ વેક્સિન માટેની વ્યવસ્થા નથી, એટલે સરકારને અપીલ છે કે વેક્સિનેશનની વ્યવસ્થા કરો.

'સરકારને અપીલ છે વાતો નહીં, વ્યવસ્થા કરો'
કોમ્યુનિટી હોલે વેક્સિન લેવા આવેલાં જશોદાબેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'સરકાર અખબાર અને TVમાં મોટી જાહેરાત અને વાતો કરે છે કે અમે મહાઅભિયાન શરૂ કર્યું છે. દરેકને ગમે ત્યારે વેક્સિન મળશે.' એ માત્ર ખાલી વાતો છે. આજે અમે અહીં આવ્યા છીએ વેક્સિન લેવા અને બીજા સેન્ટર પર પણ ગયા, ક્યાંય વેક્સિન ન મળી. આવી વ્યવસ્થા થોડી હોય? આજે શનિવાર છે. હું નોકરી કરું છું, કાલે રજા છે, એટલે આજે વેક્સિન લઈને કાલે આરામ થાય એ માટે આજે વેક્સિન લેવી હતી. હવે ક્યાંય વ્યવસ્થા નથી, એટલે અમે પાછા ફર્યા. એક બાજુ વેપારીઓ, નોકરિયાત અને ફેરિયાને ફરજિયાત વેક્સિન લેવાનું કહ્યું છે અને કોઈ વ્યવસ્થા જ નથી. હવે શું કરવાનું મારે.? સરકારને અપીલ છે વાતો નહિ, વ્યવસ્થા કરો.

સેન્ટર પર અવ્યવસ્થાના અભાવે લોકોમાં સરકાર સામે રોષ.
સેન્ટર પર અવ્યવસ્થાના અભાવે લોકોમાં સરકાર સામે રોષ.

આ પણ વાંચોઃ રાજકોટમાં વેક્સિનનો સ્ટોક ખલાસ, રસીકરણ કેન્દ્રો પર તાળાં

વેક્સિન લેવા આવેલા લોકો વિલા મોઢે પાછા ફર્યા
વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલે વેક્સિન લેવા આવેલા વિશાલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આજે વીકેન્ડ છે એટલે વેક્સિન લેવા માટે આવ્યા હતા, પરંતુ અહીં વેક્સિનેશન સેન્ટર બંધ હોવાથી અમારે પાછા જવું પડે છે. અમને કોઈ માહિતી આપવા માટે પણ અહીં કોઈ ઉપસ્થિત નથી. હવે અમે મૂંઝાઈ ગયા છે કે વેક્સિન ક્યાંથી લેવી? સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

ઘણાં સેન્ટરોમાં આજે વેક્સિન બંધનાં બોર્ડ લાગતાં લોકો નિરાશ
અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને ગોધાવી સહિત ઘણાં વેક્સિનેશન સેન્ટર પર 'આજે વેક્સિન બંધ છે' નાં બોર્ડ લાગતાં લોકો નિરાશ થઈને પરત ફર્યા હતા. વેક્સિન સેન્ટર બહાર લોકો કહી રહ્યા હતા કે મોટી સંખ્યામાં વેક્સિનનો સ્ટોક હોવાની સરકાર વાતો કરે છે, પણ ત્યાં તો વેક્સિનનો સ્ટોક જ નથી, તો શું આ સ્ટોક માત્ર કાગળ પર જ છે. વેક્સિન સેન્ટર પર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે મને સિરીન્જથી બહુ બીક લાગી રહી હતી, પણ પરિવારજનોના આગ્રહથી મન મક્કમ રાખીને આજે વેક્સિન લેવા માટે આવ્યો હતો, પરંતુ સ્ટોક જ ન હોવાથી હું નિરાશ થઈ ગયો છું.

રાજકોટમાં વેક્સિન લેવા આવેલાં પલ્લવીબેન અને મનીષ દવે.
રાજકોટમાં વેક્સિન લેવા આવેલાં પલ્લવીબેન અને મનીષ દવે.

રાજકોટમાં પણ વેક્સિન ખૂટી પડી
રાજકોટમાં પણ DivyaBhaskar રસીકરણ કેન્દ્રો પર પહોંચ્યું હતું અને એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જાણવા મળ્યું છે કે રાજકોટનાં મોટા ભાગનાં કેન્દ્રો પર રસીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. શાળા નં.9ના રસીકરણ કેન્દ્ર પર તો તાળું લટકતું જોવા મળ્યું હતું. લોકોએ જણાવ્યું હતું કે ચાર-ચાર ધક્કા ખાય રહ્યા છીએ છતાં રસી મળતી નથી. વાતો અને પ્રચાર મોટાં કરે છે, પણ એ પ્રમાણે કંઇ થતું નથી.

રાજકોટમાં સ્ટોક ખૂટી પડતાં સેન્ટરને તાળું મારી રહેલા સ્ટાફ.
રાજકોટમાં સ્ટોક ખૂટી પડતાં સેન્ટરને તાળું મારી રહેલા સ્ટાફ.

સુરતમાં વેક્સિન લેવા લોકો આવ્યા, પણ સેન્ટર બંધ
સુરતમાં પણ DivyaBhaskar રસીકરણ કેન્દ્રો પર પહોંચ્યું હતું અને એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આજે પુણા વિસ્તારમાં વેક્સિન મુકાવવા આવેલા લોકોએ લાઇન લગાવી રાહ જોતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ફ્રી વેક્સિનની જાહેરાત તો કરાઈ છે, પરંતુ વેક્સિન સેન્ટર બંધ છે એ બાબતે સરકાર અજાણ હોય એમ લાગી રહ્યું છે. જાગ્રત લોકો વહેલી સવારથી વેક્સિન લેવા લાઈનમાં ઊભા રહ્યા છે. ત્યારે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાનું અધિકારીઓ દ્વારા કહેવાય રહ્યું છે. પુણા ગામ ભૈયાનગર પાસે આવેલા સુમન હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં લાઇનમાં ઊભા રહેલા લોકોની પીડા સરકાર સમજે એ આવી કપળી પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે.

આ તસવીરો સુરતની છે.
આ તસવીરો સુરતની છે.
સુરતમાં વેક્સિન લેવા લોકોની લાઇનો લાગી.
સુરતમાં વેક્સિન લેવા લોકોની લાઇનો લાગી.

AMCએ રોજ 1 લાખને વેક્સિન આપવાના આયોજનનો દાવો કર્યો હતો
દેશભરમાં 21મી જૂનથી લોકોને સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. પહેલાં લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું, જેમાં લોકોને ઓછા સ્લોટ મળતા હતા, પરંતુ હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને સ્પોટ રજિસ્ટ્રેશન પર ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે. AMC દ્વારા રોજના 1 લાખને વેક્સિન આપવાનું આયોજન કરાયું હોવાનો દાવો કરાયો છે. ત્યારે ગઈકાલે શુક્રવારે વેક્સિનેશન મહાઅભિયાનના છઠ્ઠા દિવસે અમદાવાદ શહેરમાં 33 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

કાગળ પર સાડાનવ લાખનો સ્ટોક, પણ સેન્ટરો ખાલીખમ

વડોદરમાં વેક્સિનેશન કેન્દ્ર પર ઘર્ષણ
21 જૂનથી શરૂ થયેલા વેક્સિનેશન મહાઅભિયાનમાં જરૂરિયાત મુજબનો વેક્સિનેશનનો જથ્થો આવતો ન હોવાથી વેક્સિનેશન કેન્દ્રો પર વેક્સિન લેવા જતા લોકો અને વેક્સિનેશન સ્ટાફ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. આજે સયાજી હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન વગર વેક્સિન લેવા માટે ગયેલા લોકોને વેક્સિન આપવામાં ન આવતાં હોબાળો મચ્યો હતો. વેક્સિન લેવા માટે ગયેલા વૃદ્ધાને ત્રણ કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. જોકે તંત્ર દ્વારા વેક્સિનનો પૂરતો જથ્થો આવી રહ્યો છે અને આવી રહેલા વેક્સિનના જથ્થા મુજબ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હોવાનો વાહિયાત દાવો કરવામાં આવ્યો હતો.

વેક્સિન મહાઅભિયાનમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 260 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં. આજે વડોદરામાં 170 કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી ચાલુ રહી હતી, જેમાં સયાજી હોસ્પિટલના કેન્દ્ર પર વેક્સિનના આવેલા જથ્થા કરતાં વધુ લોકો વેક્સિન લેવા માટે પહોંચી જતાં અફરાતફરી મચી ગઇ હતી. વેક્સિન ન મળતાં લોકોએ ભારે હોબાળો મચાવતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. વેક્સિનેશનના મહાઅભિયાનમાં સ્થળ પર રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ વેક્સિનેશન કેન્દ્રો પર પ્રથમ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લેવા માટે આવતા લોકોને પ્રથમ તક આપવામાં આવે છે. પરિણામે, રજિસ્ટ્રેશન વગર વેક્સિન લેવા જતા લોકોને ધરમ ધક્કો પડતાં વેક્સિનેશન કેન્દ્રો પર ઘર્ષણ થઇ રહ્યું છે.