અભ્યાસનું તારણ:અમદાવાદમાં કોરોનાના 31 મૃતકની ઓટોપ્સી પરથી ખબર પડી કે ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયાં હતાં, 50 ટકાને ફંગલ ઇન્ફેક્શન

અમદાવાદ4 મહિનો પહેલા
ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ જાય છે એની ફાઇલ તસવીર.
  • બી.જે. મેડિકલ કોલેજના 18 ડોક્ટર્સની ટીમે કોરોનાની અસર અંગે કરેલો અભ્યાસ
  • 31 મૃતકમાંથી માત્ર ત્રણે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો

સિવિલની બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના 18 ડોક્ટરોની ટીમે ‘ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ’ પ્રોટોકોલ મુજબ, 31 મૃતકની ઓટોપ્સી કરી હતી. આ 31 મૃતકની ઓટોપ્સીમાં 50 ટકાને ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન હતું તેમજ ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયાં હતાં. 67 ટકા 60 વર્ષથી વધુના અને વિવિધ રોગથી પીડિત અને 33 ટકા 60થી ઓછી વયના લોકોના રિપોર્ટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. મૃત્યુ પામેલા 31 લોકોમાંથી માત્ર 3 લોકોએ જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

બી.જે.મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના ડો. હરીશ ખુબચંદાણી જણાવે છે કે કોરોનાની પ્રથમ લહેરમાં 11 અને બીજી લહેરમાં 20 મળીને કુલ 31 દર્દીના મૃતદેહોની ડોકટર્સ-ટ્યૂટરની 18 જણની ટીમે ઓટોપ્સી કરી છે. ઓટોપ્સી કરેલા 31 દર્દીના ક્લિનિકલ રિપોર્ટમાં જણાયું હતું કે મોટા ભાગના દર્દીઓને ઘણા મોડા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી 67 ટકા દર્દી 60થી વધુ વયના અને કો-મોર્બિડ, 33 ટકા 60થી ઓછી વયના હતા.

ઓટોપ્સી માટે અલગ અલગ સેમ્પલ લેવાયાં
ઓટોપ્સીના સ્ટડી પ્રોટોકલ ‘ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ’ હતી, જેમાં લોહીના ગઠ્ઠા ક્યાં થાય છે એનો સ્ટડી કરવા ફેફસાં, હૃદય તેમજ પગની પિંડીના સ્નાયુના સેમ્પલ લેવાયાં હતાં. કોવિડના ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆર અને બેક્ટેરિયલ-ફંગલ ઇન્ફેક્શન માટે સ્વોબ લેવાયા હતા.

દર્દીના સગાને સમજાવી મૃતદેહ મેળવાયા હતા
3 એસોસિયેટ પ્રોફેસર, 4 ટ્યૂટર, 1 આસિસ્ટન્ટ પ્રોફેસર અને રેસિડેન્ટ ડોક્ટર્સ મળીને 18 લોકોની ટીમ બનાવી હતી. ઓટોપ્સીમાં 6 સભ્યની ટીમ ઉપરાંત દર્દીના સગાના કાઉન્સેલિંગથી લઇને ડેડબોડીમાંથી સેમ્પલ લઇને ડેડબોડી ડિસઇન્ફેક્ટ કરી સગાને પરત કરવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે.

રસીના બંને ડૉઝ લીધા હોત તો બચી ગયા હોત
બી.જે.મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના વડા ડો.કલ્પેશ શાહે જણાવ્યું હતું કે 31માંથી માત્ર 3 દર્દીએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની સાથે મોટા ભાગના દર્દી ગંભીર અવસ્થામાં દાખલ થયા હતા, જેથી એટલું ચોક્કસ કહી શકાય કે વેકિસનના બે ડોઝ અને સંક્રમણની સાથે સમયસર સારવારથી દર્દીને મોતના મુખમાંથી બચાવી શકાય છે.

ઓટોપ્સીનાં તારણો

  • 67 ટકા 60 વર્ષથી વધુના અને કો-મોર્બિડ
  • 87 ટકામાં હાઇપરટેન્શન ડાયાબિટીસ હૃદયરોગ જેવી કો-મોર્બિડિટી
  • 60થી 70 ટકામાં લોહીની નળીમાં લોહીના ગઠ્ઠા
  • 50 ટકાને ફંગલ-બેક્ટેરિયલ ઇન્ફેકશન
  • 76 ટકાનાં ફેફસાં કઠણ અને 70 ટકાનાં ફેફસાંનું વજન બમણું
  • 24 ટકાને હૃદયની તકલીફ,30 ટકાને બ્રોન્કાઇટિસ
અન્ય સમાચારો પણ છે...