હવે એ દિવસો દૂર નથી કે ગુજરાતના વિદ્યાર્થીઓ ઓટોમેટીક અને આર્ટિફિશ્યલ ઈન્ટેલીજેન્ટ કાર ક્ષેત્રે પોતાની કુશળતાથી ગુજરાતમાં ઓટોમેટીક કાર બનાવવાનું સપનું સાકાર કરશે. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે AWS, એટલે કે એમેઝોન વેબ સર્વિસના માધ્યમથી ડિપરેસર સ્ટુડન્ટ લીગ કાર્યક્રમનું આયોજન 2 દિવસ માટે કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ સહિત રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની 120 ટીમોએ ભાગ લીધો.
એકેડમીના સહયોગથી પહેલીવાર કાર યુનિવર્સિટીમાં આવી
હવે જમાનો ટેકનોલોજીનો છે. દિવસે અને દિવસે નવી-નવી શોધોએ વ્યક્તિના રોજિંદા જીવનમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. ઓટોમેટીક કાર કે જે વિશ્વના અન્ય દેશોમાં અસ્તિત્વમાં આવી ચૂકી છે અને ભારત દેશમાં પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા તેમજ મેક ઇન ઇન્ડિયાના સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ આ દિશામાં મંડાણ માંડી ચૂક્યા છે. જેની શરૂઆત ગુજરાતમાં સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રકારે એમેઝોન વેબ સર્વિસીસના માધ્યમથી ઓટોમેટિક કાર સિલ્વર ઓક યુનિવર્સિટી, અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની કાર સરળતાથી ઉપલબ્ધ થતી નથી, પરંતુ સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે સ્થાપિત કરવામાં આવેલ એમેઝોન એકેડમીના સહયોગથી પહેલીવાર આ પ્રકારની કાર લાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ અને મોડેલિંગ સંદર્ભે ખાસ તાલીમ
વિશ્વના અલગ અલગ દેશોમાં ઓટોમેટીક કારના પ્રોડક્શન ક્ષેત્રે કામ થઈ રહ્યુ છે. ત્યારે ભારત અને ખાસ ગુજરાતમાં આ ક્ષેત્રે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તે હેતુથી સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે રેસ તો ટોપ વિથ AWSના શીર્ષક હેઠળ 'એમેઝોન વેબ સર્વિસ ડીપ રેસર લીગનું' આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે એટલે કે, 14મી માર્ચે વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ અને મોડેલિંગ સંદર્ભે ખાસ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એમેઝોન કારને નિયંત્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરીને એક મોડલ સેટ કર્યું હતું.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી અલ્ગોરિધમ તૈયાર કર્યા
કાર્યક્રમના પ્રથમ દિવસે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ક્લાઉડ કોમ્પ્યુટીંગ તેમજ મશીન લર્નિંગ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ પોતાની કુશળતા અને આવડત તેમજ વિષય નિષ્ણાંત નિલેશ વાઘેલા અને વૈભવ માલપાનીના પ્રબુદ્ધ માર્ગદર્શન હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી અલ્ગોરિધમ તૈયાર કર્યા હતા. કાર્યક્રમના બીજા દિવસે સ્પર્ધાના ભાગરૂપે વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે તૈયાર કરેલા મોડેલ એમેઝોનની ઓટોમેટીક કારમાં ઇન્સ્ટોલ કરી ઓટોમેટીક કાર રેસિંગ સ્પર્ધામાં સામેલ થયા હતા.
પ્રથમ ત્રણ વિજેતાને પ્રોત્સાહિત ઇનામથી સન્માનિત કરાયા
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ અલ્ગોરિધમને એમેઝોન કારમાં ઇન્સ્ટોલ કરીને સ્પર્ધા કરવામાં આવી હતી. સ્પર્ધા માટે પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓને 10 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને પોતાની આવડત અને નીપુણતાથી તૈયાર કરેલ મોડલના આધારે જે વિદ્યાર્થીઓ સૌથી ઓછા સમયમાં કાર રેસ પૂર્ણ કરે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓને એમેઝોનનું સર્ટિફિકેટ ઉપરાંત પ્રથમ ત્રણ વિજેતાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.