ઓગસ્ટમાં જ આંદોલન:ક્રાંતિનો મહિનો ગણાતા ઓગસ્ટમાં જ ગુજરાતમાં ત્રણ આંદોલન, ડોક્ટર, શિક્ષકો અને અધ્યાપકોનો સરકાર સામે જંગ

અમદાવાદ2 મહિનો પહેલા
  • ડોક્ટર આંદોલનને પગલે દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી
  • શિક્ષક-પ્રોફેસરની લડતમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે

દેશની આઝાદી અને હક માટે ઓગસ્ટને ક્રાંતિનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનાની 15 તારીખ આપણો દેશો અંગ્રેજોના અત્યાચારથી આઝાદ થયો હતો, એટલે કે એવું કહી શકાય કે ઓગસ્ટ મહિનો આંદોલનનો મહિનો છે. ત્યારે ગુજરાતમાં હાલમાં ત્રણ આંદોલન ખૂબ જ ચર્ચામાં છે. વાઈટ કોલર જોબ કરનારા ડોક્ટર, શિક્ષક તેમજ પ્રોફેસરોએ પોતાની માગ સાથે સરકાર સામે લડત શરૂ કરી છે. આ ત્રણેય આંદોલનની સૌથી મોટી અસર દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓ પર પડી રહી છે. ડોક્ટર આંદોલનને પગલે દર્દીઓને સમયસર સારવાર નથી મળતી તો શિક્ષક-પ્રોફેસરની લડતમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે.

રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળની ફાઈલ તસવીર
રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળની ફાઈલ તસવીર

2000 ડોક્ટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં
રાજ્યભરના 2000 જેટલા જુનિયર ડોકટર્સ પોતાની કેટલીક માગણીઓ સાથે હડતાળ પર ઊતર્યા છે. ડોકટરો પોતાની માગણીઓને લઈને તેઓ છેક સુધી સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા તથા જામનગર સહિતનાં શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે. ડોક્ટર-સરકાર વચ્ચે ચાલી રહેલી આ લડતમાં સામાન્ય નાગરિકો પિસાઈ રહ્યા છે. હડતાળ સમયે ડોક્ટરો દ્વારા ઈમર્જન્સી સારવાર બંધ કરી દેવાતાં અનેક દર્દીઓની હાલત લથડી પડી હતી, સાથે જ સારવારના અભાવે એક-બે દર્દીનાં મોત થયાં હોવાના પણ કિસ્સા સામે આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા આંદોલનનો ધીરે-ધીરે અંત આવે લેવા અણસાર જોવા મળી રહ્યા છે. સુરત-અમદાવાદના જુનિયર ડોકટરોએ હવે કોવિડ તેમજ ઈમર્જન્સી સેવા આપવા માટે સહમત થયા છે.

કેમ શરૂ થયું ડોક્ટર આંદોલન?
કોવિડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ. અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય એવો પરિપત્ર કર્યો હતો, પરંતુ હવે સરકાર તેનાં વચનોથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતાં જુનિયર ડોક્ટરોમાં રોષ છે, જેને કારણે રાજ્યભરના ડોક્ટરો હડતાળ પર ઊતર્યા છે.

એક ઓગસ્ટે શિક્ષકોનું ડિજિટલ આંદોલન શરૂ થયું હતું
એક ઓગસ્ટે શિક્ષકોનું ડિજિટલ આંદોલન શરૂ થયું હતું

50 હજાર શિક્ષકનું ડિજિટલ આંદોલન
વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો આંદોલનના માર્ગે ઊતર્યા છે. અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં શિક્ષકોએ સોશિયલ મીડિયા પર 1 ઓગસ્ટથી આંદોલન શરૂ કર્યું હતું, 7 ઓગસ્ટ સુધી ચલાવવામાં આવ્યું હતું. આંદોલનમાં 50 હજાર જેટલા શિક્ષકો જોડાયા હતા. રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના મહામંત્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આંદોલનના પ્રથમ દિવસે 5 હજાર કરતાં વધુ સેલ્ફી અને પોસ્ટ મળી હતી. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં શિક્ષકો પોતાના ફોટોગ્રાફ મોકલશે. સમગ્ર રાજ્યના ચાર ઝોન અને દરેક જિલ્લામાં કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે, જેને કારણે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આંદોલન પછી પણ સરકાર દ્વારા શિક્ષકોને બોલાવવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

કેમ શરૂ થયું શિક્ષક આંદોલન?
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો પડતર પ્રશ્નો, જેવા કે સળંગ નોકરી, જૂના શિક્ષકની ભરતી, સાતમા પગારપંચના હપતાની ચુકવણી, આચાર્ય નિમણૂકની 5-1-65ના ઠરાવ મુજબ એક ઇજાફો, જૂની પેન્શન યોજનાનું અમલીકરણ કરવામાં આવે એવી માગણી કેટલાય સમયથી ચાલી રહી છે. અનેક વખત રજૂઆત કર્યા છતાં હજુ કોઈ નિવારણ ના આવતાં તેમના દ્વારા ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણ સામે અધ્યાપકોનો કાળી પટ્ટી લગાવી વિરોધ
ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણ સામે અધ્યાપકોનો કાળી પટ્ટી લગાવી વિરોધ

ખાનગીકરણ સામે પ્રોફેસરો પર મેદાને
રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજ હવે ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે, એટલે કે ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવશે. આ નિર્ણય સામે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે. સી.યુ. શાહ કોલેજમાં પ્રોફેસરો દ્વારા કાળી પટ્ટી લગાવી ખાનગીકરણ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો.

કેમ શરૂ થયું પ્રોફેસર આંદોલન?
આ અંગે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પંકજ શ્રીમાળીએ જણાવ્યું હતું કે અનેક ગ્રાન્ટેડ કોલેજ ખાનગી યુનિવર્સિટીને ના સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખોટો છે. નિર્ણયથી પ્રોફેસર, વિદ્યાર્થીનો અને વાલીઓને નુકસાન થશે. ખાનગીકરણને કારણે કોલેજનો સરકારી રીતે ઉપયોગ નહિ થઈ શકે. કોલેજનું સંચાલન ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે, જેથી વિદ્યાર્થીઓને જે કોર્સ 1800-2000 રૂપિયા સુધીમાં ભણાવવામાં આવે છે એ માટે પણ હવે 50-55 હજાર ફી ખર્ચવી પડશે.

અન્ય સમાચારો પણ છે...