તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2036ની ઓલિમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદની તૈયારી:ઓલિમ્પિક્સની જરૂરિયાતના સરવે માટે ઔડાએ ટેન્ડર બહાર પાડ્યું; 50 હજાર કરોડથી વધુ ખર્ચાશે

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: વિશાલ પાટડિયા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્ટેડિયમ, ગેમ્સ વિલેજ, હોટલ માટેની જરૂરિયાતો અંગે 3 માસમાં રિપોર્ટ
  • સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ભૂમિપૂજન વખતે અમિત શાહે સંકેત આપ્યો હતો, હવે સરકારે તૈયારીઓ શરૂ કરી
  • ભારતના પ્રયાસો 2032 માટે હતા, પણ બ્રિસ્બેનની દાવેદારી પ્રબળ બનતાં હવે 2036 માટે પ્રયાસ થશે

આગામી 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે. એ પછી એટલે કે 2036ની ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી નોંધાવી શકાય એ માટે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલો અને હોટલો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરવે કરવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (ઔડા) એક એજન્સીની નિમણૂક કરશે. એ માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ એજન્સી ત્રણ મહિનામાં સરવે કરીને ઓલિમ્પિક્સ યોજવા માટે ખૂટતી બાબતોનો રિપોર્ટ આપશે.

ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખવું પડે
રિપોર્ટમાં હોસ્ટ તરીકે અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટલ્સ, ગેમ્સ વિલેજ, રસ્તા, ટ્રાન્સપોર્ટ, પાવર, સેનિટેશન વગેરે તમામ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરાશે. આ ઉપરાંત આ સુવિધાઓ ઊભી કરવા માટે જરુરી બજેટની જોગવાઇઓનું અનુમાન પણ એમાં કરવામાં આવશે. અગાઉ આઈઓએના પ્રમુખ બત્રાએ જણાવ્યું હતું કે 2036 ઓલિમ્પિક્સ માટે અમદાવાદ દાવેદારી નોંધાવી શકે એમ છે.

અમદાવાદ ઓલિમ્પિક્સ યોજવા માટે સક્ષમ એવું અમિત શાહે જણાવ્યું હતું
ફેબ્રુઆરી 2021માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં અમદાવાદમાં વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સાથે 4600 કરોડના ખર્ચે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની પણ જાહેરાત થઇ હતી. આ સંકુલના ભૂમિપૂજન વખતે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની તૈયારીઓ જોતાં એ છ મહિનામાં જ ઓલિમ્પિક્સ હોસ્ટ કરી શકે એવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનનાં પાંચ જ મહિનામાં ઔડાએ ઓલિમ્પિક્સ યોજવા માટે જરૂરી તૈયારીઓ આરંભી છે.

2028 સુધી બુક છે ઓલિમ્પિકસ વેન્યૂ
ઓલિમ્પિક્સ યોજવા માટે 2028 સુધીનાં શહેરો નક્કી થઇ ગયાં છે. 2020ની ઓલિમ્પિકસ ટોક્યોમાં યોજાવાની હતી, જે કોવિડને કારણે 2021માં યોજાશે. જ્યારે 2024ની ગેમ્સ પેરિસમાં, 2028માં લોસ એન્જલસમાં યોજાશે. 2032 માટે IOCએ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનને પ્રિફર્ડ વેન્યૂ જાહેર કર્યું છે. જોકે ફાઇનલ બીડ જુલાઇ 2021માં ખૂલશે.

આટલું કરવું પડશે - વિશ્વકક્ષાના સ્ટેડિયમ, સુરક્ષા વ્યવસ્થા, હોટલ્સનું નિર્માણ જરૂરી

  • સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલથી સરળતાથી જઈ શકાય એવું અદ્યતન ગેમ્સ વિલેજ.
  • ઓલિમ્પિકસ યોજી શકાય એવા વિશ્વસ્તરીય સ્ટેડિયમો બનાવવાં પડશે.
  • હજારો રમતવીરો, અધિકારીઓ, ટૂરિસ્ટોના રોકાણ માટે હોટલ્સ અને મકાનોનું નિર્માણ. ટ્રાન્સપોર્ટેશન સુવિધા સાથે વિશાળ રસ્તા.

આ ફાયદો થશે - અમદાવાદનો વિકાસ થશે, હજારો લોકોને રોજગાર, બિઝનેસ મળશે

  • ઓલિમ્પિક્સ આયોજનથી અમદાવાદ અને આસપાસના વિસ્તારનો પ્રચંડ વિકાસ થશે.
  • ટૂરિઝમને કારણે ગુજરાત વર્લ્ડ મેપ પર મુકાશે. ગુજરાતના યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે સજાગ બનશે.
  • હોટલ, રિયલ એસ્ટેટ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તથા સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગાર પ્રાપ્ત થશે.

‘ઓલિમ્પિક્સ માટે જરૂરી સજ્જતા અંગે રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે’ - ઔડાના સીઇઓ એ.બી. ગોર ભાસ્કર - ઔડાએ ઓલિમ્પિક્સ માટે શું તૈયારી શરૂ કરી છે? સીઈઓ - જો ભવિષ્યમાં ઓલિમ્પિક્સ યોજવામાં આવે તો એ માટેનું ગેપ એનાલિસિસ જરૂરી છે. એ માટે ઔડા ઇનિશિયલ સ્ટેજમાં એન્કરિંગ કરી રહ્યું છે. ભાસ્કર - આ ગેપ એનાલિસિસ શેના માટે હોઈ શકે ? સીઇઓ - સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં જો ગેમ્સ યોજાય તો કેટલી સ્પોર્ટ્સ સુવિધાઓ છે અને બીજી ઊભી કરવી પડે. કેટલી નોન-સ્પોર્ટ્સ સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોટલ્સ, રસ્તાઓ સહિતની સુવિધાઓ જરૂરી છે એનો રિપોર્ટ ત્રણ માસમાં તૈયાર કરાશે. ગાંધીનગર વિસ્તાર પણ એમાં સમાવેશ થઇ શકે. ભાસ્કર - કયા વર્ષ માટે ઓલિમ્પિક્સ યોજવા માટેની આ તૈયારી છે? સીઈઓ - અત્યારે હું માત્ર એક જ વાત કહી શકું કે જો ઓલિમ્પિક્સ યોજવાની થાય તો એના માટેની જરૂરિયાતો જાણ‌વા આ સ્ટડી છે.

અન્ય સમાચારો પણ છે...