અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના મકાનમાં રહેનારા મકાનમાલિકો હવે પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે. દસ્તાવેજ હોવાને કારણે મકાનમાલિક સરળતાથી મકાન વેચી પણ શકશે. ઔડા દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં ઔડાના મકાન લીધાના પઝેશનથી સાત અને પાંચ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તો તેઓ દસ્તાવેજ કરી કરાવી શકશે. એના માટે ઔડા ટ્રાન્સફર ફી પેટે EWS(ઈકોનોમિકલી વીકર સેક્શન)ની રૂ. 2500, LIG(લો ઇન્કમ ગ્રુપ) રૂ.10,000, MIG(મિડલ ઇન્કમ ગ્રુપ) 20,000 અને HIG(હાઇ ઇન્કમ ગ્રુપ) 30,000 માટે વસૂલ કરશે. મકાનમાલિકોએ આ માટે ઔડાનો સંપર્ક કરવાનો રહેશે.
ઔડાના અધિકારી આર.એન. દેસાઈના જણાવ્યા મુજબ, ઔડા દ્વારા EWS, LIG, MIG અને HIG યોજના હેઠળ અલગ અલગ કેટેગરીમાં મકાન બનાવવામાં આવ્યા છે, જેમાં ભૂતકાળમાં અને હાલમાં ઔડા હેઠળ આવતા ઘાટલોડિયા, ચાંદખેડા, અમીયાપુર, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, થલતેજ, બોપલ કોટેશ્વર, કઠવાડા, વાસણા સહિતના વિસ્તારોમાં કુલ 43 જેટલી યોજનાઓ આવેલી છે. એમાં કુલ 23,898 મિલકત ધરાવતા લોકોને લાભ મળશે. EWS, LIG સ્કીમ હેઠળના મકાનમાલિકો 7 વર્ષ પછી અને MIG તેમજ HIG સ્કીમ હેઠળના મકાનમાલિકો 5 વર્ષ બાદ તેમના મકાનના દસ્તાવેજ કરાવી શકશે.
આ શરતે થઈ શકશે દસ્તાવેજ
ઔડા દ્વારા નવી જાહેર કરાયેલી નીતિમાં હવેથી દસ્તાવેજ કરી આપવામાં આવશે. એમાં શરત છે કે જે પણ વ્યક્તિના ઔડાના મકાનના સ્કીમ હેઠળ તમામ પૈસા ભરાઈ ગયા હશે તેમજ હપતા સ્કીમ હેઠળ પૈસા પૂરા ચૂકવાઇ ગયા હશે તે જ પોતાના મકાનના દસ્તાવેજ કરાવી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેઓનો દસ્તાવેજ થઈ ગયો હોય તેમણે ઔડાની NOC લેવાની જરૂર નથી. જે પણ વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવશે તેમને દસ્તાવેજ કરી આપવામાં આવશે.
લોકિંગ પિરિયડ બાદ મકાન વેચાણની કોઈ નીતિ નહોતી
ઔડાની આ નીતિની પહેલાં મકાનો સાત વર્ષ કે પાંચ વર્ષના લોકિંગ પિરિયડ બાદ જો વેચવા હોય તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે નીતિ ન હતી, માત્ર પાવર ઓફ એટર્ની પર વ્યક્તિ અન્ય વ્યક્તિને મકાન આપી શકતી હતી, પરંતુ હવે આ નવી નીતિથી લોકો સીધો પોતાના મકાનનો દસ્તાવેજ કરી શકશે.
આ નીતિથી અમને ઘણો ફાયદો થશેઃ આવાસ યોજનાના રહીશ
ચાંદખેડા વિસ્તારમાં આવેલા અશોકા આવાસ યોજનાના મકાનમાં રહેતા લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે અમારા મકાનને સાત વર્ષનો સમય પૂરો થઈ ગયો છે અને અમારે જો મકાન વેચવું હોય તો પહેલા કોઈ નીતિ ન હતી, પરંતુ જો હવે આ દસ્તાવેજ કરી આપવાની આ નીતિને કારણે અમને ઘણો ફાયદો થશે, અમારી પાસે મકાનનો દસ્તાવેજ આવી જશે, જેનાથી આ મકાન ઉપર અમારે નાનીમોટી લોન લેવી હશે તોપણ અમે લઈ શકીશું, જેનો પણ અમને ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.