સ્કૂલ અપડેટ:અમદાવાદમાં સ્કૂલો શરૂ થયાના બીજા જ દિવસે ધોરણ 1થી 5માં 20% હાજરી વધી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરની સ્કૂલોમાં બીજા દિવસે 35 હજાર વિદ્યાર્થી હાજર રહ્યા
  • રાજ્યભરની​​​​​​​ સ્કૂલોમાં પણ સંખ્યા 15 ટકાથી વધી 35 ટકા પહોંચી

ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થયા બાદ અમદાવાદની સ્કૂલોમાં ધોરણ 1થી 5માં બીજા દિવસે વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો નોંધાયો હતો. પહેલા દિવસે હાજર વિદ્યાર્થીઓની ટકાવારી 15 ટકા હતી, જે બીજા દિવસે વધીને 35 ટકા સુધી પહોંચી ગઈ હતી.

પહેલા દિવસે અમદાવાદની સ્કૂલોમાં 14 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે બીજા દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 35 હજાર સુધી પહોંચી ગઈ હતી. આગામી સમયમાં આ સંખ્યામાં ‌હજુ વધારો થશે તેવી સંચાલકોએ આશા વ્યક્ત કરી છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા સરકારી પ્રાથમિક સ્કૂલોના આંકડા પ્રમાણે ધોરણ 1થી 5 ઓફલાઇન શરૂ થયાના પહેલા બે દિવસમાં વિદ્યાર્થીઓની હાજરી 35 ટકા થઈ છે.

સમગ્ર રાજ્યમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી 15 ટકા ઓછી નોંધાઈ છે, જેથી આ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવશે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ હાજરી તાપી, નવસારીમાં જોવા મળી હતી. તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં આવતા અઠવાડિયાથી હાજરીમાં વધારો થશે તેવી સંચાલકોને આશા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના દરમિયાન સ્કૂલો બંધ રહ્યા બાદ સોમવારથી ધોરણ 1થી 5માં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...