અમદાવાદના ક્રાઈમ ન્યૂઝ:નિકોલમાં કેનેરા બેંકના ATMમાં ચોરીનો પ્રયાસ, કાલુપુર મેટ્રોના સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટનાર 2 પકડાયા, એક ફરાર

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના નિકોલમાં આવેલી કેનેરા બેંક બ્રાન્ચના એટીએમ મશીન અજાણ્યા વ્યક્તિએ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ મામલે બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. નોંધનીય છે કે, એટીએમ બરોબર કામ ન કરતું હોવાથી ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરતા આખોય મામલો સામે આવ્યો હતો. જેમાં 3 નવે. કોઇએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં મેટ્રો જેવા સ્ટેશન પર સિક્યુરિટી હોવા છતાં લૂંટ કરવાની કોશીષ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. કાલુપુર વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટોર રુમનું લોક તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી તેને માર મારી 1500 રુપિયા લૂંટી લીધા હતા. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. શહેરકોટડા પોલીસે આમીર ભાંજા અને આસીફ ગાંડી નામના બે માથાભારે શખસોની ધરપકડ કરી છે, વધુ એક આરોપી હજુ પણ ફરાર છે.

કેનેરા બેંકમાં બ્રાન્ચ મેનેજરે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવી
શહેરના રામોલ વિસ્તારમાં રહેતા અને કઠવાડા સિંગરવા રોડ પર આવેલ કેનેરા બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા મનિષકુમાર મોહનલાલ લોહાણાએ નિકોલ પોલીસ મથકમાં એટીએમમાં ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે એવી રજૂઆત કરી છે કે, 10 નવે.ના રોજ મનિષકુમાર સવારે 10 વાગ્યે નોકરી પર આવ્યા હતા. આ દરમિયાન એક ગ્રાહક તેમની પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એટીએમ મશીન કામ કરતું નથી. જેથી એટીએમ મશીનનુ કામ કરતી એનસીઆર કંપનીને જાણ કરવામાં આવી હતી. એનસીઆર કંપનીએ સર્વિસ એન્જીનિયરને મોકલી આપ્યો હતો અને તેણે તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, આ એટીએમ મશીન કોઇએ તોડવા પ્રયાસ કર્યો છે. તેથી મનિષકુમારે છેલ્લા કેટલાક દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની શરૂઆત કરી હતી. ત્યારે 3 નવે. 2022ના રોજ મોડી રાત્રે કોઇ વ્યક્તિ એટીએમમાં પ્રવેશ્યો હોવાનું દેખાયું હતું. ઉપરાંત તે વ્યક્તિએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ મામલે મેનેજરે ટેક્નોલોજી મેનેજમેન્ટ તથા સિક્યુરીટી સેલને જાણ કરી હતી. તેમણે પણ આવી ત્યાં તપાસ કરી હતી. ત્યારબાદ અંતે ગઇકાલે આ મામલે ફરિયાદ થતા પોલીસે તપાસ આદરી છે.

કાલુપુર મેટ્રોના સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી 3 લૂંટારાએ લૂંટ્યો હતો
મૂળ મઘ્યપ્રદેશના અને હાલ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી તારાબેનની ચાલીમાં કલ્લુ બણઝારા પરિવાર સાથે રહે છે. કલ્લુભાઇ ગુજરાત કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. સ્ટલીંગ કંપનીની સાઇટ એટલે કે કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આ સાઇટ પર 14 માણસો કામ કરે છે. જેમાં 3 સુપરવાઇઝર અને 11 મજુર પણ છે. ગત શનિવારે રાત્રે પોણા આઠ વાગ્યે તેઓ નોકરી પર પહોંચ્યા હતા. આ જગ્યા પર તેમનો રીલીવર મુનાફ સૈયદ બાકડા પર બેઠો હતો. તેની પાસે 3 અજાણ્યા શખસો બેઠા હતા. તેમાંથી એકના હાથમાં લોખંડનો જાડો સળીયો હતો. કલ્લુભાઇ પહોંચ્યા ત્યારે તેમાના એક શખસે જણાવ્યું કે, "ઇધર આ તુ પુલીસવાલા હૈ તુ મેરે કો જાનતા હૈ મેરા નામ ભાંજા આમીર ભાંજા હૈ મૈને મર્ડર કીએ હૈ પુલીસ કો ભી મારા હૈ તુ મેરા ક્યાં કર લેગા " તેમ કહી કલ્લુને પણ 3-4 લાફા મારી દીધા હતા. કલ્લુને પણ બાકડા પર બેસાડી દીધો હતો. આ સમયે આ ટોળકીએ ઇલેક્ટ્રિક સામાન અને કિંમતી ઔજારો મુકેલા રુમને ખોલવાની કોશીષ કરી હતી. બાદમાં બારી ખોલી નાખી અને તેમાંથી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને સિક્યુરિટી ગાર્ડે બુમો પાડતા ત્યાં હાજર એક શખસે લોખંડની પાઇપ લઇને કલ્લુને સળીયો મારી દીધો હતો. બાદમાં તે સળીયો લઇને પણ ઉભો રહ્યો હતો. આમ ડરાવી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કલ્લુના ખિસ્સામાંથી 1500 રોકડા લૂંટી લીધા હતા અને બાદમાં મોબાઇલ લૂંટવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

યુવકના બેંક એકાઉન્ટમાંથી લાખોની બારોબાર ઉઠાંતરી
મધ્યપ્રદેશનો યુવક અમદાવાદમાં રહી ફ્રેન્કીની લારી ચલાવી વેપાર કરે છે. તેના મધ્યપ્રદેશના બેંક એકાઉન્ટમાંથી એકાએક 2 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જેથી તેણે તેની માતાને બેંકમાં મોકલી ખાતુ ફ્રીઝ કરાવી દીધુ હતુ. બીજી તરફ યુવકની લારીએ રાખેલ પેટીએમ સાઉન્ડ બોક્સનો અવાજ બંધ થતા તેણે રિપેર કરાવા ઓનલાઇન હેલ્પપાઇન પર કોલ કર્યો હતો. ત્યારબાદ યુવકના ખાતામાંથી બીજા બે લાખ રૂપિયા પણ ઉપડી ગયા હતા. આ મામલે યુવકે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

2 લાખ રૂપિયા યુપીઆઇથી ટ્રાન્સફર કરી દીધા
મૂળ મધ્યપ્રદેશનો જીતુ પ્રભુદયાલ ડોહરે હાલ નરોડા વિસ્તમાં ભાડે રહે છે અને નિકોલ ખાતે ફ્રેન્કીની લારી ધરાવી વેપાર કરે છે. તે પેટીએમ યુવો બેંક (મધ્યપ્રદેશ બ્રાન્ચ)માં ખાતુ ધરાવે છે. 14 નવેમ્બરના રોજ જીતુએ પોતાની બેંકમાં ઓનલાઇન બેલેન્સ ચેક કરતા તેમાં 4.11 લાખ બેલેન્સ હતું. જોકે, 13 અને 14 નવેમ્બરના રોજ ખાતામાંથી 2 લાખ રૂપિયા ટુકડે ટુકડે કોઇએ ઉપાડી લીધા હતા. જેથી આ મામલે જીતુએ તેની માતાને જાણ કરી હતી. જેથી માતા યુપી બેંકમાં પહોંચ્યા હતા અને ત્યારે જાણવા મળ્યું હતું કે, કોઇએ 2 લાખ રૂપિયા યુપીઆઇથી ટ્રાન્સફર કરી દીધા છે. ત્યારબાદ જીતુની માતાએ બેંકનું ખાતુ સ્ટોપ કરાવી દીધુ હતુ. આ અગાઉ 10 નવે.ના રોજ જીતુ પોતાની લારી પર હાજર હતો ત્યારે પેટીએમ સાઉન્ડ બોક્સ ખરાબ થઇ ગયું હતું.

યુવકે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
જેથી તેણે યુ ટુબ પર કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો. ત્યારબાદ એક મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બોક્સ રિપેર કરવું હોય તો એની ડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરો. જોકે, ત્યારે જીતુએ ફોન કાપી નાંખ્યો હતો. પછી બીજા નંબરથી ફોન આવ્યો હતો અને બોક્સ રિપેર કરવા માટે એક લીંક આવશે અને તે ઓપન કરશો ત્યારે રિપેર થશે તેમ કહ્યું હતું. આ લીંક ઓપન કર્યા બાદ એનીડેસ્ક અને પેટીએમ યુપીઆઇ એમ બે એપ્લીકેશન ડાઉન લોડ સામેવાળી વ્યક્તિએ કરાવી હતી. ત્યારબાદ એક ઓટીપી આવ્યો હતો. તે ઓટીપી સામેવાળી વ્યક્તિને જીતુએ આપ્યો હતો. પછી સામેવાળી વ્યક્તિએ ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ એકાઉન્ટમાં રહેલા તમામ પૈસા જતા રહ્યાં હતા. જેથી જીતુએ આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...