માલધારીઓ ફરી ભાજપ સામે પડ્યા:'બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો', ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતના માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે

અમદાવાદ9 દિવસ પહેલા

ગુજરાતમાં રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક બનાવવાને લઈને માલધારીઓ અને ભાજપ સરકાર સામે-સામે આવી ગયા હતા. તંત્ર દ્વારા માલધારીઓનાં ઢોર અને તબેલાઓ પણ હટાવી દેવાયા હતાં. જોકે માલધારીઓએ આંદોલન કરતાં સરકારે ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચી લીધું હતું. જોકે અંદાજે 50 લાખની વસતિ ધરાવતા માલધારીઓ એ હદે નારાજ થઈ ગયા છે કે હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો હતો, જેથી ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

અનેક બેઠકો છતાં હજુ સુધી ન્યાય મળ્યો નથી
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજમાંથી સૂચનો લીધાં બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે, જેથી આવનારા સમયમાં આપણી આવનારી પેઢીને કોઈપણ રાજકીય પક્ષ છેતરી ન જાય તેમજ આપણા માલધારી સમાજની અવગણના ન થાય તેમજ માલધારી સમાજના જૂના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યો છે, સાથે સાથે ગુજરાત સરકાર જોડે આપણા સંતો-મહંતો, ભૂવાજીઓ, સામાજિક રાજકીય આગેવાનો, ગીર બરડા અને આલેચના મુદ્દે તેમજ અનેક પડતર મુદ્દાઓ અંગે અનેક વખત મિટિંગો કરી ચૂક્યા છે છતાંય આપણને કોઈ ન્યાય મળ્યો નથી.

માલધારીઓએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું.
માલધારીઓએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું.

પોલીસ અને કોર્પોરેશને જુલમ ગુજાર્યો
છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતના માલધારી સમાજ પર કાયદાની આંટીઘૂંટીમાં આપણા સમાજનાં ભાઈઓ-બહેનો પર અનેક ખોટા પોલીસ કેસો કરી જેલમાં નાખ્યાં છે. તાજેતરમાં એક માલધારીને બે વર્ષની સજા પણ થઈ છે. આપણી બેન-દીકરીઓને ધક્કા-મુક્કા મારીને પોલીસે અને કોર્પોરેશને જુલમ ગુજાર્યો છે. આપણા ગાયોના ગૌચરો બે પગવાળા ઉદ્યોગપતિ આખલાઓને પધરાવી દીધા છે. શહેરી વિસ્તારમાં વર્ષોથી માલધારી સમાજની માગણી છે કે માલધારી વસાહતો બનાવી માલધારી સમાજને ન્યાય આપવો જોઈએ, જેથી નિર્દોષ રાહદારીઓને થતા અકસ્માતો અટકે.

દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ નારાજ
સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ નારાજ છે એ વાત સાચી પણ લોકશાહીમાં તમારો મત એ જ આપણી તાકાત પાંચ વર્ષે બતાવવાની હોય છે, જેથી સરકાર કોઈપણ આવે ,પણ તમે એકજૂથ થઈ મતદાન કર્યું હશે તો આવનારી કોઈપણ સરકાર આપણા સમાજની ગણના કરશે અને જો આપણે કોઈપણની સેહ-શરમમાં કે વાતમાં આવીને આપણો મત વેડફી નાખીશું તો આવનારી આપણી પેઢી આપણાને માફ નહીં કરે.

સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આહવાન મુજબ મતદાન કરવા અપીલ
ગુજરાત માલધારી મહાપંચાયત છેલ્લા ઘણાય સમયથી માલધારી સમાજ માટે લડત આપી રહી છે અને જો માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયતને આ આહવાન યોગ્ય લાગે તો એ મુજબ મતદાન કરવા વિનંતી છે. આ આહવાનને કોઈએ રાજકીય રીતે ન લેવું જોઈએ, પરંતુ આપણા સમાજની પ્રગતિનાં હિત માટે આ સમય રાજકીય નેતાઓને અને રાજકીય પાર્ટીઓને શાન ઠેકાણે લાવવા યોગ્ય છે.

કોંગ્રેસ અને અન્ય સમાજે સમર્થનને લઈને આભાર માન્યો
લોકશાહીમાં કોઈને પણ મત અધિકાર માટે ફરજ પાડી શકાય નહીં, પરંતુ સમાજનાં હિત માટે કોઈપણ સંગઠન વિનંતી કરવાનો અધિકાર ધરાવે છે, એ ભાગરૂપે સમગ્ર માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયતની વિનંતી છે કે આવનારી તા. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણીના દિવસે ભાજપ વિરુદ્ધ મતદાન કરે, સાથે સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના 64 ધારાસભ્યોનો આભાર પણ માન્યો હતો. કોંગ્રેસે કપરા સમયમાં માલધારી સમાજની સાથે કોંગ્રેસ પક્ષ તેમજ અન્ય વિવિધ રાજકીય પક્ષો તેમજ વિવિધ પશુપાલક સમાજોએ મહેસાણા હાઈવે ઉપર થયેલી લાખોની મેદનીની જાહેરસભામાં સમર્થન આપ્યું હતું.

ઢોર નિયંત્રણ વિધેયક વિરુદ્ધ મહેસાણા નજીક મહાસંમેલન યોજાયું હતું.
ઢોર નિયંત્રણ વિધેયક વિરુદ્ધ મહેસાણા નજીક મહાસંમેલન યોજાયું હતું.

માલધારી સમાજની માગણીઓ ન સ્વીકારી એની યાદી

  • ગીર, બરડા અને આલેચના પ્રશ્નનો નિકાલ ન થયો
  • માલધારી વસાહતો ન બનાવી અને નિર્દોષ લોકોને અકસ્માતોનો ભોગ બનવો પડ્યું
  • હાલના તબક્કે પણ માલધારી સમાજના પશુપાલન કરતા લોકો પર ખોટા પોલીસ કેસ કરી જેલમાં પૂરવામાં આવે છે
  • 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા, 70 લાખ કરતાં પણ વધુ માલધારીઓ વસવાટ કરે છે તેમને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે
  • સમગ્ર ગુજરાતમાં દૂધની ડેરી અને મંડળીઓમાંથી માલધારી સમાજનો એકડો કાઢી નાખ્યો
  • માલધારી સમાજને ખેડૂત બનવાનો હક્ક ન આપ્યો

એક દિવસ દૂધની હડતાળે સરકારને દોડાવી હતી
માલધારીઓ સરકારના ઢોર નિયંત્રણ વિધેયક સામે આંદોલન કરી રહ્યા હતા. દરમિયાન 2 મહિના પહેલાં એક દિવસની દૂધ હડતાળ કરવામાં આવી હતી. દૂઘ હડતાળના એક દિવસ પહેલાંથી જ ગુજરાતમાં દૂધની માગમાં વધારો થયો હતો. દૂધ લેવા માટે લાઈનો પણ લાગી હતી. જેથી દૂધ હડતાળના દિવસે દૂધની અછત પણ સર્જાઈ હતી. જ્યારે દૂધને પાર્લરો સુધી પહોંચાડવા માટે પોલીસની સુરક્ષા પણ આપવી પડી હતી.

ઢોર નિયંત્રણ બિલમાં આ હતી જોગવાઈઓ, જે સરકારે બિલ પરત ખેંચી લીધું
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાઇસન્સ લેવું પડશે
લાઇસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવો પડશે
કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે
શહેરી વિસ્તારોમાં ટેગ સાથેનાં ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ અને ફોજદારી ગુનો દાખલ કરાશે
પકડાનારા ઢોરની માલિકીનો 7 દિવસમાં દાવો ન થાય તો માલિકી પાલિકાની થઇ જશે
ઢોરપકડ પાર્ટી પર હુમલાના કિસ્સામાં વ્યક્તિ અથવા સમૂહને 1 વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.
પાલિકા હસ્તકના ઢોરવાડાનાં ઢોર જાહેરમાં મળશે તો માલિક અથવા મેનેજરને ઢોરદીઠ 50 હજારનો દંડ

અન્ય સમાચારો પણ છે...