તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર વેક્સિન ટ્રાયલ:નવ વર્ષની દીકરીનો જુસ્સો તો જુઓ! માતા-પિતા સાથે વેક્સિનની ટ્રાયલ માટે પહોંચી, પણ ઉંમરને લીધે જોડાઈ ન શકતાં આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
પિતા સાથે 9 વર્ષની દીકરી પણ વોલન્ટિયર બનવા પહોંચી હતી. - Divya Bhaskar
પિતા સાથે 9 વર્ષની દીકરી પણ વોલન્ટિયર બનવા પહોંચી હતી.
  • વેક્સિનની ટ્રાયલ લેવા બીજા દિવસે 50 ઇન્ક્વાયરી, 7 જણના ચેક-અપ બાદ વેક્સિન શોટની પ્રક્રિયા ચાલુ
  • કોરોના થયો હોવાથી વેક્સિન ન લઈ શકેલા વેપારીએ કહ્યું, મારા બિઝનેસ કલીગ-પરિવારને પ્રોત્સાહિત કરીશ

કોરોના વેક્સિનની ટ્રાયલના બીજા દિવસે સવારે 9.30 વાગ્યાનો સમય હતો. વોલન્ટિયર તરીકે લોકો આવીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી રહ્યા હતા. આવામાં કોરોના સામેની ફાઈટમાં વેક્સિનની ટ્રાયલમાં વોલન્ટિયર તરીકે જોડાવા આવેલી માત્ર 9 વર્ષની નતાશાને (નામ બદલ્યું છે) જોઈને સહુ કોઈ અચંબિત થઈ ગયા હતા. ઉંમર ભલે નાની છે, પણ આ દીકરીનો જુસ્સો જોઈને સહુ કોઈ પ્રેરિત થયા હતા. આજે સળંગ બીજા દિવસે સોલા સિવિલના વેક્સિન સેન્ટર ખાતેથી DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. અહીં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે. તેમાં પણ હવે લોકો પોતાની ફરજ સમજીને સ્વજનો અને સહયોગીઓને પણ વેક્સિનની ટ્રાયલમાં જોડાવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

9 વર્ષની નતાશાને ગાઇડલાઇન્સ મુજબ વેક્સિનની ટ્રાયલ આપી ન શકાઈ
કોરોના વેક્સિનની ટ્રાયલ માટે હવે લોકો પરિવાર સાથે પણ આવે છે. એમાં આજે એક 9 વર્ષની દીકરી નતાશા પણ વેક્સિનની ટ્રાયલ માટે આવી હતી. તેણે પણ માતા-પિતાની જેમ સમાજ માટે યોગદાન આપવા માટે વેક્સિનની ટ્રાયલ લેવા તૈયારી બતાવી હતી, પરંતુ ગાઈડલાઈન્સ મુજબ, તેને અપાઈ શકી ન હતી. પોતે ટ્રાયલમાં નહીં જોડાઈ શકે એ જાણીને બે ઘડી તો નતાશાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.

7 લોકોનું પરીક્ષણ પૂર્ણ કરી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ
કોરોનાની વેક્સિનની ટ્રાયલ માટે વોલન્ટિયરની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. વોલન્ટિયર કન્સર્ન ફોર્મ ભરાયા બાદ તેમને વેક્સિનની ટ્રાયલ આપવામાં આવી હતી. આજે વેક્સિનની ટ્રાયલમાં જોડાવા માટે 50 જેટલી ટેલિફોનિક ઇન્કવાયરી આવી હતી, જેમાં અત્યારસુધીમાં 7 જેટલા લોકોનું પરીક્ષણ પૂર્ણ કરીને વેક્સિન આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વેપારી પરિવાર સાથે વોલન્ટિયર બનવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
વેપારી પરિવાર સાથે વોલન્ટિયર બનવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

વેપારીને કોરોના થયો, પણ તેણે અન્ય લોકોને મેસેજ કરીને જાગ્રત કર્યા
જિતેન્દ્ર પ્રજાપતિ નામના વેપારી પણ વેક્સિન ટ્રાયલમાં જોડાવા માટે આવ્યા હતા, પરંતુ તેમને અગાઉ કોરોના થયો હોવાથી તેઓ ગાઈડલાઈન્સ મુજબ વેક્સિનની ટ્રાયલ લઈ શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે તેમના ભાઈ એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો વેપાર કરે છે. તેમણે હવે પોતાના તમામ વેપારી મિત્રોને ટ્રાયલ માટે જાણ કરી પ્રોત્સાહન આપ્યું છે. બીજી તરફ, તેઓ પોતે અને તેમનાં પત્ની પણ વેક્સિનની ટ્રાયલ લેવા આવ્યાં હતાં. તેમની સાથે તેમની દીકરી પણ વેક્સિન લેવા માટે પહોંચી હતી.

વેક્સિનને ફ્રિજમાં રાખવામાં આવી
સોલા સિવિલના મેડિસિન વિભાગમાં કોરોના વેક્સિન ટ્રાયલ રૂમમાં બે ફ્રિજ કોલ્ડસ્ટોરેજ માટે રાખવામાં આવ્યાં છે, જેમાં પીળા કલરના ફ્રિજમાં 2થી 8 ડીગ્રી ટેમ્પરેચર મેઇન્ટેન કરવામાં આવે છે. જેમાં આત્મનિર્ભર વેક્સિન આપવામાં આવે છે. બીજી તરફ, સફેદ ફ્રિજમાં સેમ્પલ રાખવામાં આવે છે, જેનું ટેમ્પરેચર માઇનસ 20 ડિગ્રી મેઇન્ટેન કરવામાં આવે છે.

ટ્રાયલ વેક્સિન થ્રી લેયર સુરક્ષામાં રખાઈ છે
કોરોનાના વધતા કેસ સામે હવે માત્ર વેક્સિન જ આશરો બની છે, એમાં પણ ઘણી વેક્સિન હજી ટ્રાયલ તબક્કામાં છે, જે પૈકીની એક વેક્સિનની ટ્રાયલ ગુરુવારે સવારથી સોલા સિવિલ ખાતે શરૂ કરવામાં આવી હતી. હાલ ભારત બાયોટેકની આત્મનિર્ભર વેક્સિન માટે મેડિસિન વિભાગમાં ટ્રાયલ રૂમ બનાવવામાં આવ્યો છે. લેબમાં કોલ્ડસ્ટોરેજમાં આ વેક્સિન થ્રી લેયર સુરક્ષામાં સાચવવામાં આવી રહી છે, જે માટે ખાસ સિક્યોરિટી રાઉન્ડ ધ ક્લોક ગોઠવવામાં આવી છે.

ગુરુવારની સવારથી વોલન્ટિયરને ડોઝ અપાઈ રહ્યા છે
આ સમગ્ર બાબત અંગે વેક્સિન ટ્રાયલ કમિટી સાથે જોડાયેલા પેનલ મેમ્બરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ હાઇ સિક્યોરિટી ઝોનમાં ટ્રાયલ વેક્સિન રાખવામાં આવી છે. આ વેક્સિન ગુરુવાર સવારથી વોલન્ટિયરને આપવામાં આવી રહી છે.

પીળા રંગના ફ્રિજમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન રાખવામાં આવી છે
પીળા રંગના ફ્રિજમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન રાખવામાં આવી છે

કઈ રીતે વેક્સિન ટ્રાયલ થાય છે?
સૂત્રોએ વેક્સિન ટ્રાયલ વિશે જણાવ્યું હતું કે આ વેક્સિન નથી પણ ટ્રાયલ વેક્સિન છે, જેથી કદાચ તેની અન્ય અસર પણ થઈ શકે છે. આ ટ્રાયલ વેક્સિન પહેલા તંદુરસ્ત લોકોને જ આપવામાં આવશે. વોલન્ટિયરની સહમતી મળ્યા બાદ સામાન્ય પેપરવર્ક પણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને અન્ય કોઈ બીમારી કે ગંભીર બીમારીની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવે છે. ત્યાર બાદ ટ્રાયલ વેક્સિન આપવામાં આવે છે.

કોઈ રિએક્શન ન આવે તો વોલન્ટિયરને જવા દેવામાં આવશે
એક વખત વોલન્ટિયર નક્કી થઈ જાય બાદમાં તેને ઇન્જેક્શન દ્વારા અન્ય વેક્સિનની જેમ જ વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ ટ્રાયલ રૂમમાં એક કલાક સુધી તેને ત્યાં જ રાખવામાં આવશે અને જો તેને કોઈ રિએક્શન ન આવે તો તેને જવા દેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અહીં ઓબ્ઝર્વેશનમાં રહેવા માગે તો તેના અંગે વિચાર કરવામાં આવશે. ત્યાર બાદ 7 દિવસ બાદ ફરી ટ્રાયલ માટે આ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો,
સોલા સિવિલમાં કોરોનાની ટ્રાયલ રસીના સ્વયંસેવકોને મહિને બે ડોઝ આપવામાં આવશે
ટ્રાયલ વેક્સિન માટે સ્ટુડન્ટ્સ, મહિલાઓ, બિઝનેસમેન પણ વોલન્ટિયર તરીકે પહોંચ્યાં
કોરોના ટ્રાયલ વેક્સિનના વોલન્ટિયર બનવા માટે 10 પાનાંનું આ ફોર્મ ભરવું જરૂરી