અમદાવાદના ATM અસુરક્ષિત:કોઈપણ તોડફોડ વગર હવે માત્ર એક 'ફૂટપટ્ટી'થી ATM ખાલી કરી રહી છે ચોર ગેંગ, નવી મોડ્સ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોકી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના બે વિસ્તારમાં એક જ મોડ્સ ઓપરેન્ડીથી ATMમાં ચોરી થઈ
  • CCTVના આધારે ગેંગને પકડવા હવે પોલીસ દોડતી થઈ

અમદાવાદ શહેરમાં વધુ એક વખત ATMમાંથી ઉઠાંતરીનો સિલસિલો સામે આવ્યો છે. આ વખતે ગઠિયાઓ એક નવી જ મોડસ ઓપરેન્ડીથી એટીએમમાંથી ગ્રાહક અને બેન્કના પૈસા સેરવી લે છે. આ મોડ્સ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી હતી. ગઠિયાઓ ફૂટપટ્ટી જેવું સાધન વાપરી લોકોના પૈસા સેરવી લે છે. ભરચક વિસ્તારમાં આવા બે બનાવ બનતા હવે ઊંઘતી પોલીસ આરોપીઓને શોધવામાં લાગી છે.

લોકોની અવર-જવર વચ્ચે ATMમાંથી ગાયબ થાય છે પૈસા
ATMમાંથી પૈસા ઉઠાવતા ગ્રાહકોએ હવે સાવધાન થવાની જરૂર છે. ATMમાંથી પૈસાની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઈ છે. અમદાવાદ શહેરમાં એક સાથે બે બનાવ સામે આવ્યા છે. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે, ભરચક વિસ્તાર કે જ્યાં એક બાદ એક અસંખ્ય લોકોની અવર જવર હોય છે ત્યાં આ ગઠિયાઓએ હિંમત કરી અને પોલીસને ચોરી કરી ચેલેન્જ આપી છે. રોજ બરોજ ATM નો ઉપયોગ કરનારા ATM ધારકોએ આ અહેવાલને ધ્યાન થી વાંચવાની જરૂર છે.

એક 'ફૂટપટ્ટી'થી હવે ATM ખાલી કરે છે ગઠિયાઓ
સીસીટીવી દેખાતા આ દ્રશ્યો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયપુર દરવાજા સામેના યુનિયન બેંકના એટીએમ ના છે. જ્યા બે ગઠિયા એટીએમમાં એક બાદ એક પ્રવેશ કરે છે અને એટીએમ પાસે આવીને તેમાંથી રોકડ રકમ નીકળે એ જગ્યા પરથી ફૂટપટ્ટી જેવી વસ્તુ નાખી રહ્યા છે અને બાદમાં નાણાં બહાર કાઢી રહ્યા છે અને આ બંને ગઠિયા રોકડા રૂપિયા લઇ ને થોડા જ સમયમાં બહાર નીકળી જાય છે.

શહેર બે વિસ્તારોમાં આ ટેકનિકથી ચોરી થઈ
આ ઘટનામાં સમય અને તારીખ પર નજર કરી એ તો 09-1-2022 તારીખ અને સમય 3 વાગ્યાની આસપાસનો દેખાઇ રહ્યો છે. ત્યારે આવી જ બીજી ઘટના કાંકરીયા ઝૂ ગેટ સામે આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમમાં સામે આવી છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ધ્યાને આ બંને ઘટના આવતાની સાથે જ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

કેવી રીતે કરે છે પૈસાની ઉઠાંતરી?
પોલીસે ફરિયાદ નોંધીને પ્રાથમિક તપાસ શરુ કરી અને સીસીટીવી તપાસતા સામે આવ્યું હતું કે, આ ગેંગના સાગરીતો અમદાવાદના અલગ અલગ એટીએમને ટાર્ગેટ કરે છે. પહેલા એટીએમમાં પ્રવેશ કરીને રોકડ રકમ જે જગ્યાથી નીકળે છે ત્યાં એક ફૂટપટ્ટી મૂકી દે છે એટલે એટીએમ ધારક પૈસા ઉઠાવવા માટે આવે અને પૈસા ઉપાડવાની આખીએ પ્રક્રિયા કરે તે પ્રક્રિયા પુરી પણ થાય. પણ પૈસા એટીએમમાંથી બહાર ન નીકળે અને થોડો સમય રાહ જોવે તો પણ બહાર ન આવે અને ગ્રાહક રાહ જોઈ જોઈ એટીએમ છોડીને બ્રાન્ચ પર ફરિયાદ કરવા પહોંચે છે. ત્યારે જ આ ગઠિયા એટીએમમાં પ્રવેશ કરીને પોતાની ટેક્નિકથી પૈસા મેળવી લે છે અને ફરાર થઇ જાય છે. જે પૈસા ગ્રાહકના ખાતામાંથી કપાઈ જાય છે અને મશીનને જે નુકશાન થાય તે બેંકને ભોગવવું પડે છે.

પોલીસે પહેલીવાર જોઈ આવી ટેકનિક
એટીએમમાંથી આ નવી મોડ્સ ઓપરેન્ડીથી પૈસા ઉપાડવાની ટેકનિક પોલીસ સામે પણ પહેલી વાર સામે આવી છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આરોપીઓની શોધખોળ શરુ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે ભરચક વિસ્તારમાંથી ચોરીને અંજામ આપનાર આ ગેંગ પોલીસ ના હાથે ક્યારે ચઢે છે.

અન્ય સમાચારો પણ છે...