તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યાં સુધી આમ જ ચાલશે?:વૃક્ષારોપણના કાર્યક્રમમાં ધારાસભ્યોએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા, કાર્યકર્તાઓ પણ ફોટો પડાવવાના ચક્કરમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યોના વૃક્ષારોપણના કાર્યક્રમમાં લોકો ટોળાંમાં જોવા મળ્યાં
  • એક વૃક્ષ સાથે ફોટો પડાવવા 15થી વધારે લોકો એકસાથે ઊભેલા નજરે પડ્યા

રાજ્યમાં કોરોના કેસ ઓછા થયા છે, પરંતુ કોરોના હજી ગયો નથી, જેથી હજી પણ લોકોએ સાવચેતી રાખીને પોતાની સાથે બીજાને સુરક્ષિત રાખવા પડશે. અગાઉ પણ ઘણી રાજકીય પાર્ટીઓના મેળાવડાને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. કેટલાક લોકો સંક્રમિત થયા હતા, જેને કારણે બીજા લોકોને પણ સંકમિત થવાનો ભય સતાવી રહ્યો હતો, ત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસ ઓછા થયા છે, એટલામાં ફરીથી રાજકીય પાર્ટીઓ કાર્યક્રમમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા.

એક વૃક્ષ સાથે 15 કાર્યકર્તા ફોટો પડાવવા ભેગા થયા
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક લોકોએ પોતાની આજુબાજુની યોગ્ય જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં રાજકીય પાર્ટીઓએ પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ અનેક જગ્યાએ રાખ્યો હતો. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ધારાસભ્ય જગદીશ પંચાલ અને કોર્પોરેટરે વૃક્ષારોપણ કર્યું હતું, પરંતુ એમાં એકસાથે ઘણા લોકો ભેગા થયા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડતા નજરે પડ્યા હતા. એક વૃક્ષ સાથે 15 કાર્યકર્તા ફોટો પડાવવા ભેગા થયા હતા, જેને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

વૃક્ષારોપણમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડતા નજરે પડ્યા હતા.
વૃક્ષારોપણમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડતા નજરે પડ્યા હતા.

વૃક્ષારોપણ સમયે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડ્યા
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા, જેમાં તેમણે 2 અલગ-અલગ જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું. એમાં સિવિલ હોસ્પિટલમાં વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.જે.વી.મોદી પણ ઉપસ્થિત હતા, તેઓ પણ આ ભીડમાં નજરે પડ્યા હતા, સાથે અસારવાના ચમનપુરા આગળના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પણ ફોટો પડાવવા માટે કાર્યકર્તાઓનું ટોળું ભેગું થયું હતું, જેને કારણે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડ્યા હતા.

ધારાસભ્ય, કોર્પોરેટર અને તેમના કાર્યકર્તાઓ ફોટો પડાવવા માટે ભેગા થયા હતા.
ધારાસભ્ય, કોર્પોરેટર અને તેમના કાર્યકર્તાઓ ફોટો પડાવવા માટે ભેગા થયા હતા.

સેવા સમયે પણ ફોટો સેશન ન ચૂક્યા
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર ઘણા ચર્ચામાં રહે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અસારવાની એક ધાર્મિક સંસ્થા દ્વારા ડોનેટ કરવામાં આવેલા ઓક્સિજન કૉન્સન્ટ્રેટરને લઈ ધારાસભ્ય અને કોર્પોરેટરની પણ ટીકાટિપ્પણી સોશિયલ મીડિયામાં થઈ રહી છે, જેમાં એક કૉન્સન્ટ્રેટર જે સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે તે વ્યક્તિ સિવાય ધારાસભ્ય, કોર્પોરેટર અને તેમના કાર્યકર્તાઓ ફોટો પડાવવા માટે ભેગા થયા હતા. અવારનવાર આવા ફોટો સેશન માટે આ ધારાસભ્યનું નામ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે, જેમાં તેઓ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે.

આવા રાજકીય નેતાઓ અને તેમના કાર્યકર્તાઓને કારણે ફરીથી આ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે.
આવા રાજકીય નેતાઓ અને તેમના કાર્યકર્તાઓને કારણે ફરીથી આ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે.

લોકોને માર્ગદર્શન આપવાને બદલે પોતે જ બેદરકારી દાખવી
બાપુનગરમાં પણ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ આવી જ રીતે કાર્યકર્તાઓ ફોટો પડાવવા માટે જ ભેગા થયા હોય એવું લાગતું હતું. માત્ર એક જ વૃક્ષની જોડે ઊભેલા ધારાસભ્યની સાથે ફોટો પડાવવા માટે લોકો ટોળું વળી ગયા હતા. જો આ રીતે જ ફરીથી આવી બેદરકારી અને આવા મેળવડા થતાં રહેશે તો ત્રીજી વેવ આવતા સમય નહીં લાગે. રાજ્યમાં ઘણા સમય બાદ પ્રજા રાહતનો શ્વાસ અનુભવી રહી છે ત્યારે આવા રાજકીય નેતાઓ અને તેમના કાર્યકર્તાઓને કારણે ફરીથી આ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આવા પ્રજાના પ્રતિનિધિઓએ આવા સમયમાં લોકોને સાવચેત રહેવા માર્ગદર્શન આપવું જોઈએ ત્યારે તેઓ જ આવી બેદરકારી દાખવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...