અમદાવાદમાં અકસ્માત:સરખેજ, એલિસબ્રિજ પાસે હિટ એન્ડ રન, સિનિયર સિટીઝન સહિત 2 વ્યક્તિનાં મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રિવરફ્રન્ટ રોડ પર કારચાલક અજાણ્યા પુરુષને ટક્કર મારી નાસી ગયો
  • સરખેજમાં એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે બાઇકચાલકે એક્ટિવાને ટક્કર મારતાં ઇજાગ્રસ્ત સિનિયર સિટીઝનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

શહેરમાં શુક્રવારે 24 કલાકમાં હિટ એન્ડ રનની 2 ઘટનાઓ બની હતી. એલિસબ્રિજમાં ગુજરી બજાર પાસે રિવરફ્રન્ટ ખાતે કારચાલક અજાણ્યા પુરુષને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજી ઘટનામાં સરખેજ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે બાઇકચાલકે એક્ટિવાને ટક્કર મારતા ઇજાગ્રસ્ત સિનિયર સિટીઝનનું મોત નિપજ્યું હતું. ​​​​​​અમદાવાદમાં બુધવારે હિટ એન્ડ રનની બે ઘટના બની હતી, જેમાં એક 45 વર્ષના પુરુષ અને સિનિયર સિટીઝનનું મોત નીપજ્યું હતું. બંને ઘટનામાં અકસ્માત કરનારા વાહનચાલકો ફરાર થઈ ગયા હતા.

રિવરફ્રન્ટ રોડ પર ચાલતા જઈ રહેલા 45 વર્ષીય અજાણ્યા પુરુષને એર અજાણ્યા કારચાલકે અડફેટે લીધા હતા, જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુરુષને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલજીભાઈએ નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી શોધખોળ આદરી છે. જ્યારે બીજી બાજુ મૃતકની પોસ્ટમોર્ટમ વિધિ પૂરી કરી, ઓળખવિધિ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

જ્યારે હિટ એન્ડ રનની અન્ય ઘટનામાં સરખેજના ખરવાડમાં રહેતા નંદકિશોર ત્રિભોવનદાસ પંચોલી (ઉં. 83) તેમના મિત્ર મકરંદભાઈના એક્ટિવાની પાછળ બેસીને સરખેજમાં એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી બાઇકે એક્ટિવાને ટક્કર મારતા નંદકિશોરભાઈ રોડ પર પટકાતાં તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે નંદકિશોરભાઈની દીકરી આરતી શુક્લે એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...