દાણચોરી:એરપોર્ટ પર પેસેન્જર પાસેથી 7.50 લાખના 14 ફોન પકડાયા, પેસેન્જરે ઝભ્ભામાં બનાવેલા ખિસ્સામાં ફોન છુપાવ્યા હતા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​લગેજમાંથી કંઈ ન મળ્યું પણ મેટલ ડિટેક્ટરમાં પકડાઈ ગયો

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોરોનાની ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવાની સાથે સાથે હાલમાં દુબઇ એક્સ્પોના કારણે ભારતથી દુબઇની ફલાઇટો શરૂ થતાં દાણચોરો પણ સક્રિય થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી સોના સાથે આઇફોનની દાણચોરી શરૂ થઇ ગઇ છે. રવિવારે દુબઇથી અમદાવાદ આવેલા એક પેસેન્જરને ઝભ્ભાના ખિસ્સામાં રૂ. 7.54 લાખના 14 આઇફોન સાથે અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગે ઝડપી લીધો હતો. આ ઉપરાંત શનિવારે દુબઇથી આવેલી અલગ અલગ ત્રણ ફલાઇટમાં ત્રણ પેસેન્જર પાસેથી સોનાની લગડીઓ મળી આવી હતી. રૂ. 16.4 લાખની 337 ગ્રામ સોનાની ત્રણ લગડી જપ્ત કરવામાં આવી હતી. આ ત્રણેય પેસેન્જર રાજસ્થાનના બાસવાડાના હતા.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઇથી આવેલા પેસેન્જર ઇમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ પોતાનો લગેજ લેવા માટે આગળ વધ્યો હતો. જ્યા આ પેસેન્જરની શંકાસ્પદ હિલચાલ અને તેમજ નજર પણ સામાન્ય ન લાગતા કસ્ટમના અધિકારીઓને શંકા ગઇ હતી. આ પેસેન્જર કસ્ટમ તરફ આગળ વધતો હતો ત્યારે તેને કસ્ટમના અધિકારીઓએ અટકાવી પૂછપરછ કરવામાં અવી હતી. આ દરમિયાન તેના લગેજ ખોલી ચેક કરવામાં આવતા તેમાં કશુ મળ્યું ન હોતું. પરંતુ પેસેન્જરને મેટલ ડિટેકટરમાંથી ચેક કરતા બીપ અવાજ આવતા તેમની પાસે કંઇ છુપાવ્યું હોવાનું જણાવતા તેણે ઇનકાર કર્યો હતો. જ્યારે કસ્ટમ અધિકારીઓએ આ પેસેન્જરની શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા ઝભ્ભાની અંદર ગોઠવણ કરીને 14 આઇફોન સંતાડેલા મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

કસ્ટમના જણણાવ્યા મુજબ પહેરેલા ઝભ્ભાની અંદર બનાવેલા ખિસ્સામાંથી 14 આઇફોન મળી આવ્યા હતા. જેમાં 8 આઇફોન 12 અને 6 આઇફોન 11 પ્રો-મેક્સ જેની કુલ કિંમત રૂ. 7.54 લાખ થવા જાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ દુબઈથી આવેલા બે પેસેન્જર પાસેથી 12 લાખનું સોનું પકડાયું હતું. કુવૈતથી આવેલા એક પેસેન્જર પણ દાણચોરીમાં પકડાયો હતો.

કસ્ટમના નિયમ મુજબ 50 હજારથી વધુની વસ્તુ હોય તો 38 ટકા ટેક્સ ભરવો પડે છે
કસ્ટમના નિયમ મુજબ મુસાફર પોતાની સાથે ડ્રગ્સ, હથિયાર, ગોલ્ડ અને વિદેશી ચલણ લાવી શકાતા નથી.આ ઉપરાંત મુસાફર કોઇ પણ પ્રકારનો સામાન રૂ. 50 હજાર કરતા વધારેની કિંમતનો હોય તો તેની ઉપર 38 ટકા કસ્ટમ ટેક્સ ભરવો પડે છે. પરંતુ જો કોઇ વ્યક્તિ એક કરતા વધારે મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવે છે તો તે કોમર્શિયલ ઉપયોગ માટે લાવતા હોવાથી તે વસ્તુઓને ડિટેન કરી લેવામાં આવે છે. આમ મુસાફર પોતાની સાથે એક આઇફોન લાવી શકે છે પરંતુ તેના ઉપર 38 ટકા ટેક્સ ભરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...