અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર-1 ઉપરાંત આરોહી હોમ્સ તથા આરોહી રેસિડેન્સી સોસાયટીમાં કુલ 52 મકાનને કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ મકાનમાં રહેતા 173 લોકોને હોમ કોરેન્ટીન કરાયા છે. અગાઉ સફલ પરિસરમાં જ 80 કોરોના પોઝિટિવ કેસ આવ્યાના સમાચાર ફેલાયા હતા પરંતુ તેની કોઈ પુષ્ટિ થઈ નહોતી. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ આ સમાચારને પગલે દોડી ગઈ છે. અમદાવાદમાં હવે પશ્ચિમના વિસ્તારોમાં પણ આટલી વિશાળ સંખ્યામાં પોઝિટિવ કેસ આવવા માંડ્યા એ કોરોના પોઝિટિવનો ફરી વેવ શરૂ થયાની મોટી નિશાની છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
ખાનગી હોસ્પિટલોમાં બેડ ભરવાની ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ
અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડ ખુટી પડ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોનાના સંક્રમણની ગંભીર પરિસ્થિતિ અને હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે તે અંગે સમીક્ષા કરવા માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ ભરવા માટે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી હવે આણંદ, કરમસદ કે ગાંધીનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ગઈ કાલે શહેરની SVP હોસ્પિટલમાં વધુ 300 બેડ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી હોવાનું અધિકારીઓની બેઠકમાં જાણવા મળ્યું છે. તે ઉપરાંત સિવિલમાં કિડની વિભાગમાં કુલ 90 ટકા બેડ ખાલી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલમાં 703 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. યુ.એન.મહેતા કિડની વિભાગ અને કેન્સરમાં કુલ 250 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને ગંભીર પરિસ્થિતિમાં ICUમાં લાવવામાં આવ્યાં છે. ડૉક્ટરોનું એવું કહેવું છે કે કોરોના સંક્રમણમાં લક્ષણોમાં ફેરફાર થતાં તેની અસર હવે કિડની પર પડી શકે છે.
ખાનગી હોસ્પિટલોની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પગલાં લેવાશે
રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને AMC કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા જે દર્દીઓને જરૂર ના હોય અથવા તો ઓક્સિજન લેવલ પણ ઓછું થયું ના હોય તેવા દર્દીઓને ફોન કરીને ખાલી બેડ ભરવા માટેની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. આવી હોસ્પિટલોની AMCને જાણ થઈ છે.
જેથી આવી હોસ્પિટલોના સંચાલકોને આ પ્રકારની પ્રવૃત્તિ અચકાવી દેવા માટે પ્રાથમિક રીતે સૂચન કરવામાં આવે છે. કારણ કે આવી પ્રવૃત્તિઓને કારણે શહેરમાં કૃત્રિમ રીતે હોસ્પિટલમાં બેડની અછત ઉભી થવાની શક્યતાઓ છે. આ બાબતે મેડિકલ એસોસિએશનને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. કોઈપણ સંજોગોમાં બેડની કૃત્રિમ અછતને સાંખી લેવામાં આવશે નહીં.
શહેરની 10 હોસ્પિટલોમાં વધુ બેડ ઉપલબ્ધ કરાવાશે
હાલમાં શહેરમાં 8થી10 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી નવા દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે અને વધુ બેડ ઉપલબ્ધ કરાવી શકાય.
એક જ પરિવારના સભ્યોને એક જ હોસ્પિટલમાં લઈ જવા સૂચના
AMC દ્વારા 108 સેવાને સૂચના આપવામાં આવી છે કે એક જ પરિવારના દર્દીઓને બને ત્યાં સુધી એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. તેમ છતાં કોઈપણ વ્યક્તિગત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા પણ અપીલ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.