વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલનો ફેસ વન ઓગસ્ટ 2022માં શરૂ કરવાની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં રૂપિયા 10,000 કરોડના ખર્ચે મેટ્રો રેલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જોકે મેટ્રો રેલના રૂટ પર ક્યાંય પણ નાગરિકો માટે વાહન પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી નથી. અમદાવાદમાં પાર્કિંગના મુદ્દાને કોઈ સિરિયસલી લેતું જ નથી. મ્યુનિ.વાળા મેટ્રો કોર્પોરેશન પર ઢોળે છે અને મેટ્રોવાળા કહે છે કે અમારું કામ તો મેટ્રોને બનાવીને એને ચલાવવાનું છે. પાર્કિંગની સમસ્યામાં અમે શા માટે પડીએ, એ તો સ્થાનિક બોડીએ જોવાનું હોય. પાર્કિંગની સુવિધા નહીં હોય તો કરોડોના ખર્ચે બની રહેલો અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પણ BRTSની જેમ ફેલ જશે એ નક્કી છે.
મેટ્રો સ્ટેશનની નજીકમાં ક્યાંય પાર્કિંગ નથી
મેટ્રો સ્ટેશનની નીચે આસપાસ જ્યાંથી સરળતાથી લોકો વાહન પાર્ક કરીને મેટ્રો સ્ટેશન પર જઈને ટ્રેનમાં બેસી શકે એના માટે વાહન પાર્કિંગ જરૂરી છે, પરંતુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંય પણ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી નથી. જોકે મેટ્રો રેલ રૂટ પર પાર્કિંગની વ્યવસ્થા કોણે કરવી એ હજી સુધી નક્કી ન હોય એમ જણાય છે, કારણ કે દિવ્ય ભાસ્કરે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના PRO અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે જ્યારે વાતચીત કરી હતી ત્યારે બંને એકબીજા પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવાની હોય એવું જણાવી રહ્યા હતા. આ સ્થિતિમાં બીઆરટીએસ પ્રોજેક્ટ પાર્કિંગને કારણે જેમ ફેલ ગયો છે એમ મેટ્રો રેલ પ્રોજેક્ટ પણ પાર્કિંગની સમસ્યાને કારણે ફેલ જાય એવી શક્યતા છે.
વાહન રોડ પર પાર્ક કરવા પડે એવી સ્થિતિ
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલમાં બેસવા માટે નાગરિકો જ્યારે રેલવે સ્ટેશન પર પહોંચે ત્યારે તેમને જો વાહન પાર્ક કરવા હશે તો રોડ પર વાહન પાર્ક કરવાની ફરજ પડશે, કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંય પણ વાહન પાર્કિંગ કરવા માટે આખા પ્રોજેક્ટમાં વિચારણા કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કરે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના PRO અંકુર પાઠક સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી. જે-તે લોકલ બોડી અથવા કોર્પોરેશન દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે.
ટ્રાફિકને ધ્યાનમાં રાખ્યો, પણ પાર્કિંગ ભુલાયું
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેટ્રો રેલ સ્ટેશન નીચે બે મીટરનો રોડ આવેલો છે, જ્યાં જો બાઈક પર પાર્ક કરવામાં આવે તો રોડ પરથી બહાર કાઢતી વખતે સમસ્યા ઊભી થઈ શકે છે. મેટ્રોની નજીકના રૂટ પર આવતા એવા 80 રોડની માહિતી પોલીસ કમિશનરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. મેટ્રો રેલના સ્ટેશન અને તેની આસપાસમાં પાર્કિંગની વ્યવસ્થા મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવાની રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ અને જ્યાં મેટ્રો રેલ પસાર થાય છે તેની આસપાસના રસ્તાઓને આઈડેન્ટિફાઇ કરીને પોલીસ કમિશનરને ટ્રાફિકની સરળતાને ધ્યાનમાં રાખી યાદી સોંપી દેવામાં આવી છે.
બસ-રિક્ષામાં પૈસા ખર્ચીને સ્ટેશન સુધી આવવું પડશે
અમદાવાદીઓને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે મેટ્રો રેલ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ નાગરિકો અને જે રીતે વાહન પાર્કિંગ જરૂરી છે એ જ આખા પ્રોજેક્ટમાં ક્યાંય વિચારણા કરવામાં આવી નથી. વાહન પાર્કિંગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજા પર નિર્ભર હોય એવું લાગી રહ્યું છે. ત્યારે શું ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશન કે મેટ્રો રેલ કોર્પોરેશન નાગરિકોને વાહન પાર્કિંગ આપી શકશે એ પછી બીઆરટીએસમાં જે રીતે લોકોને જવા માટે વાહન પાર્કિંગ ક્યાંય નથી એમ મેટ્રો રેલના સ્ટેશન પર પણ ત્યાં વાહન પાર્કિંગ નહીં મળે અને લોકોને બસ કે રિક્ષામાં પૈસા ખર્ચીને મેટ્રો રેલ સ્ટેશન સુધી આવવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.