અમદાવાદમાં ઓવૈસીનો વિરોધ:જુહાપુરામાં જ સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી 'ઓવૈસી તુમ વાપસ જાઓ'ના બેનરો બતાવ્યા, કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે ઘર્ષણ

અમદાવાદએક મહિનો પહેલા
છીપા સોસાયટી બહાર ઓવૈસીનો વિરોધ
  • જુહાપુરામાં AIMIMના કાર્યકર્તાના ઘરે ગયેલા ઓવૈસીનો સ્થાનિકોએ વિરોધ કર્યો
  • ઓવૈસી શાંતિપુરા પાસે AIMIMના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી ઇફ્તારી કરશે

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે છે. આજે સાંજે તેઓ ખાનપુર પત્રકાર પરિષદ બાદ જુહાપુરા વિસ્તારમાં આવેલા છીપા ટેનામેન્ટ ખાતે એક કાર્યકર્તાના ઘરે ગયા હતા. જ્યાં ઔવેસીનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. કાળા વાવટા ફરકાવી અને 'અસદુદ્દીન ઓવૈસી તુમ વાપસ જાઓ, વાપસ જાઓ'ના બેનરો સાથે વિરોધ કરાયો હતો. વિરોધ કરનાર મહિલા અને લોકો સાથે AIMIMના કાર્યકર્તાઓનું ઘર્ષણ પણ થયું હતું. ઓવૈસી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે ગાડી સુધી ન પહોંચે તેના માટે કાર્યકર્તાઓએ વિરોધ કરનારા લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. અચાનક જ ઓવૈસીનો વિરોધ કરવા લોકો આવતા AIMIMના કાર્યકર્તાઓ પણ દોડતા થઈ ગયા હતા.

વિધાનસભા ચૂંટણી લડવા હુંકાર
AIMIMના અધ્યક્ષ ઓવૈસી બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, પાર્ટીનું સંગઠન મજબૂત કરવા તેમજ જે કમજોરી છે તે દૂર કરવા માટે માહીતી મેળવવા આજે અમદાવાદ આવ્યો છું. જેથી આગામી દિવસોમાં વિધાનસભામાં મજબૂતી સાથે ઉતરીશું. પોઝિટિવ મુદ્દા અને આખા વિઝન સાથે ચૂંટણી લડીશું. મે અને જૂન મહિનામાં પણ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ જઈશ. પાર્ટીને મજબૂત કરીશું અને વિધાનસભા ચૂંટણી મજબૂત રીતે લડીશું.

રોડ પર સ્થાનિકોએ વિરોધ કર્યો
રોડ પર સ્થાનિકોએ વિરોધ કર્યો

રામનવમી પર હિંસા મુદ્દે શું પ્રતિક્રિયા આપી?
રાજ્યમાં રામનવમી પર થયેલા હિંસા મુદ્દે ઓવૈસીએ કહ્યું, ક્યાંય પણ હિંસા કોઈ માટે સારી નથી. રાજય સરકાર જવાબદાર હોય છે. રાજય સરકાર જો ઈચ્છે તો હિંસા થાય અને ના ઈચ્છે તો ન થાય. હિંસા થઈ એ માટે સરકાર જવાબદાર છે. જે લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થાય. IBના ઇનપુટ હતા તો સરકારે કેમ પગલાં ન લીધા? જો ઇનપુટ હતા તો હિંસા રોકી શક્યા હોત. પોતાની નાકામયાબી છુપાવવા માટે આમ કહે છે. જો કાવતરું હોય તો પેગાસીસ, કોલ રેકોર્ડીંગ છે તો કેમ ન પકડી શક્યાં. શોભાયાત્રા કાઢવા માટેની પરમિશન પોલીસ આપે તો પુરી કરવાની જવાબદારી પોલીસની જ છે.

AIMIMના કાર્યકર્તાઓ સાથે ઇફ્તારી કરશે
જ્યારે RSSના પ્રમુખ મોહન ભાવગતના અખંડ ભારતના નિવેદન મુદ્દે ઓવૈસીએ કહ્યું કે, 'અખંડ ભારતની વાત કરો છો તો પૂરું અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન કબજો કરેલું કાશ્મીર, શ્રીલંકા અને ચીન છે તેની વાત કરો.' સાંજે તેઓ સાણંદ રોડ પર શાંતિપુરા પાસે AIMIMના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે અને સાંજે ઇફતારી પાર્ટી કરશે. આખી રાત તેઓ શાંતિપુરા ખાતે કાર્યકર્તાઓ સાથે રોકાણ કરશે.

ગત વર્ષે AMCની ચૂંટણીમાં AIMIMને મળી હતી 7 બેઠક
નોંધનીય છે કે ગત વર્ષે જ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ઓવૈસીની AIMIM પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું હતું. જમાલપુર બેઠક પર ચારેય તેમજ મકતમપુરા બેઠક પર AIMIMના ત્રણ ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે હવે AIMIMનો આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનો પ્લાન છે.

અન્ય સમાચારો પણ છે...