અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડની કામગીરીમાં ક્યારેય સુધારો નહીં આવે તેવું સ્પષ્ટ પણ લાગી રહ્યું છે.શહેરના રાયપુર વિસ્તારમાં મોડી રાતે માઈક્રો રિસરફેસની કામગીરીમાં બેદરકારી સ્પસ્ટ પણે જોવા મળી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રાયપુર છબીલા હનુમાન રોડથી રાયપુર દરવાજા સુધી રોડની કામગીરી અધૂરી મુકી દેવાતા લોકો હેરાન પરેશાન થયા છે. એક તરફ રોડને રિસરફેસ કર્યો અને બીજી તરફ રોડ પર ડામર પાથરી દેવાતાં લોકોના પગમાં ચોંટ્યો હતો.
કામગીરી અધૂરી મૂકી દેવાતાં લોકો હેરાન થયા
રાત્રે થયેલી કામગીરી બાદ સવારના સમયે લોકોને ચાલી ના શકાય તેમ ડામર પાથરી દેવાયો હતો. લોકોને હાલાકી પડતાં આસપાસના દુકાનદારોએ રોડ પર માટી નાંખવી પડી હતી. રોડ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની સ્પષ્ટ બેદરકારી દેખાય છે. ડામર પાથર્યા બાદ તેના ફિનિશીંગની કામગીરી કરાઈ ન હતી. જેના કારણે રોડ પરનો ડામર પગમાં ચોંટી જતા લોકો અને વાહનચાલકો પરેશાન થઇ ગયા હતાં.રિસરફેસ કરવાની કામગીરી અધૂરી મૂકી દેવાતાં લોકો હેરાન થયા છે.
ડામર પાથરી અને રોડ બનાવી દેવામાં આવ્યો
પખાલીની પોળ પાસે રોડની એક તરફ આખો રોડ પર નવો ડામર પાથરી અને રોડ બનાવી દેવામાં આવ્યો હતો અને બીજી તરફ રોડ પર ડામર છોડી દેવામાં આવ્યો હતો પરંતુ ત્યાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને રોડ પર એમ જ ડામર છાંટી દેવાતા લોકોના પગ પર ડામર ચોંટ્યો હતો. એક વ્યક્તિએ તો પોતાનું ચંપલ જ ત્યાં મૂકી દેવું પડયું હતું અને કોર્પોરેશનના રોડ વિભાગના અધિકારીઓની અને કર્મચારીની આવી બેદરકારી ભાજપના શાસકો હંમેશા ચલાવી લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.