તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવો રોડ?:જમાલપુરમાં જગન્નાથ મંદિરની બહાર AMCએ સવારે બનાવેલા રોડનો બપોર સુધીમાં ડામર ઉખડવા લાગ્યો

અમદાવાદએક મહિનો પહેલા
જગન્નાથ મંદિર બહાર બનાવેલા રોડની તસવીર
  • મેયર, ડે. મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિતના અધિકારીઓ સવારે સમીક્ષા કરવા આવ્યા ત્યારે જ રોડ બનાવ્યો
  • બપોરે પડતા તો ડામર ઉખડી ગયો અને લોકોના ચંપલ પર ચોંટી ગયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ રસ્તા મામલે અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. શહેરમાં રોડ બનાવવામાં કૌભાંડ સામે આવ્યા છે. અનેક વિસ્તારોમાં પેચવર્કની કામગીરી નથી સરખી થતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર પણ રોડની કામગીરીમાં વેઠ ઉતારી છે. જમાલપુર મંદિરની બહાર આવેલી પોલીસ ચોકીની સામે જ આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો આવવાના હતા. જેથી વહેલી સવારે કામ બતાવવા માટે તાત્કાલિક રોડ પર ડામર નાખી રોડ સરખો કરવામાં આવ્યો હતો. પરંતુ ચાઈનીઝ પ્રોડક્ટની જેમ આ રોડ એક દિવસ પણ ટકી શક્યો નહોતો.

સવાર બનેલા રોડનો બપોર સુધીમાં ડામર ઉખડી ગયો
બપોરે 1 વાગ્યે Divya bhaskar દ્વારા તપાસ કરવામાં આવી તો, સવારે બનાવેલા રોડ પર ડામર ઉખડી ગયો હતો. જો વ્યક્તિ રોડ પર ચાલે તો તેના શૂઝ કે ચંપલ પર ડામર ચોંટી જતો હતો. આવી કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે કે કોર્પોરેશન ભગવાન જ્યાંથી નગરચર્યાએ નીકળે છે એ જ રોડની કામગીરીમાં વેઠ ઉતારે છે.

બપોર સુધીમાં જ રોડ પરથી ડામર ઉખડવા લાગ્યો
બપોર સુધીમાં જ રોડ પરથી ડામર ઉખડવા લાગ્યો

સવારે અધિકારીઓ રૂટની સમીક્ષા કરવા પહોંચ્યા હતા
આજે સવારે જે રોડ પરથી મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતા સહિતના અધિકારી અને ચેરમેનો જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે રથયાત્રા રૂટની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. ત્યાં પોલીસ ચોકીની બહાર જ અત્યારે રોડ પર સવારે નાખેલો ડામર ઉખડી ગયેલો જોવા મળ્યો હતો.

સવારે AMCના શાસકો અને અધિકારીઓ સમીક્ષા કરવા આવ્યા ત્યારે રોડ બનાવાયો હતો
સવારે AMCના શાસકો અને અધિકારીઓ સમીક્ષા કરવા આવ્યા ત્યારે રોડ બનાવાયો હતો

તંત્રએ માત્ર ડામર પાથરી દીધો!
કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ એક તરફ કામગીરીની સમીક્ષા કરવા નીકળ્યા હોવાની વાત કરે છે. પરંતુ તેમનું જ તંત્ર સાહેબોને દેખાડા કરવા કામ કરતા હોય તેમ માત્ર ડામર નાખી દીધો હતો. મંદિરે સવારે દર્શન કરવા આવેલા લોકોના શૂઝ અને ચંપલ પર ડામર ચોંટી જતા તેઓ પણ રોષે ભરાયા હતા.