ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરવાથી જે નફો થશે તેમાંથી 40 ટકા કંપની ફી લેશે જ્યારે બાકીના 60 ટકા રોકાણકારને મળશે. તેવી લોભામણી જાહેરાત કરીને ઘાટલોડિયામાં રહેતા યુવાન પાસેથી મહિલાએ ટુકડે ટુકડે રૂ.2.60 લાખ પડાવી લીધા હતા. જો કે 3 મહિના પછી પૈસા વિડ્રો કરી શકાશે તેવું કહ્યું હોવા છતાં 3 મહિના પછી પણ પૈસા નહીં મળતા આખરે યુવાને ફરિયાદ નોંધાવી હતી.
ઘાટલોડિયા પાટીદાર સોસાયટીમાં રહેતો વિશાલ પ્રવિણભાઈ દરજી(31) ઈસ્કોન ચાર રસ્તા ખાતેના કોલોનેડ કોમ્પલેક્ષમાં આવેલી વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે. જાન્યુઆરી મહિનામાં વિશાલ ઉપર હોરાનો નામની મહિલાએ વોટસએપ કોલ કર્યો હતો. હોરાનોએ વિશાલને કહ્યું હતુ કે તે ડોટ ગોલ્ડ કંપનીમાંથી વાત કરે છે. તમારે ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરવું હોય તો તે તમારા વતી તેમની કંપનીમાં ટ્રેડિંગ કરશે. જેના માટે તેમણે ફકત વોલેટમાં પૈસા જમા કરાવવાના રહેશે.
તેમાંથી જે નફો મળશે તેમાંથી 40 ટકા તેમની કંપની ફી તરીકે લેશે જ્યારે બાકીના 60 ટકા નફો રોકાણકારને મળશે. જેથી વિશાલે કંપની વિશે વધારે પૂછપરછ કરતા હોરાનો એ તેને કહ્યું હતુ કે તમે વિશ્વાસ રાખો તમારી સાથે કશું પણ ખોટું નહીં થાય. તેમ કહેતા વિશાલને વિશ્વાસ પડતા ટુકડે ટુકડે રૂ.2.60 લાખનું રોકાણ કર્યુ હતુ. જ્યારે તેની સામે વિશાલને કહ્યું હતુ કે અમારી કંપની દ્વારા ઈન્વેસ્ટિગેશન અને ટ્રેડિંગ ચાલુ કરવામાં આવશે. જેને 3 મહિના જેટલો સમય લાગશે. ત્યારબાદ તમે પૈસા વિડ્રો કરી શકશો. પરંતુ 3 મહિના પછી પણ પૈસા વિડ્રો નહીં થતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા વિશાલે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.