તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મ્યુકર માઇકોસિસનાં 50 ઇન્જેક્શન આપવાનું કહી સવા લાખ લઈ ઠગાઈ, 1 ઇન્જેક્શનના રૂ.5500 લેખે ઇન્જેક્શન આપવાનું કહી પૈસા મગાવ્યા હતા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વસ્ત્રાલના રહીશ કોરોનામાંથી સાજા થયા બાદ બ્લેક ફંગસ થયું હતું

મ્યુકર માઇકોસિસનાં ઇન્જેક્શનોના નામે ઠગાઈ કરવા ગઠિયા સક્રિય બન્યાં છે. આવી જ એક ઘટનામાં નરોડાના યુવક સાથે સવા લાખ લઈ ઠગાઈ કરવામાં આવી હતી. વસ્ત્રાલના રાધે પાર્કમાં રહેતા સંદીપ પટેલના પિતાને 20 દિવસ પહેલાં કોરોના થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે કોરોનાથી સાજા થયા બાદ 12 મેના રોજ અચાનક મોંના ભાગે સોજા આવતા તેમને નરોડા પાટિયા સિટી સેન્ટરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરતા નાકમાં ભાગે ઇન્ફેક્શન થયું હોવાનું જણાવીને મ્યુકર માઇકોસિસ થયો હોવાની વાત કરી હતી. આથી તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને મ્યુકર માઇકોસિસનું ઈન્જેક્શન લિપોસોમાલ એમ્પોથોરિસિન બી 30 દિવસ સુધી આપવા પડશે તેવું પ્રિસ્ક્રિપ્શન ડોક્ટરે આપ્યું હોવાથી તેઓ આ ઇન્જેક્શનની સગવડ કરવા દોડભાગ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમના બનેવીએ એક નંબર આપ્યો હતો, જેથી સંદીપભાઈએ ફોનથી વાત કરી ત્યારે વ્યક્તિએ પોતાનું નામ મીતેશ ગજ્જર (રહે. મહાત્મા પાર્ક, નવા વાડજ) હોવાનું કહીને આ એક ઇન્જેક્શન (રૂ. 5500) બે દિવસમાં મળી જશે તેવી વાત કરી હતી. આથી સંદીપને ઇન્જેક્શનની જરૂર હોવાથી વાતમાં આવી ગયા અને તેમણે 50 ઇન્જેક્શન લેવા માટેની વાત કરતા રૂ.1.25 લાખ ચૂકવવા પડશે તેમ જણાવી પહેલા પૈસા આપવા પડશે તેમ જણાવ્યું હતું. આથી સંદીપભાઈએ અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી 1.25 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે ઇન્જેકશન મળ્યાં ન હતાં.

બે દિવસનો વાયદો કરી ફોન બંધ કર્યો
​​​​​​​મીતેશ નામની વ્યક્તિએ સંદીપભાઈ પાસેથી પૈસા લીધા બાદ બે દિવસમાં ઇન્જેક્શન મળી જશે તેમ કહ્યું હતું, પરંતુ દિવસો વિતતા ગયા અને ઇન્જેક્શન ન મળતા સંદીપભાઈએ તે નંબર પર પરત ફોન કર્યો ત્યારે ફોન બંધ આવતો હતો. આથી પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હોવાથી પોલીસનો સંપર્ક કર્યો હતો. આ અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...