ભાસ્કર એક્સક્લૂસિવપેકેજ બાદ કાર્યવાહી શરૂ:પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ASI જયદીપસિંહ સસ્પેન્ડ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તારીખ 7 જાન્યુઆરીના રોજ પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ પે મામલે રસ્તા પર બેસી અને ધરણાં કરવા બેસી ગઈ હતી. આ સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના ઘટવાને 9 મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લી ખાતે ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને મોડી રાત્રે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હા, મને સસ્પેન્ડ કર્યો છે - જયદીપસિંહ વાઘેલા
આ અંગે સસ્પેન્ડેડ એએસઆઈ જયદીપસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હા, વાત સાચી છે .હું મારી ફરજ પૂરી કરીને ત્યાં ગયો અને એટલે એ સમયે જે તે જગ્યા પર મારી હાજરી થઈ હતી. મારા પત્નીને કમરનો દુખાવો હતો એટલે હું રજા પર હતો. મહિલાઓ ગ્રેડ પે બાબતે વિરોધ કરતા હતા એ સમયે પોલીસે તેમની સાથે બળજબરી કરતા હું સમજાવવા ગયો હતો કે જો મહિલાઓ ગાડીની અંદર નથી બેસવા માંગતી તો કેમ બેસાડો છો? આટલું કહી અને મારાં બાળકોને ટ્યુશનનો સમય થઈ ગયો હતો એટલે હું ત્યાંથી નીકળી ગયો હતો.

ગ્રેડ પે મામલે બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હાર્દિક પંડ્યાએ ધરણાં કર્યાં હતાં
ગ્રેડ પે મામલે બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હાર્દિક પંડ્યાએ ધરણાં કર્યાં હતાં

મોડી રાત્રે સસ્પેન્શન ઓર્ડર અપાયો
જયદીપસિંહ વાઘેલાને ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ હતી. આ ફરજ પરથી તેમને મેઘરજ કોર્ટમાં ડ્યુટી આપવામાં આવતા તેઓ રોજ અપડાઉન કરતા હતા. ગત સાંજે પણ તેઓ પોતાની ડ્યુટી પૂરી કરી અને ઈસરી પોલીસ મથક ખાતે ટપાલ આપવા ગયા હતા તે સમયે પીએસઆઈ વી એસ દેસાઈએ તેમને સસ્પેન્શન ઓર્ડર આપ્યો હતો. જયદીપસિંહે કહ્યું હતું કે, મને સસ્પેન્ડ કરાયો છે એ ઉચિત નથી તેમ છતાં વિભાગના હુકમનું પાલન કરીશું.

પોલીસકર્મી હાર્દિક પંડ્યા અને નીલમ મકવાણાનાં ધરણા
અગાઉ ગ્રેડ પેને લઈ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિક પંડ્યા વિધાનસભા ખાતે ધરણાં પર બેઠા હતા. જ્યારે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણાં પર બેઠાં હતાં. મહિલા પોલીસકર્મી નીલમબેન "જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો નહિ આવે ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરશે"એ રીતે પોતાના વ્હોટ્સએપમાં સ્ટેટસ મૂકી ગ્રેડ પેની માગણી કરી હતી. ત્યાર બાદ તેમણે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણાં પર બેઠાં હતાં
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણાં પર બેઠાં હતાં

પોલીસકર્મીની પત્નીએ ગ્રેડ પે અંગે ધરણાં પર બેસવા અરજી કરી હતી
તાજેતરમાં જ પોલીસકર્મીઓ અને તેમનાં પરિવારજનોના આંદોલનથી રાજ્ય સરકાર સમસમી ઊઠી હતી. જો કે પોલીસકર્મીઓના આંદોલન સામે રાજ્ય સરકાર ઝૂકી હતી અને કમિટીની નિમણૂંક કરી હતી. જો કે રાજ્ય સરકારે પોલીસકર્મીઓ સામે શિસ્તભંગનો કોરડો ઉગામી 229 પોલીસકર્મીઓની રાજ્યમાં બદલી કરી દીધી હતી. ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા જયદીપસિંહ દલપતસિંહ વાઘેલાની પત્નીએ પોલીસકર્મીઓના સમર્થનમાં ધરણાં પર બેસવા અરજી કરતા તેની કિન્નાખોરી રાખી પોલીસકર્મીની અરવલ્લી જિલ્લાના ઇસરી ખાતે બદલી કરી દેવાઈ હતી. પોલીસકર્મીએ તેની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા પોલીસવડાને અરજી આપી ન્યાયની માંગ કરી હતી.

સરકારે વચગાળાના પેકેજની જાહેરાત કરી
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે પગાર વધારાની ગેરંટી આપતાં જ ગુજરાત સરકારે વચગાળાના પોલીસના ઈન્ટરિમ પેકેજ માટે રૂપિયા 550 કરોડના પેકેજની જાહેરાત કરી છે. આ ભંડોળ મંજૂર કરતાં અગાઉ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકો પણ યોજાઈ હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો છે.સરકારે પેકેજ જાહેર કરતાં એ.એસ.આઇને 5,84,094 રૂપિયા પગાર મળશે. પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 4,16,000 રૂપિયા પગાર મળશે.પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 4,95,000 રૂપિયા પગાર મળશે. LRD જવાનોનો વાર્ષિક પગાર 3,47,250 રૂપિયા રહેશે.

આંદોલન કરી રહેલા પોલીસકર્મીઓની 23 માગ

 • રાજ્યના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ એએસઆઇનો ગ્રેડ-પે અન્ય રાજ્યોના પ્રમાણમાં ખૂબ જ ઓછા છે, જેના બદલે 2800, 3600 અને 4200 કરવામાં આવે. .
 • વર્ગ 3માં ગણતરી થતાં પોલીસ કર્મચારીઓને વર્ગ 3 મુજબ ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે.
 • પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે છે, પરંતુ જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે એ છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે, એમાં સુધારો પણ સરકાર દ્વારા કરવામાં આવે.
 • રાજ્ય સરકારના કર્મચારીઓ પોલીસના માણસો હોવા છતાં સરકારના અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના 10/20/30ના લાભો સામે પોલીસકર્મચારીઓને 12/24નું ધોરણ આપવામાં આવે છે. અગાઉ ત્રણ તબક્કામાં પગાર ધોરણ અપાતું હતું, પરંતુ હવે માત્ર બે તબક્કામાં પગાર ધોરણ અપાય છે, જે તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવે.
 • પોલીસકર્મચારીઓ માટે ખરીદવામાં આવતાં આર્ટિકલ્સની ગુણવત્તા સુધારવા ઉપરાંત હથિયારી અને બિનહથિયારી એક જ કેડર કરી દેવામાં આવે તેમજ ઓર્ડરલી પ્રથા બંધ કરીને અથવા એની અલગથી વર્ગ 4ની ભરતી કરવામાં આવે.
 • રાજ્યમાં પોલીસકર્મચારીને ચૂકવાતાં ભથ્થાંની રકમ જે છેલ્લાં ઘણાં વર્ષોથી વધારી નથી એ તાત્કાલિક અસરથી વધારવામાં આવે.
 • રાજ્યના પોલીસકર્મચારીઓને અમાનવીય રીતે તેમજ માનવ અધિકારોનું હનન મુજબ 8 કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે એમાં વધારાના કલાકો માટે અતિરિક્ત ચુકવણું કરવામાં આવે તેમજ ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી તમામ ઋતુ દરમિયાન શારીરિક સુરક્ષાનાં પર્યાપ્ત સાધનો ફાળવવામાં આવે.
 • હાલમાં જે રીતે અન્ય સરકારી વિભાગોનાં હિતોની રક્ષા માટે સંગઠનો બનાવવાનો અધિકાર છે એ મુજબ ગુજરાત પોલીસને પણ પોતાનું યુનિયન / સંગઠન બનાવવા અધિકાર આપવામાં આવે.
 • રાજ્યના પોલીસકર્મચારીઓ જ્યારે બહારનાં રાજ્યોમાં તપાસ અર્થે જતા હોય કે પછી બંદોબસ્ત માટે જતા હોય ત્યારે તેમને સુવિધાપૂર્ણ અતિરિક્ત ભથ્થાં અગ્રિમ રૂપથી તેમજ તેમના બેંક ખાતામાં સીધી જ જમા કરી આપવામાં આવે.
 • જ્યારે પણ કોઇ પોલીસકર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવે ત્યારે તેનો સસ્પેન્શન સમયગાળો નિશ્ચિત કરવામાં આવે.
 • SRPF પણ ગુજરાત પોલીસનો એક વિભાગ જ છે, માટે SRPF જવાનોને જિલ્લા મુજબ સ્થાયી કરવામાં આવે.
 • નવા પગારપંચ મુજબ રજા બિલ આપવું તેમજ એમાં જાહેર રજા પગાર બંધ ન કરવામાં આવે.
 • 8 કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક 1 કલાક મુજબ રૂ.100/- લેખે વધારાનું ભથ્થું આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 • પોલીસકર્મચારીને હજુ પણ દર માસે માત્ર રૂ.20/-નું સાઇકલ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ કરી નવું ન્યૂનતમ એલાઉન્સ દર માસે રૂ.500/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 • પોલીસકર્મચારીને દર માસે રૂ.25/- વોશિંગ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ કરી નવીન એલાઉન્સ દર માસે રૂ.1200/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 • હાલ ગુજરાત પોલીસકર્મચારીઓને દર માસે રૂ.400/-નું ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ કરી નવું એલાઉન્સ દર માસે રૂ.1500/- આપવું, જેમાં દર પાંચ વર્ષે આ રકમમાં વધારો કરવો.
 • અઠવાડિયા દરમિયાન કોઈપણ એક દિવસ નક્કી કરી એક વીકલી ઓફ એટલે કે રજા ફરજિયાત આપવી. જો અઠવાડિયા દરમિયાન કોઇ અગત્યનો બંદોબસ્ત હોય અને વીકલી ઓફ આપી શકાય એમ ન હોય તો બીજા સપ્તાહમાં બે વીકલી ઓફ આપવા. જ્યારે લોકડાઉન જેવી સ્થિતિમાં રજા પર પ્રતિબંધ હોય ત્યારે રાજ્યના પોલીસકર્મચારીઓને વીકલી ઓફ દરમિયાનનો એક દિવસ લેખે રૂ.1000/- ભથ્થું ચૂકવવું. જાહેર રજાના દિવસે વીકલી ઓફ આપવામાં આવે તોપણ નિયત કરેલા પગાર મુજબ રજા પગારકર્મચારીને આપો. એમાં પણ દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 • કર્મચારી સતત નોકરી કરતા હોવાને ભારણને પગલે પોલીસકર્મચારીઓ પોતાનાં બાળકોને અભ્યાસ પાછળ પૂરતો સમય નથી આપી શકતા, જેથી બાળકદીઠ ટ્યૂશન ફ્રી આપવી, જેમાં ધોરણ-1થી 5 સુધી અભ્યાસ કરતાં બાળકો માટે એક બાળકદીઠ રૂ.500/- તથા ધોરણ-6થી 9 સુધી અભ્યાસ કરતાં બાળકો માટે એક બાળકદીઠ રૂ.1000/- તથા ધોરણ-10થી 12 સુધી અભ્યાસ કરતાં બાળકો માટે એક બાળકદીઠ રૂ.1500/- દર માસે આપવા. જે ફક્ત બે બાળકો સુધી ટ્યૂશન ફ્રી મળવાપાત્ર રહે એવી વ્યવસ્થા ગોઠવી શકાય.
 • કર્મચારી સતત નોકરી તથા કામના ભારણને કારણે પોતાના સ્વાસ્થ્યની કાળજી નથી રાખી શકતા, જેથી સરકાર તરફથી દરેક કર્મચારીને રૂ.300000/- લાખ સુધીનો હેલ્થ મેડિકલેઇમ આપવો, જેમાં (કર્મચારી + પત્ની + બે બાળકો) નો સમાવેશ કરવો અથવા કર્મચારી દ્વારા જાતે રૂ.300000/- લાખ સુધીનો કોઇપણ કંપનીનો હેલ્થ મેડિકલેઇમ લેવામાં આવે તો સરકાર તરફથી કર્મચારીઓને હેલ્થ મેડિકલેઇમ પ્રીમિયમની 50% રકમ સરકાર દ્વારા ચૂકવવાની વ્યવસ્થા ગોઠવી શકાય.
 • રાજ્ય લેવલે વેલ્ફેર કપાત બંધ કરી જિલ્લા લેવલે વેલ્ફેર પોલીસમંડળ તૈયાર કરી એનું સંચાલન જિલ્લા પોલીસમંડળ દ્વારા કરવામાં આવે એ રીતે જોગવાઈ કરવી.
 • પોલીસકર્મચારીઓને વર્ષ દરમિયાન બે જોડી પોલીસ યુનિફોર્મ કાપડ આપવામાં આવે છે, જે યોગ્ય નથી પોલીસકર્મચારીને સતત નોકરીમાં પોલીસ યુનિફોર્મ પહેરવાનો હોવાથી ચાર જોડી યુનિફોર્મ કાપડ આપવું તેમજ તેની સિલાઈનો ખર્ચ એક યુનિફોર્મ મુજબ રૂ.1200/- લેખે ચૂકવવા.
 • પોલીસકર્મચારીઓને વર્ષ દરમિયાન બે જોડી પી.ટી.શૂઝ તથા એક જોડી બ્લેક કલરના કટબૂટ આપવામાં આવે છે, જે એકદમ હલકી ગુણવત્તાના હોય છે જેથી કર્મચારી પી.ટી.શૂઝ/બ્લેક કટબૂટ જાતે ખરીદી કરી શકે એવી જોગવાઈ કરી તેમજ વર્ષ દરમિયાન બે જોડી પી.ટી.શૂઝ ખરીદી માટે રૂ.2000/- તથા એક જોડી બ્લેક કલરનાં કટબૂટ ખરીદી માટે રૂ.2500/- દર વર્ષે ચૂકવવા.
 • પોલીસકર્મચારી ફિક્સ પગાર તાલીમ પૂરતો જ રાખવો, પોલીસકર્મચારીઓની તાલીમ પૂર્ણ થયેથી ફુલ પગાર ધોરણ આપવું.