તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ASI પુત્રી ગુમ કેસ:હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ થાય છે; તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે, કહીને સાસરિયાં સોનલને ત્રાસ આપતાં હતાં

અમદાવાદ14 દિવસ પહેલા
પરિણીતાની ફાઈલ તસવીર.
  • સોનલ ગઢવી બે પાનાંની સુસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગઈ હતી
  • પતિથી લઈ ઘરના તમામ સભ્યો સોનલને કોઈપણ રીતે ત્રાસ આપતા હતા
  • દીકરીના નામે મકાન લઈ આપો તો અમે ત્રાસ નહીં આપીએ કહીને મકાન પણ લીધું

અમદાવાદના નવા નરોડામાં રહેતા અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIની પુત્રી સોનલ ગઢવીની હજી સુધી કોઈ ભાળ મળી નથી. સોનલ ગઢવીએ બે પાનાંની સુસાઇડ નોટ અને પરિવારને સાસરિયાંના ત્રાસથી કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ઓડિયો-ક્લિપ મોકલી હતી. પાંચ દિવસથી શોધખોળ છતાં સોનલ મળી ન આવતાં પિતાએ તેના પતિ અને સાસરિયાં સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પિતાને સંબોધીને દીકરી મોકલેલી ઓડિયો-ક્લિપ બહાર આવી છે. એમાં સસરા હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ થાય છે, તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે કહી ત્રાસ આપતા હોવાનું કહ્યું છે.

ASIએ દીકરીના પતિ, સસરા સહિતનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી
સાસરિયાંના ત્રાસ અને પોલીસ ફરિયાદમાં મૃતકનાં સાસરિયાં સોનલને અવારનવાર માનસિક ત્રાસ આપતાં હતાં. પતિ મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ એવું કરવા મજબૂર કરતો હતો. મકાન નામે કરવા બાબતે પણ ત્રાસ આપી સસરા પોતે પીઆઇ હોવાથી બધા દાવપેચ જાણે છે અને એવો નિકાલ કરીશું કે અમારું નામ નહીં આવે તેવી રીતે ત્રાસ આપ્યો હતો. કૃષ્ણનગર પોલીસે પોલીસકર્મી સસરા પ્રતાપદાન ગઢવી સહિત 8 લોકો સામે શારીરિક-માનસિક ત્રાસ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પહેલાં મિસકેરેજ થયું પછી દીકરી જન્મતાં મહેણાંટોણાં માર્યાં
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અમદાવાદના નવા નરોડામાં કર્મશક્તિ પાર્ક સોસાયટીમાં રહેતા અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશદાન ગઢવીની પુત્રી સોનલ ગઢવીના 2007માં ધર્મેન્દ્રદાન ગઢવી સાથે કર્યા હતા. લગ્નમાં રીતરિવાજ મુજબ 40 તોલા સોનું અને રોકડા રૂપિયા આપ્યાં હતાં. સોનલ તેના પતિ, સસરા પ્રતાપદાન, સાસુ કૈલાસબેન, દિયર શૈલેષ, નણંદ મુન્ની ઉર્ફે મીનાક્ષી સહિત લોકો સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી. બે વર્ષ સુધી લગ્નજીવન સારું ચાલ્યું હતું. પ્રથમવાર ગર્ભવતી થતાં મિસકેરેજ થયું હતું, જેથી સાસરિયાંને ગમ્યું ન હતું. 2011માં ફરી ગર્ભવતી થતાં દીકરીનો જન્મ થયો હતો, જે સાસરિયાંને ગમ્યું ન હતું. સાસુ- સસરા પહેલા ખોળે દીકરો જોઈતો હતો કહી મેણાંટોણાં મારતાં હતાં. બીજી વાર દીકરાનો જન્મ થયા બાદ તેઓ કલોલ ખાતે રહેવા ગયા હતા, જ્યાં અવારનવાર તેની પાસે દહેજમાં સામાન માગવામાં આવતો હતો.

પતિએ ધંધો શરૂ કરતાં લાઈટબિલના પિયરથી 50 હજાર લાવવા મારઝૂડ કરતો
નણંદ અને નણદોઈ તેમજ બીજી નણંદ પણ તેઓ સાથે ત્યાં રહેવા ગયાં હતાં અને તેની પાસે નોકરાણી જેમ કામ કરાવતા હતા. તમામ ભેગા મળી માનસિક ત્રાસ આપતા હતા. બાદમાં તેઓ અમદાવાદના રામોલ ખાતે રહેવા આવ્યા હતા. સોનલના પતિ ધર્મેન્દ્રએ ધંધો શરૂ કર્યો હતો, જેમાં લાઇટ બિલના 50 હજાર રૂપિયા સોનલને લાવવાનું કહેતાં તેણે મારઝૂડ કરી હતી. સોનલને કાઢી મૂકતાં બંને બાળકોને લઈ પિયર જતી રહી હતી. થોડા દિવસ બાદ પતિ તેની બહેનને લઈ ઘરે આવ્યો હતો અને દીકરાને જબરદસ્તી લઈને જતો રહ્યો હતો. પાડોશીએ તેમને જાણ કરી હતી કે તમારો દીકરો તમારા વગર રહેતો નથી અને રડે છે જેથી દીકરા માટે 50 હજાર લઈ સાસરીમાં રહેવા ગઈ હતી.

દેરાણીને પણ સાસરિયાં માર મારી ત્રાસ આપતા
સાસરિયાં દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. તેની દેરાણીને પણ માર મારી ત્રાસ આપતા હતા, જેનો વિરોધ કરતાં તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસુ અને સસરાએ તમે તમારી દીકરીના નામે મકાન લઈ આપો તો અમે તેને હેરાન નહીં કરીએ તેવો વિશ્વાસ અપાવતાં ફરી સાસરીમાં મોકલી હતી. સૂર્યમ પ્રાઇડમાં રહેવા મોકલ્યા હતા, પરંતુ તેમણે માનસિક અને શારીરિક ત્રાસ ચાલુ રાખ્યો હતો. સમાજમાં ઈજ્જત રહે માટે તારા નામે મકાન લીધું છે અને મુન્નીના નામે મકાન કરવાનું છે કહેતા હતા. મારા પિતા પીઆઇ છે અને એક ભાઈના છૂટાછેડા થયા છે અને બીજા ભાઈના છૂટાછેડા ન થાય માટે તારા નામે મકાન લીધું છે, એમ નણંદ મુન્ની અને મનીષા સોનલને કહેતી હતી. પીઆઇ હોવાથી બધા દાવપેચ જાણે છે અને એવો નિકાલ કરીશું કે અમારા નામ નહીં આવે એવી રીતે કહેતા હતા.

સસરા એસીબીની ટ્રેપમાં પકડાયા તો અભાગણ તારાં પગલાં સારાં નથી એમ કહેતા
સસરા પ્રતાપદાન પીઆઇ કડીમાં હતા. ત્યારે તેઓ એસીબી ટ્રેપમાં પકડાયા હતા. જેથી તું અભાગણ છે અને તારાં પગલાં સારાં નથી કહી મહેણાંટોણાં મારતાં હતાં. ભાણીના ભણવાનો ખર્ચ પણ અમારી પાસેથી લેતા હતા. ધર્મેન્દ્રદાનને કોરોના થતાં તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સોનલને કોરોના વોર્ડમાં મોકલતાં ધર્મેન્દ્રને કંઈ થયું તો ઘરમાંથી કાઢી મૂકીશ. સાજા થવા માટે વાસણિયા મહાદેવ ખાતે ઉઘાડા પગે ચાલીને જવાની બાધા પણ રાખી હતી. સસરા પ્રતાપદાન પોતે હું પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું તેમ આખું પોલીસ સ્ટેશન કરે છે તો તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે કહી ગાળો આપતા હતા. પતિ ધર્મેન્દ્રદાન મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ એવું કરતા હતા.

દીકરીની કોઈ ભાળ ન મળતાં પોલીસ ફરિયાદ નોંધાવી
ધર્મેન્દ્રએ ઘર છોડી જતાં રહેતાં સાસુ અને સસરાએ ધમકી આપી હતી કે જો તેને કંઈ થયું તો છોડીશ નહીં. આ રીતે ત્રાસ આપતાં છેવટે કંટાળીને સોનલ પિયરમાં આવી ગઈ હતી. 15 જુલાઈના રોજ ઘર છોડી જતી રહી હતી. ઘરમાંથી બે પાનાંની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. બાદમાં ઓડિયો-ક્લિપ મોકલી સાસરિયાંના ત્રાસથી આપઘાત કરવા કેનાલ પડું છું, તેમ જાણ થતાં દૂધરેજ કેનાલ લોકેશન મળ્યું હતું. આજદિન સુધી સોનલ ગઢવીની ભાળ ન મળતાં તેના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તમામ સામે ફરિયાદ નોંધાવી છે.