વિરોધ:સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ સામે રાજસ્થાનના CM ગેહલોતનો વિરોધ, કહ્યું- 'ગાંધીજી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ ખતમ કરવા ઈચ્છે છે ભાજપ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ફાઈલ તસવીર
  • સાબરમતી આશ્રમમાં રૂ. 1200 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે
  • આશ્રમને તોડીને મ્યૂઝિયમ બનાવવાનો ગુજરાત સરકારનો નિર્ણય ચોંકાવનારો અને ખોટોઃ ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સાબરમતી આશ્રમના પુનઃવિકાસ યોજનાનો વિરોધ કર્યો છે. અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, સાબરમતી આશ્રમને તોડવાનો નિર્ણય ચોંકાવનારો છે. આ રાજકીય નિર્ણય લાગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને આ નિર્ણય પર ફરી એકવાર વિચાર કરવો જોઈએ. અશોક ગેહલોતે કહ્યું, સાબરમતી આશ્રમને તોડીને મ્યૂઝિયમ બનાવવાનો ગુજરાત સરકારનો નિર્ણય ચોંકાવનારો અને ખોટો છે.

'લોકો અહીં ગાંધીજીની સાદગી જોવા આવે છે ઈમારત નહીં'
ગેહલોતે કહ્યું, અહીં લોકો એ જોવા માટે આવે છે કે મહાત્મા ગાંધીએ પોતાની જિંદગી કેવી રીતે સાદગીમાં પસાર કરી. તેમણે કેવી રીતે સમાજના દરેક વર્ગને આઝાદીના આંદોલન સાથે જોડવાનું કામ કર્યું. તેમણે આ આશ્રમમાં પોતાની જિંદગીના 13 વર્ષ પસાર કર્યા હતા. સાબરમતી આશ્રમને તેમના સદ્ભાવ અને સમાવેશી વિચારો માટે ઓળખાય છે. ભારત અને દુનિયાથી આવનારા લોકો અહીં કોઈ વૈશ્વિક સ્તરની બિલ્ડીંગ જોવા નથી ઈચ્છતા. અહીં આવનારા લોકો સાદગી અને આદર્શોના કાયલ છે. આથી આજે પણ તેને આશ્રમ કહેવાય છે. કોઈ અહીં મ્યૂઝિયમ જોવા નથી ઈચ્છતા.

'ગાંધીજી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ ખતમ કરવા ઈચ્છે છે ભાજપ'
અશોક ગેહલોતે કહ્યું કે, સાબરમતી આશ્રમની પવિત્રતાને ખતમ કરવી બાપુનું અપમાન છે. આટલું જ નહીં તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, આ નિર્ણય રાજનીતિથી પ્રેરિત છે. ભાજપ સરકાર કદાચ ગાંધીજી સાથે જોડાયેલી દરેક વસ્તુ ખતમ કરવા ઈચ્છે છે. આવો કોઈપણ નિર્ણય ખોટો હશે અને આવનારી પેઢીઓ આ માટે તેમને માફ નહીં કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઐતિહાસિક આશ્રમને તોડતા રોકવો જોઈએ.

રૂ. 1200 કરોડના ખર્ચે આશ્રમનું રિડેવલપમેન્ટ
ગાંધીઆશ્રમને વૈશ્વિક વારસાની ધરોહર સમાન બનાવવાની નેમ સાથે સમગ્ર આશ્રમ સંકુલને 35 એકર વિસ્તારમાં રિડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે. આશરે રૂ. 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ લાયબ્રેરી ધરાવતા આ નવવિકસિત સંકુલની કામગીરીની દેખરેખ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી થઈ રહી છે. ગુજરાતના પ્રિન્સિપલ ચીફ સેક્રેટેરી કે. કૈલાશનાથનને આ માટેની સઘળી જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સંકુલના વિકાસ માટે રાજ્ય સરકારે બજેટમાં રુ. 50 કરોડની ફાળવણી પણ કરી છે.

આશ્રમના આસપાસના લોકોને સમજાવાઈ રહ્યા છે
ગાંધીઆશ્રમના વિકાસ માટે 35 એકર જમીનમાં સંકુલનો પ્લાન છે. કે. કૈલાશનાથનની આગેવાનીમાં રાજ્ય સરકારે ગઠિત કરેલી કમિટી હાલ ગાંધીઆશ્રમ આસપાસ વસવાટ કરનારા લોકો સાથે બેઠકો કરી રહી છે. આ લોકોને સમજાવટનો દૌર શરુ શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કૈલાશનાથને સ્થાનિક સાંસદને સાથે રાખી વન ટુ વન બેઠકો શરુ કરી કરી છે. આશ્રમની આસપાસના રહીશોને એ જ વિસ્તારમાં નવા આવાસો આપવાની ફોર્મ્યુલા મૂકવામાં આવી છે. એટલું જ નહીં, આશ્રમની પાછળના ભાગમાં આવાસો આપવાની ખાતરી પણ અપાઈ રહી છે.