બિગ બ્રેકિંગ:આ વર્ષે 'નાથ' નીકળશે નગરચર્યાએ, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સવારે 7 વાગ્યે નીકળી 12 વાગ્યે નિજમંદિરે પરત ફરશે

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • મોસાળ સરસપુરમાં 10 મિનિટનું જ રોકાણ, જનતા કર્ફ્યૂ વચ્ચે ફાસ્ટ ફોરવર્ડ મોડમાં રથ ખેંચવા 150 ખલાસી સજ્જ
  • બપોરે રથ પરત ફર્યા બાદ શહેરીજનો નિજમંદિરમાં રથ પર ભગવાન જગદીશ-બલભદ્ર-સુભદ્રાજીનાં દર્શન કરી શકશે
  • રથયાત્રા નીકળવાની આખી SOP DivyaBhaskar પર સૌથી પહેલા સવારે મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે

કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા મામલે આખરે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. આ વર્ષે ભગવાન જગદીશ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. દર વર્ષે રથયાત્રાના આયોજન સાથે સંકળાયેલી ઉચ્ચ સ્તરીય વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે DivyaBhaskarને આ માહિતી આપી છે. કોરોના મહામારીને લીધે ગત વર્ષે અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળી શકી નહોતી, પરંતુ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે એ નક્કી થઈ ગયું છે. આ મામલે સરકાર છેલ્લી ઘડીએ જાહેરાત કરી શકે છે. રથ નીકળે એ દરમિયાન રૂટ પરના વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ લાદવાની પણ વિચારણા છે.

રથયાત્રા નીકળશે, પણ ટ્રકો-અખાડા-ભજનમંડળી નહીં જોડાય
ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જોકે આ વર્ષે પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે. DivyaBhaskar પાસે રથયાત્રાને નીકળવાને લઈ અંગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. જોકે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જોડાય.

જમાલપુરથી 2 કલાકમાં ભગવાન મોસાળ સરસપુર પહોંચશે
ઉચ્ચ સ્તરીય સૂત્રોએ DivyaBhaskarને જણાવ્યું હતું કે આ વર્ષે 144મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે, પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઊભી રાખવામાં નહીં આવે. ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. 10 જુલાઈના રોજ યોજાનારી ધ્વજારોહણ વિધિ અને નેત્રોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે.

બપોરે 11 વાગ્યાની આસપાસ રથ સરસપુર ખાતે પહોંચશે.
બપોરે 11 વાગ્યાની આસપાસ રથ સરસપુર ખાતે પહોંચશે.

સરસપુરમાં 10 મિનિટ રથ રોકાશે, મામેરું અર્પણ કરાશે
રથ સરસપુર પહોંચ્યા બાદ દર વર્ષથી જેમ મહાજમણવાર નહીં થાય અને ભગવાન 10 મિનિટ જેટલું જ રોકાણ કરશે. મામેરાની વિધિ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવશે. સરસપુર ખાતે ભગવાનને મામેરું અર્પણ કરી તરત જ રથ રવાના કરી દેવામાં આવશે. બપોરે 12થી 1 વાગ્યાની આસપાસ રથ નિજમંદિરે પરત પહોંચી જશે. બપોર બાદ મંદિરમાં લોકો રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરી શકશે. મંદિરે તમામ દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને ગાઇડલાઇન્સ મુજબ દર્શન કરશે.

પરંપરા મુજબ લોકોને મગ-જાંબુનો પ્રસાદ અપાશે
જોકે પરંપરા અનુસાર, રથયાત્રામાં લોકોને મગ-જાબુંનો પ્રસાદ પણ આપવામાં આવશે. મર્યાદિત લોકોની હાજરીમાં જ રથયાત્રા યોજાય એવી પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મહંત સાથે રથયાત્રાને લઈ દરરોજ ચર્ચા કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજયમંત્રી સહિતના નેતાઓને આમંત્રણ પણ આપવામા આવશે.

મંદિરમાં મગનો પ્રસાદ સ્વીકારવાનું શરૂ કરી દેવાયું
જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા મામલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં રથયાત્રા નિમિત્તે મગનો પ્રસાદ સ્વીકારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકો દ્વારા મંદિરમાં પ્રસાદમાં મગ આપવામાં આવી રહ્યા છે. મંદિરનાં સૂત્રો મુજબ રથયાત્રામાં ત્રણેય ભગવાનના રથ ખેંચવા માટે ખલાસીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. જે ખલાસીઓએ વેક્સિન લઈ લીધી છે તેમના લિસ્ટ મગાવવામાં આવ્યા છે.

એક રથ સાથે 40 ખલાસી, તમામ 150 ખલાસી વેક્સિનેટેડ
એક રથ સાથે માત્ર 40 ખલાસી હાજર રહેશે, જેને લઈ ખલાસીઓનું લિસ્ટ પણ મગાવવામાં આવ્યું છે. 150 જેટલા ખલાસીઓને જ હાજર રાખવામાં આવશે. આ તમામ 150 ખલાસી એવા હશે, જેમને વેક્સિનેટેડ કરી દેવાયા હશે. રથયાત્રા પહેલાં મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને જગન્નાથ મંદિરમાં સેવા આપતા મોટા ભાગના સેવકોએ વેક્સિન લઈ લીધી છે. રથયાત્રા પહેલાં જોડાનારા સેવક- સ્વયંસેવકોએ વેક્સિન લેવાની રહેશે, જેના માટે જગન્નાથ મંદિર પરિસરમાં પણ વેક્સિનનો કેમ્પ લગાવવામાં આવ્યો છે.

રથ નીકળે એ દરમિયાન જનતા કર્ફ્યૂ લાદવાની વિચારણા
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ પણ તૈયારી કરી રહી છે. એક મહિનાથી પોલીસ દ્વારા રથયાત્રાના સંભવિત પ્લાન માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ કર્ફ્યૂ, જનતા કર્ફ્યૂ અને સામાન્ય રથયાત્રા પર વિચાર કરી રહી છે અને કોઇપણ સંજોગોમાં રથયાત્રા નીકળે એ માટે પ્લાન અને વિચારણા હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ફલેગ માર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. એની સાથે માથા ભારે તત્ત્વોની અટકાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા રથયાત્રાના માર્ગમાં આવતાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ પણ હાથ ધરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.