જામીન અરજી:આસારામ અને પુત્ર નારાયણ સાંઈએ દુષ્કર્મ કેસમાં જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • જામીન અરજી મુદ્દે હાઈકોર્ટે જોધપુર સેન્ટ્રલ જેલ ઓથોરિટીને પાર્ટી બનાવવા આદેશ કર્યો
  • આસારામના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અને સ્વાસ્થ્યની વિગતો રજૂ કરવા હાઈકોર્ટે જણાવ્યું

ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં રેપના આરોપને લઇ ચર્ચાસ્પદ એવા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી છે. હાલ આસારામ રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં છે. જેથી આસારામની જામીન અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે જોધપુર સેન્ટ્રલજેલ ઓથોરિટીને પાર્ટી બનાવવા આદેશ કર્યો છે. સાથે સાથે આસારામના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અને તેના સ્વાસ્થ્ય અંગેની વિગતો પણ રજૂ કરવા માટે કહ્યું છે.

હાઈકોર્ટમાં જૂન મહિનાનો હેલ્થ રિપોર્ટ રજૂ કરાયો હતો
ગાંધીનગર ખાતે આસારામ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં રેગ્યુલર જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વર્ષ 2013ના ઓક્ટોબરમાં અરજદાર આસારામની ધરપકડ કરવામાં આવી હતી. જોકે હાલ તેની ઉંમર 82 વર્ષ થઈ છે. જેથી તેમના વર્ષના જૂન મહિનાના હેલ્થ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે તેમના લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.

આરોગ્યના આધાર માનીને જામીન અરજી કરી છે
દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા રેપ કેસમાં આસારામ છેલ્લા આઠ વર્ષથી જેલમાં છે, જેથી તેના આરોગ્યની બાબતને આધાર માની જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ સમક્ષ આસારામના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, કોવિડ પછી ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ છે. જેલના સમય દરમિયાનમાં કેટલીક વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આસારામના વકીલ મારફતે એ પણ દલીલ રજુ કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે જો કોઇ આરોપી આઠ વર્ષ સુધી જેલમાં રહ્યો હોય, તેના આધારે પણ તેને જામીન આપી શકાય. આ મામલે હવે આગામી 26 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

નારાયણ સાંઈએ કામચલાઉ જામીનની અરજી પરત ખેંચી
આસારામના દીકરા નારાયણ સાંઈએ પણ કામચલાઉ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે નારાયણ સાંઈ ફર્લોની બાબત સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી બેલ એપ્લિકેશન પરત ખેંચવામાં આવી છે. નારાયણ સાંઈએ પોતાની બેલ એપ્લિકેશનમાં એ તર્ક રજૂ કર્યો હતો કે, ગુજરાત અને રાજસ્થાન સહિત અંદાજે 400 જેટલી ગૌશાળા છે જેના વહીવટ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે તેને બે મહિના માટે જામીન આપવામાં આવે.