ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે ડિસેમ્બરમાં નહીં પણ વહેલી આવશે તે લગભગ નક્કી છે. આ માટે કેટલાક તાર્કિક કારણો છે, જેમકે યુપીના વિજય બાદ તુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં લાગલગાટ બે દિવસમાં ત્રણ રોડ શો, બે દિવસના રોકાણમાં કમલમની મિટિંગમાં કરેલી સૂચક ટકોરો વગેરે... પરંતુ સૌથી મોટું લોજિક તો ત્રણ મહિનાથી ખાલી પડેલી ઉંઝા વિધાનસભા બેઠકને અન્ય રાજ્યોની પેટાચૂંટણી સાથે નહીં ભરવાનો ચૂંટણીપંચનો નિર્ણય છે.
આસનસોલ લોકસભા, ચાર વિધાનસભા બેઠકની 12 એપ્રિલે પેટાચૂંટણી
બાબુલ સુપ્રીયોએ ભાજપ સાથે ડખો થતાં ગત ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. તદુપરાંત બંગાળની બેલીગંજ, છત્તીસગઢની ખૈરાગઢ, બિહારની બોચાહા અને મહારાષ્ટ્રની કોલ્હાપુર નોર્થ બેઠક પરના ધારાસભ્યોના નિધનને પગલે ગત નવેમ્બરથી આ બેઠકો ખાલી છે. આ તમામ બેઠકો માટેની પેટાચૂંટણી 12 એપ્રિલે યોજાવાની છે.
નિયમ મુજબ ખાલી બેઠક છ મહિનામાં ભરવી પડે
સામાન્ય રીતે ચૂંટણી પંચના નિયમ મુજબ જ્યારે કોઈ પણ બેઠક ખાલી પડે ત્યારે છ માસની અંદર તે બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ કરવાની હોય છે. અલબત્ત, આમાં અપવાદ માત્ર એટલો છે કે, જે-તે બેઠક ખાલી પડે અને તેની છ મહિનાની મુદત પૂર્ણ થાય તે પહેલાં તે રાજ્યની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હોય તો આ બેઠકની પેટાચૂંટણી કરવામાં આવતી નથી. આ બાબત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ વહેલી યોજાવાનો તર્ક આપવા પર્યાપ્ત છે.
ઉંઝાની બેઠક 12 જૂન પહેલાં ભરવી પડે
આ નિયમ મુજબ જોઈએ તો ઉંઝા વિધાનસભા બેઠક, જે ત્રણ મહિનાથી ખાલી છે તેને પણ છ મહિનામાં ભરવી પડે. ઉંઝાના ધારાસભ્ય આશાબહેનનું ગત 12 ડિસેમ્બરે નિધન થયું હતું અને આ રીતે આ બેઠક 12 જૂન, 2022 પહેલાં ભરવી પડે. હવે તે પહેલાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી થવાની હોય તો જ પેટાચૂંટણી કરવી ફરજિયાત બનતી નથી. કદાચ આ કારણથી જ ચૂંટણીપંચે દેશના બીજા રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણી સાથે ઉંઝાની પેટાચૂંટણી જાહેર કરી નથી.
લાંબી બિમારી બાદ આશાબહેનનું નિધન થયું હતું
આશાબેન પટેલનું 12 ડિસેમ્બર, 2021ના રોજ ડેન્ગ્યુ અને મલ્ટીપલ ઓર્ગન ફેલયોરના કારણે દુઃખદ અવસાન થયું હતું. જેથી છેલ્લા ત્રણ મહિનાથી આ બેઠક ખાલી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની છે, તેથી હાલમાં ચૂંટણી પંચે વિવિધ રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી તેમાં ઉંઝા બેઠકની પેટાચૂંટણી જાહેર કરવી પડે તેમ હતું. પરંતુ આવું ન થવાથી એક એવું પણ રાજકીય ગણિત બેસાડવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.