તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લુઝિવ:અમદાવાદના હંસપુરાના સ્મશાનમાં છત નહીં હોવાથી ચોમાસામાં ગ્રામજનો વાંસના ટેકા પર તાડપત્રી બાંધીને મૃતદેહનો અગ્નિસંસ્કાર કરે છે

અમદાવાદ22 દિવસ પહેલા
સ્મશાનને વિકસાવવામાં તંત્ર નિરસ
  • 75 વર્ષ જુના સ્મશાન આસપાસ કરોડોની રહેણાંક સ્કીમ ઉભી થઈ ગઈ, પણ તંત્ર સ્મશાનને રીપેર નથી કરતું.
  • નરોડાના ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ હંસપુરામાં રહે છે છતાં કહે છે કે મેં આ સ્મશાન જોયું જ નથી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા પાસે આવેલા હંસપુરા ગામમાં કોર્પોરેશનના પ્લોટમાં 75 વર્ષ જુના સ્મશાનમાં મૃતદેહ બાળવા ચિતા પણ નથી. કોર્પોરેશન દ્વારા સ્મશાનને નવું બનાવી ડેવલોપ કરવાની જગ્યાએ ત્યાં અત્યારે તળાવ બની ગયું છે.સ્મશાનની આસપાસમાં કરોડો રૂપિયાની રહેણાંક સ્કીમો અને જમીનોના ભાવ ઉચકાતાં બિલ્ડર લોબી દ્વારા ભાજપના જ સ્થાનિક કોર્પોરેટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પોલીસની મદદ લઇ સ્મશાનમાં ચિતા માટે અને શેડ પ્રકારનું બાંધકામ કરેલુ તોડી દેવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંસપુરા સ્મશાન બનાવતું નથી અને આજે ચોમાસાનો સમય છે અને જો ગામમાં કોઈ મૃત્યુ થાય તો ખુલ્લામાં ચાલુ વરસાદમાં ચાર પાયા પર તાડપત્રી રાખી મૃતદેહને અગ્નિદાહ આપવો પડે છે.

વરસાદના સમયમાં હાલાકીનો સામનો કરવો પડે છે
હંસપુરા ગામના રણજિતસિંહ ઠાકોરે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હંસપુરા ગામનું 1947માં સ્મશાન બંધાયું હતું. જૂન મહિનામાં કોર્પોરેશનના અધિકારીઓએ સ્મશાનમાં કરેલું શેડ માટેનું બાંધકામ પોલીસની મદદ લઇ તોડી નાખવામાં આવ્યું છે. સ્મશાનના આસપાસના વિસ્તારમાં કરોડો રૂપિયાની રહેણાક ફ્લેટની સ્કીમો બિલ્ડરો દ્વારા મૂકવામાં આવી છે. જેથી બિલ્ડરોને તે સ્મશાન બનવા દેવામાં રસ નથી.આ મામલે તેઓ આગળ રજુઆત કરશે અને નહિ થાય તો કોર્ટ કાર્યવાહી પણ કરવા તૈયાર છે. અમે હજુ પણ અમારા સ્મશાનમાં જ અંતિમવિધિ કરીએ છીએ. જો કે, વરસાદના સમયમાં હાલાકીનો સામનો કરવો પડે છે.

સ્મશાનમાં છત અને ચિતા પણ નથી
સ્મશાનમાં છત અને ચિતા પણ નથી

ભાજપના કોર્પોરેટર કહે છે મને સ્મશાનની ખબર જ નથી
રણજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે નરોડાના કોર્પોરેટર વિપુલભાઈ પટેલ (સોમભાઈ) ને અમે રજુઆત કરી હતી. તેઓ પોતે હંસપુરા ગામના રહેવાસી છે. પરંતુ એતો એવું કહે છે કે મેં તો સ્મશાન જોયું જ નથી. વિપુલભાઈ (સોમભાઈ) એ તો એટલે સુધી કહ્યું કે સ્મશાન અહીંયા બનાવશો જ નહીં. બીજું કંઈ જોઈતું હોય તો કહો. અન્ય કોર્પોરેટરોને રજુઆત કરી પરંતુ કોઈ સાંભળતું નથી. સ્મશાન ન બનવા દેવા માટે તેઓને પૈસા આપ્યા હોય શકે માટે જ અમને મદદ કરતા નથી અને પોલીસ પ્રોટેકશન સાથે આવી બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું.

સ્મશાન માટે સરકારે જમીન ફાળવી હતી
હંસપુરા ગામ નજીક આવેલી જમીનને સરકારે સ્મશાન માટે ફાળવણી કરવામાં આવી હતી. ગામમાં મૃત્યુ થાય તો આ હંસપુરા મુક્તિધામમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવતો હતો. વર્ષ 2018માં સ્મશાનનું માળખુ જર્જરિત થઇ ગયું હતું. જેથી ગામના લોકોએ કોર્પોરેશનમાં તેનું રિનોવેશન કરવા માટે અરજી કરી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી કોર્પોરેશને કોઈ બાંધકામ કર્યું ન હતું. જેથી ગામના આગેવાનોએ આ મામલે કોર્પોરેશનમાં અરજી કરી હતી. પરંતુ તેમને કોઇ જ જવાબ મળ્યો ન હતો. ​​​કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત છતા તેઓએ સ્મશાન બનાવડાવ્યું ન હતું.

સ્મશાનની આસપાસ ઝાડી ઝાંખરા અને તળાવ બની ગયું છે
સ્મશાનની આસપાસ ઝાડી ઝાંખરા અને તળાવ બની ગયું છે

સ્મશાનને વિકસાવવા માટે કોર્પોરેશનને કેમ રસ નથી
હંસપુરા ગામ પાસે આવેલા આ સ્મશાનને વિકસાવવા માટે કોર્પોરેશનને કેમ રસ નથી તેના પર સવાલ ઉભા થયા છે. સ્થાનિક કોર્પોરેટર વિપુલ પટેલ (સોમભાઈ) પોતે હંસપુરાના હોવા છતાં તેઓ કેમ આ સ્મશાનનો વિકાસ થાય તેમાં રસ નથી લેતા ? સ્થાનિક સૂત્રોના મુજબ આસપાસની જમીન પર હવે બિલ્ડર લોબી સ્કીમો બનાવી રહી છે અને જો મોટું સ્મશાન બને તો મકાન ન વેચાય જેથી સ્થાનિક કોર્પોરેટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ બિલ્ડરો સાથે મળી ગયા છે અને તેઓ આ સ્મશાન બને તેમાં રસ દાખવતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ પણ આ બાબતે અંગત રસ લઈ સ્મશાન બને તે માટે પ્રયત્ન કરવા જોઈએ.