ગુજરાત યુનિવર્સિટીમાં ડીગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી હતી, જેનો NSUI દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ગઈકાલે પણ NSUIએ વિરોધ કરીને યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી. ત્યારે આજે કુલપતિ આવતાં જ તેમની પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. કુલપતિને ઉપર જતા અટકાવ્યા હતા, એ બાદ પોલીસની મદદથી કુલપતિ ઉપર ગયા હતા.
સિન્ડિકેટ સભ્યોએ પોતાના મળતિયાઓને કામ આપ્યુંઃ NSUI
ખાનગી એજન્સીને કામ સોંપ્યું છતાં તે દ્વારા વધુ પૈસા લઈને સમયસર કામ કરવામાં આવતું ના હોવાનો NSUIનો આક્ષેપ છે. પોતાના માળતિયાઓને સિન્ડિકેટ સભ્યોએ કામ અપાવ્યાનો આક્ષેપ છે અને એ માટે જ NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલની તાળાંબંધી બાદ આજે ફરીથી NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. 100થી વધુ કાર્યકરો યુનિવર્સિટી ટાવરમાં નારાબાજી કરી રહ્યા હતા.
કુલપતિએ સીડી પરથી નીચે ઊતરવું પડ્યું
આ દરમિયાન કુલપતિ હિમાંશુ પંડ્યા યુનિવર્સિટી ટાવર પહોંચતાં NSUIના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. કુલપતિ આવતાં જ દલાલ VCના નારા સાથે કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સીડીમાં ચઢેલા કુલપતિએ સીડી પરથી નીચે ઊતરવું પડ્યું હતું. અંતે પોલીસની મદદથી કોર્ડન કરીને કુલપતિની યુનિવર્સિટીની અંદર લઈ જવામાં આવ્યા હતા.
નકલી નોટો કુલપતિ ઉપર ઉડાવી વિરોધ કર્યો
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ નજીવા દરે વેરિફિકેશન કામ થતું જ હતું, પરંતુ ખાનગી એજન્સીને કામ સોંપીને વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા છે, તેથી અમે આજે નકલી નોટો કુલપતિ ઉપર ઉડાવી વિરોધ કર્યો છે. ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે એમાં સિન્ડિકેટ સભ્યો અને કુલપતિનો ભાગ છે, ના હોય તો એજન્સી પાસેથી કામ લઈ લેવું જોઈએ.
વિરોધનું મૂળ કારણ શું છે?
ગુજરાત યુનિવર્સિટીનું ડીગ્રી તથા માર્કશીટ વેરિફિકશનથી લઈને પ્રોવિઝનલ સર્ટિફિકેટનું કામ ખાનગી કંપનીને સોંપવાનો ઠરાવ કરાયો હતો, પરંતુ એમાં ચોંકાવનારી વાત એ હતી કે એ બધાં સર્ટિફિકેટના ચાર્જીસમાં 500થી 1000% સુધીનો વધારો ઝીંકી દેવાયો હતો. જોકે ત્યારે દિવ્ય ભાસ્કરે રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીમાં આ પ્રકારની કામગીરીની ફીની તપાસ કરી હતી, એમાં સાવ જુદું જ ચિત્ર જોવા મળ્યું હતું. હકીકતમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારનાં સર્ટિફિકેટ અને વેરિફિકેશન માટે માંડ 50થી 300 રૂપિયા જેવી મામૂલી ફી છે, જેમાં સૌથી ઓછું ફી માળખું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે અને ત્યાં તો 15 વર્ષથી કોઈપણ પ્રકારનો વધારો પણ કરાયો નથી. માત્ર ગુજરાત યુનિવર્સિટી જ હવે મિનિમમ રૂ. 400થી લઈ રૂ. 750 સુધીના કર્યા હતા, જેથી આ સમગ્ર મામલે વિરોધ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.