હજુ ગરમીથી રાહત નહીં:શહેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચતા અમદાવાદીઓ ત્રાહીમામ પોકારી ગયા, હજુ બે દિવસ રેડ એલર્ટ

અમદાવાદ14 દિવસ પહેલા
ફાઈલ તસવીરો
  • 13 અને 14 મે સુધી શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

અમદાવાદમાં હજુ પણ આગામી બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ હજુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની સંભાવના છે. 13 અને 14 મે સુધી શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને AMCએ પણ શહેરીજનોને સાવચેત કર્યા છે.

અમદાવાદમાં સતત બીજા દિવસે 46 ડિગ્રીથી વધુ તાપમાન
ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે. ગઈકાલે જ અમદાવાદમાં તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું હતું. ખાનગી વેધર વેબસાઈટ મુજબ, અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો 46 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે આવતીકાલથી બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રીથી વધુ જ રહેવાનો અંદાજ છે. આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ત્રણ દિવસ બાદ આવી ગરમીથી આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.

પવનની પેટર્ન બદલાતાં ફરી ગરમી
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

અમદાવાદમાં નોંધાયેલું આજનું તાપમાન
અમદાવાદમાં નોંધાયેલું આજનું તાપમાન

ગરમી સામે શું કાળજી રાખવી​

* વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું

* લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં

* ઠંડકવાળાં સ્થળો પર સમયાંતરે આરામ કરવો

* નાનાં બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું

* અતિશય ગરમીના લીધે લૂ (હીટ સ્ટ્રોક) લાગવાનાં લક્ષણો

ગરમીની અસર

* ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી

* માથામાં દુખાવો, ચક્કર આવવા

* ચામડી લાલ - સૂકી અને ગરમ થઇ જવી

* સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી

* ઉબકા અને ઊલટી થવી

અન્ય સમાચારો પણ છે...