બોર્ડની પરીક્ષામાં 6 કોપી કેસ નોંધાયા:અમદાવાદમાં વિદ્યાર્થી ગભરામણના કારણે પરીક્ષા ખંડમાં બેભાન, રાજકોટમાં પેપર અધૂરા રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો હોબાળો

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મેથ્સ વિષયનું પેપર પ્રમાણમાં સહેલું રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. મેથ્સનું પેપર ધાર્યા પ્રમાણે અનુકૂળ રહ્યું હોવાનો વિદ્યાર્થીઓનો મત છે. મેથ્સ મહત્ત્વનો વિષય હોવાથી પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓના વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. હવે આવતીકાલે ધોરણ 10માં બેઝિક મેથ્સનું પેપર લેવાશે. જો કે, રાજકોટમાં ભરાડ સ્કૂલમાં સપ્લીમેન્ટરી મોડી આવતા વિદ્યાર્થીઓના પેપર અધૂરા રહી ગયા હતા. આથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલ બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો. તો બીજી તરફ અમદાવાદના સી.એન. વિદ્યાલયમાં ફક્ત એક વિદ્યાર્થી માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવતા આખા પરીક્ષા કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થી ગભરામણના કારણે બેભાન
અમદાવાદના મણીનગરની સ્કૂલમાં 12 સાયન્સનો વિદ્યાર્થી ગભરામણના કારણે બેભાન થયો હતો જેને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 3 વાગે પેપર શરૂ થયું અને 4 વાગે વિદ્યાર્થીની તબિયત ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડીને પેપર ક્લોઝ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીએ 1 કલાક સુધી પરીક્ષા આપી હતી ત્યારબાદ તકલીફ થઇ હતી.

વિદ્યાર્થીને પુરવણી ન મળતા 10 મિનિટ રાહ જોવી પડી
નિકોલની પંચામૃત સ્કૂલમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને વધારાની પુરવણી જરૂર હોવાથી માંગતા ગણિતના પેપરના કારણે વર્ગમાં પુરવણી પૂરી થઈ ગઈ હતી, જેથી 5થી 10 મિનિટ જેટલો સમય વિદ્યાર્થી રાહ જોવી પડી હતી જેને લઇને વાલીએ રજૂઆત પણ કરી હતી. પરંતુ વિદ્યાર્થીનો જેટલો સમય બગડ્યો તેટલો વધારાનો સમય પણ પરીક્ષા બાદ આપવામાં આવ્યો હતો.

કેમેસ્ટ્રીના પેપરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા
ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેઓર હતું જેમાં રાજ્યભરમાં 81954 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 81430 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસના પેપરમાં 42705 વિદ્યાર્થીઓમાંથી 41566 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રના પેપરમાં 214201 વિદ્યાર્થીઓમાંથી 211499 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 12 સાયન્સના કેમેસ્ટ્રીના પેપરમાં 125223 વિદ્યાર્થીઓમાંથી 123508 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

બોર્ડની પરીક્ષામાં 6 કોપી કેસ નોંધાયા
આ ઉપરાંત આજે બોર્ડની પરીક્ષામાં અલગ અલગ જિલ્લામાં 6 કોપી કેસ નોંધાયા હતા. 12 કોમર્સના આંકડાશાસ્ત્રના પેપરમાં અમદાવાદમાં નારણયગુરુ સ્કૂલમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે રાખીને પરીક્ષા આપી રહ્યો હતો જેની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત12 સામાન્ય પ્રવાહમાં પાટણ ખાતે એક, જૂનાગઢ ખાતે 2 કોપી કેસ નોંધાયા છે. જ્યારે 12 સાયન્સમાં સુરત અને વડોદરા ખાતે 1-1 કોપી કેસ નોંધાયો છે.

5 માર્ક કરતાં વધુ માર્કનું પેપર છૂટી ગયું
આજની પરીક્ષામાં બોર્ડની વ્યવસ્થાના અભાવના કારણે રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમય ઓછો પડતા પેપર અધૂરું મૂકવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો. આગામી સમયમાં અન્ય પરીક્ષામાં આવું ન થાય તેવી માગ કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, 5 માર્ક કરતાં વધુનું પેપર છૂટી ગયું છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ વ્યથા ઠાલવી.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ વ્યથા ઠાલવી.

અમને એક્સ્ટ્રા સમય આપવામાં આવ્યો નહોતો
રાજકોટની ભરાડ સ્કૂલમાં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિની એન્જલ તલાવિયાએ જણાવ્યું હતું કે, આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હતું. આજે સમસ્યા એ થઈ હતી કે, સપ્લીમેન્ટરી અમે માગી પણ 10થી 15 મિનિટ મોડી આવી હતી. આથી અમારે આટલી વાર બેસવાનો વારો આવ્યો હતો. અમને એક્સ્ટ્રા સમય આપવામાં આવ્યો નહોતો. અમને એવું કહેવામાં આવ્યું હતું કે, સરકાર તરફથી જ આ સમસ્યા હતી, એમાં કાંઈ એક્સ્ટ્રા સમય ન આપી શકીએ. અમારી એક જ માગ છે કે હવે બીજા પેપરમાં આવું ન થાય.

સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો કર્યો.
સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો કર્યો.

8થી 10 વખત ફોન કર્યા ત્યારે સપ્લીમેન્ટરી આવી
આ મામલે ભરાડ સ્કૂલના સંચાલક જતીન ભરાડે જણાવ્યું હતું કે, બોર્ડના નિયમ મુજબ શાળાના ટ્રસ્ટીઓ કેન્દ્ર પર હાજર રહી શકતા નથી, માટે હું ત્યાં હાજર નહતો. પરંતુ સમગ્ર હકીકત જાણવા મેં સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, અમારી શાળામાં કુલ 270 વિદ્યાર્થીઓ 9 ક્લાસરૂમમાં પરીક્ષા આપી રહ્યા છે. આજે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા હતી, પ્રથમ 100 સપ્લીમેન્ટરી આવી હતી, એ પછી બીજી સપ્લીમેન્ટરી માટે 8થી 10 વખત ફોન કરવામાં આવ્યા બાદ સપ્લીમેન્ટરી આવતા વિદ્યાર્થીઓએ 10થી 15 મિનિટ બેસવું પડ્યું હતું.

વેદાંત પટેલ નામનો દિવ્યાંગ વિદ્યાર્થી એક માત્ર પરીક્ષા આપનાર વિદ્યાર્થી
વેદાંત પટેલ નામનો દિવ્યાંગ વિદ્યાર્થી એક માત્ર પરીક્ષા આપનાર વિદ્યાર્થી

આખા પરીક્ષા કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી
આજે ધોરણ 10ની બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા દરમિયાન અમદાવાદના સી.એન. વિદ્યાલયમાં ફક્ત એક વિદ્યાર્થી માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી. એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતનો વિષય રાખતા હોય છે. ત્યારે વેદાંત પટેલ નામનો દિવ્યાંગ વિદ્યાર્થી સી.એન. વિદ્યાલયમાં એક માત્ર સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપનાર વિદ્યાર્થી હતો. સ્ટાન્ડર્ડ ગણિત અઘરું હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. ત્યારે વિદ્યાર્થીઓને નજીકના કેન્દ્રમાં પરીક્ષા આપવા મળે તેના માટેનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવતું હોય છે. જેને લઇને એક જ વિદ્યાર્થીને કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. વિદ્યાર્થી માટે બોર્ડનો પાંચથી વધુનો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ ફાળવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતના રાજ્યભરમાં 81 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના સી.એન વિદ્યાલય કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ ગણિતની પરીક્ષા આપી, પાંચથી સાત કર્મચારીઓનો સ્ટાફ તૈનાત

ધ્રુવાશ
ધ્રુવાશ

સંપૂર્ણ પેપર ટેક્સબુક બેઝ જ હતુંઃ આર્ય
પેપર આપ્યા બાદ ધ્રુવાશ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આજનું પેપર ધાર્યા કરતાં સરળ હતું. પેપર થોડું લાંબું હતું, પરંતુ પૂરતા સમયમાં પૂરું થઈ ગયું હતું. પેપર બુકમાંથી જ પુછાયું હતું. મારે A ગ્રુપ લેવું છે માટે મેં સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હતું. આ સાથે આર્ય નામના વિદ્યાર્થી જણાવ્યું હતું કે, પેપર સરળ હતું. તૈયારી પણ સારી કરી હતી, જેથી પેપર સરળ જ લાગ્યું હતું. સંપૂર્ણ પેપર ટેક્સબુક બેઝ જ હતું, જેથી અઘરું જરાય ના લાગ્યું.

આર્ય
આર્ય

સાયન્સમાં A ગ્રૂપ રાખવા સ્ટાન્ડર્ડ ગણિત જરૂરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજે ધોરણ 10મા સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા હતી, જે પૂર્ણ થઈ ગઇ છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 11મા સાયન્સમાં A ગ્રૂપમાં અભ્યાસ કરવો હોય તેમના માટે સ્ટાન્ડર્ડ ગણિત રાખવું પડતું હોય છે. ધોરણ 10 માટે ગણિતનું પેપર મહત્ત્વનું ગણાય છે. બેઝિક ગણિત કરતાં સ્ટાન્ડર્ડ ગણિત અઘરું હોય છે, જેથી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓમાં થોડી નર્વસનેશ જોવા મળી હતી. પરંતુ પેપર ટેક્સબુક બેઝ અને સરળ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ રાજકોટની ભરાડ સ્કૂલમાં ધો.10ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી 10-15 મિનિટ મોડી આવી, વિદ્યાર્થીઓએ કહ્યું- 5 માર્ક કરતાં વધુનું પેપર છૂટી ગયું

પેપર સરળ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી
પેપર સરળ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી

મારે 11 સાયન્સમાં A ગ્રૂપ લઈને અભ્યાસ કરવો છેઃ ભાવસાર નિમી
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ભાવસાર નિમી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર છે, માટે તૈયારી ખૂબ જ કરી છે. અમુક જ લોકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે. કારણ કે લોકોને લાગે છે કે, મેથ્સ હાર્ડ છે. મેથ્સમાં રોકડિયા માર્ક્સ કવર કરી શકાય તે માટે જ મેં સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે. મારે ભવિષ્યમાં 11 સાયન્સમાં A ગ્રૂપ લઈને અભ્યાસ કરવો છે. તૈયારી તો મેં ખૂબ જ સારી કરી છે, પરંતુ પેપર કેવું આવે તેના પર આધાર છે.

બહુ ઓછા લોકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધુંઃ ડાભી હિમા
વધુમાં ડાભી હિમાની નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાંથી બહુ ઓછા લોકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે. લોકોને એમ છે કે, સ્ટાન્ડર્ડ મેથ્સ હાર્ડ છે, પરંતુ તેમાં ધારીએ એટલા માર્ક્સ આવી શકે છે. બોર્ડમાં મેથ્સના કારણે રિઝલ્ટ વધી શકે છે. તૈયારી અને કોન્ફિડન્સ તો છે, હવે પેપર કેવું આવે તેના પર આધાર છે. મારે 11 સાયન્સ લઇને A ગ્રૂપમાં જઈને એન્જિનિયરિંગ કરવું છે.

બેઝિક ગણિતની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ
ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિક્લ્પ આપવામાં આવ્યો છે. જેમાં 90 ટકાથી વધારે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યું છે. એટલે કે બેઝિક ગણિતમાં 8,00,886 વિદ્યાર્થીઓની સામે સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 81,481 વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા ધોરણ 10માં વિદ્યાર્થીઓએ અઘરું ગણિત ભણવું છે કે સહેલું? એમ, બેઝિક અને સ્ટાન્ડર્ડ એવા બે વિક્લ્પ આપવામાં આવે છે. જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે બેઝિક ગણિતની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

વિદ્યાથીઓમાં ગણિતમાં નાપાસ થવાનો ભય ગત વરસે 7.81 લાખ પૈકી 6.70 લાખ વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યું હતું, પરંતુ આ વર્ષે 8 લાખ પૈકી ફક્ત 81,481 વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે. એક્સપર્ટનું માનીએ તો હજુ પણ વિદ્યાથીઓમાં ગણિતમાં નાપાસ થવાનો ભય રહેલો છે, જેને લઇને સ્ટાન્ડર્ડ ગણિત જૂજ વિદ્યાથીઓ જ રાખી રહ્યા છે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ

 • 14 માર્ચ- ગુજરાતી
 • 16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
 • 17 માર્ચ- બેઝિક ગણિત
 • 20 માર્ચ- વિજ્ઞાન
 • 23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
 • 25 માર્ચ- અંગ્રેજી
 • 27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
 • 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી​​

12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

 • 14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
 • 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
 • 18 માર્ચ- જીવ વિજ્ઞાન
 • 20 માર્ચ- ગણિત
 • 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
 • 25 માર્ચ- કોમ્પ્યુટર

12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

 • 14 માર્ચ- નામના મૂળતત્ત્વ
 • 15 માર્ચ- તત્ત્વજ્ઞાન
 • 16 માર્ચ- આંકડાશાસ્ત્ર
 • 17 માર્ચ- અર્થશાસ્ત્ર
 • 20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
 • 21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
 • 24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
 • 25 માર્ચ- હિન્દી
 • 27 માર્ચ- કોમ્પ્યુટર
 • 28 માર્ચ- સંસ્કૃત
 • 29 માર્ચ- સમાજ શાસ્ત્ર
અન્ય સમાચારો પણ છે...