ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સ્કૂલ માત્ર અભ્યાસક્રમ પર ભાર આપતી હોવાથી વાલીએ નીટ માટે 3થી 6 લાખ, જેઈઈ માટે 4થી 5 લાખનો ખર્ચ કરવો પડે છે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • જેઈઈ-નીટની તૈયારી માટે સ્કૂલો પર વાલીઓને વિશ્વાસ નથી, ખાનગી ક્લાસીસ વર્ષે 500 કરોડથી વધુની કમાણી કરે છે
 • રાજ્યમાં વર્ષે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી માટે પ્રાઇવેટ કોચિંગ લે છે, કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહેવું હોય તો તેની ફી 15થી 20 હજાર
 • કોચિંગ લેતા 25 વિદ્યાર્થી અને પૂર્વ ટોપરને પૂછવામાં આવ્યું, દરેકે જણાવ્યું કે, સ્કૂલ માત્ર પાઠ્યપુસ્તક પર આધાર રાખે છે, તેથી કોચિંગમાં લાખો રૂપિયા આપવા પડે છે

રાજ્યમાં જેઈઈ-નીટની તૈયારી કરાવતા ખાનગી ટ્યૂશન સંચાલકો દર વર્ષે 500 કરોડથી વધારેની કમાણી કોચિંગ દ્વારા કરે છે. વાલીઓને સ્કૂલના અભ્યાસ પર વિશ્વાસ ન હોવાથી મોટા ભાગના વાલીઓ તેમનાં સંતાનોને ધો.11થી જ જેઈઈ-નીટની તૈયારી માટે પ્રાઇવેટ કોચિંગમાં મૂકે છે, પરંતુ શા માટે બાળકો અને વાલીઓને જેઈઈ-નીટ માટે સ્કૂલ પર વિશ્વાસ નથી તે જાણવા ‘દિવ્ય ભાસ્કર’એ જેઈઈ-નીટનું કોચિંગ લેતા 25 વિદ્યાર્થીઓ અને ભૂતકાળમાં ટોપર રહેલા વિદ્યાર્થીને આ અંગે પૂછ્યું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, સ્કૂલો માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસ પર ધ્યાન રાખે છે, શિક્ષકોને નીટ-જેઈઈનો અભ્યાસ કે પ્રેક્ટિસ કરાવવામાં રસ જ નથી, જેથી વાલીઓએ નાછૂટકે કોચિંગમાં લાખો રૂપિયાની ફી ભરવી પડે છે.

નીટ અને જેઈઈમાં આ પ્રમાણે મેરિટ નક્કી કરવામાં આવે છે
NEET -
નીટની પરીક્ષામાં જનરલ કેટેગેરીમાં આવતા વિદ્યાર્થીને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 50 ટકા હોવા ફરજિયાત છે. નીટની પરીક્ષામાં કુલ 180 પ્રશ્નો પૂછાય છે, જેમાં 90 પ્રશ્નો બાયોલોજીના, 45 ફિઝિક્સ અને 45 કેમિસ્ટ્રીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને 4 ગુણ મળે છે, પરંતુ નેગેટિવ માર્કિંગ પણ હોવાથી દરેક ખોટા જવાબ સાથે 1 ગુણ કપાય છે.

JEE - જેઈઈની પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 12માં 45 ટકા હોવા જરૂરી છે. જેઈઈની પરીક્ષામાં 25 પ્રશ્નો ફિઝિક્સના, 25 કેમિસ્ટ્રી અને 25 મેથ્સના પ્રશ્નો પૂછાય છે. જેઈઈની પરીક્ષા 300 ગુણની લેવાય છે. નીટની જેમ જેઈઈમાં પણ એક સાચા પ્રશ્નના જવાબ માટે 4 ગુણ અને ખોટા જવાબ માટે 1 ગુણ નેગેટિવ માર્કિંગનો હોય છે.

ટોપર બનવા વિદ્યાર્થીઓ ગ્રૂપ કે પર્સનલ ટ્યૂશન પણ રખાવે છે
જેઈઈ અને નીટની તૈયારી કરાવતા જાણીતા સંચાલકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, રાજ્યમાં દર વર્ષે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી માટે પ્રાઇવેટ કોચિંગ લે છે. આ વિદ્યાર્થીઓની સરેરાશ ફી બે લાખ હોય છે, જેમાં બેગ, ટીશર્ટ, મટીરિયલ વગેરે અપાય છે. કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહેવું હોય તો તેની ફી 15થી 20 હજાર સુધી છે. ટોપર બનવા વિદ્યાર્થીઓ ગ્રૂપ ટ્યૂશન કેે ચોક્કસ વિષયનાં પર્સનલ ટ્યૂશન પણ રખાવે છે.

સ્કૂલ અને કોચિંગ ક્લાસીસમાં આ તફાવત હોય છે
ક્લાસીસ:

 • ક્લાસમાં ટાર્ગેટ પ્રમાણે જ અભ્યાસ કરાવાય છે
 • ક્લાસીસમાં નીટ- જેઈઈ પ્રમાણે જ તૈયારી થાય છે
 • જેઈઈ - નીટના મોડ્યુલ્સ પર વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરાવે છે
 • ક્લાસીસ સમગ્ર ભારતના કોચિંગનું મટીરિયલ એકઠું કરીને વિદ્યાર્થીને આપે છે, તેથી પાઠ્યપુસ્તકો વાંચવાં પડતાં નથી.
 • સમય પ્રમાણે ટેસ્ટ અને કસોટી લેવાય છે, જેથી વિદ્યાર્થીઓ પોતાનું મુલ્યાંકન કરી શકે છે,એમસીક્યુના ઓપ્શન્સ સાથેની ચર્ચા કરાય છે.
 • મોકટેસ્ટ લેવાય છે, ફાઇનલ પરીક્ષાના વાતાવરણની માફક જ.
 • ટ્યૂશનનું અલગ પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવે છે.
 • એમસીક્યુની ટેક્સ બુક તૈયાર કરવામાં આવે છે.
 • વિષય પ્રમાણે વિદ્યાર્થીઓએ પેપર સેટ ખરીદવાના હોય છે.
 • છેલ્લા વર્ષના પેપર જવાબ સાથેની બુક તૈયાર હોય છે.
 • શોર્ટ રિવિઝન બુક હોય છે.
 • મોક ટેસ્ટ માટે અલગથી બુક તૈયાર કરેલી હોય છે.
 • વીકલી, મંથલી, ક્વાર્ટર પ્રમાણે રિવિઝન બુક હોય છે.

સ્કૂલ:

 • સ્કૂલમાં અભ્યાસ દરમિયાન એનસીઈઆરટીના પાઠ્યપુસ્તક પર ભાર આપવામાં આવે છે.
 • શિક્ષકોને પોતાનો કોર્સ પૂરો કરવાની જ ઇચ્છા હોય છે, નીટ- જેઈઈ પર કોઈ ભાર અપાતો નથી.
 • સ્કૂલમાં તમામ પ્રકારની બુક્સ વાંચવાની રહે છે, શિક્ષકો દરેક બાબતો ભણાવે છે.
 • સ્કૂલોમાં નીટ અને જેઈઈ માટે ખાસ અલગથી ટેસ્ટ લેવાતી નથી.
 • નોલેજ, શોર્ટકટ, પેટર્ન આપે છે, પરંતુ સમજણ અપાતી નથી.
 • એપ્લિકેશન કરતાં ટેક્સ્ટ બુક્સ પર વધારે ધ્યાન અપાય છે.
 • માત્ર એમસીક્યુ સોલ્વ કરાવાય છે.

વાલીઓને સ્કૂલો પર વિશ્વાસ નથી
ચોક્કસપણે જેઈઈ-નીટની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસ અને સ્કૂલોના શિક્ષણ વચ્ચે મોટો તફાવત છે. મોટા ભાગે સ્કૂલો પાઠ્યપુસ્તક પર આધાર રાખે છે, જ્યારે કોચિંગમાં નીટ-જેઈઈ પર ફોકસ કરાય છે. સરકાર પાસે વિષય નિષ્ણાત, લેટેસ્ટ ટેક્નોલોજી વગેરે હોવા છતાં પણ વાલીઓને સ્કૂલો પર વિશ્વાસ નથી. જો સરકાર આ દિશામાં પગલું ભરે તો મધ્યમ અને ગરીબ વર્ગનાં બાળકો પણ સરળતાથી જેઈઈ-નીટની તૈયારી કરી શકે છે. - ડો. રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સેલર

અન્ય સમાચારો પણ છે...