રેમડેસિવિર ઇન્જેક્શન મામલે જેની પાસેથી ઇન્જેક્શન મળ્યા તેને પાસામાં ધકેલી દેવાના પોલીસના વલણની હાઇકોર્ટે ફરી એકવાર આકરી ટીકા કરી હતી અને ગૃહ વિભાગ પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે રેમડેસિવિર ઇન્જેક્શન માટે યુનિફોર્મ પોલિસી બનાવવા મામલે ટકોર કરી હતી. ઇન્જેક્શન વહેચવા માટે હોસ્પિટલ સિવાય કોઇને જવાબદારી આપી શકાય જ નહીં. નોટબંધીના સમયે બીજા માટે ચલણી નોટો બદલાવવા લાઇનમાં ઉભા રહેલા ગરીબ લોકોની સાથે તેની સરખામણી કરી હતી. હોસ્પિટલ સિવાય ઇન્જેક્શનની બીજે વ્યવસ્થા જ ન હોવી જોઇએ. જેથી નકલી ઇન્જેક્શનની વાત જ ન આવે. પોલીસ કમિશનરને આ વાતની ખબર છે કે સત્તાધીશોએ આ શું કર્યુ છે? હાઇકોર્ટે ગૃહ વિભાગ પાસેથી જવાબ માગ્યો છે. ગૃહ વિભાગ જવાબ રજૂ કરશે ત્યા સુધી આરોપી સામે કોઇ પગલા નહીં લેવાય. વધુ સુનાવણી 9 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
કોરોનાની બીજી લહેર દરમ્યાન એપ્રિલ મહિનામાં બનાવટી ઇન્જેક્શન મામલે થયેલી પાસાની દરખાસ્તને નરોડાના નિતેશ જોશીએ હાઇકોર્ટમાં પડકારી છે. તે પીપીઇ કિટ સરકારમાં સપ્લાય કરવાનો ધંધો કરતા હોવાનું કહેતા તેમણે 3.50 લાખ ઉછીના માગ્યા હતા. પરતું રકમ પરત નહીં આપતા તેમણે કહ્યુ કે મારી પાસે રેમડેસિવિર ઇન્જેક્શનો છે તે એકની કિંમત 5400 છે પરતું હાલના સંજોગોમાં એક ઇન્જેક્શનની કિંમત 12 હજારમાં આપીશ. તેમ કહી નિતેશે સોદો કર્યો હતો તે વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટેલમાં રોકાયો હતો. તેની પાસેથી 30 રેમડેસિવિર ઇન્જેક્શનો લીધા હતા.
લેણદારને હોટેલ હયાતમાં બોલાવીને રોકડાના બદલે રેમડેસિવિરના ઇન્જેક્શન આપ્યા. આ ઇન્જેક્શન ઉંચી કિંમતે વેચીને તેની રકમ સરભર થઇ જશે તેવું કહ્યુ. પોલીસે રેમડેસિવિર લઇને બહાર જનાર મુનાફની ધરપકડ કરી હતી તેની સામે પાસા કરવી કે નહીં તે અંગે વિચારણા હોવાથી આરોપીએ પ્રી ડીટેન્શન અરજી કરી હતી.જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એવી ટકોર કરી હતી કે આ કેસ નકલી ઇન્જેક્શનનો કેવી રીતે બની જાય ? એફઆઇઆરમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આખા કેસમાં નકલી ઇન્જેક્શનની કોઇ વાત જ નથી.
કોરોનાકાળમાં જીવનજરૂરી વસ્તુ લેવા બહાર નીકળેલા મજૂરોને પીડિત કહેવાય કે આરોપી?: કોર્ટ
પહેલી લહેરમાં અચાનક રાત્રે બધુ બંધ કરી દેવાની સૂચના અપાઇ. તેવા સંજોગોમાં પરપ્રાંતિય મજૂરોને પગાર પણ બંધ થઇ ગયા હતા. અહીં રોકાઇ જવું પડ્યું હતું. ઘરમાં અનાજ ન હોય, તેમને ગામડે જવા ન દેવાય, આવા લોકો કરિયાણું લેવા બહાર નીકળે તેને પકડીને 3 મહિના પાસા હેઠળ નાખ્યા, આ માણસો પીડિત કહેવાય કે આરોપી? 3 મહિને સરકારને પૂછીએ ત્યારે કહે કે પાસાની દરખાસ્ત નથી. એ ગરીબ માણસો માટે સરકારની કોઇ યુનિફોર્મ પોલિસી જ નહોતી. એટલે આ બધા પ્રશ્નો ઉભા થયા. કોરોના પીક પર હતો ત્યારે રેમડેસિવિર નથી મળતા તેવી ફરિયાદો આવતી હતી. લોકોમાં અસંતોષ હતો. આપણે એની કોઇ પરવા કરી? જો એ કરી હોત તો આ પાસાના ચક્કર ન ચાલતા હોત. પરંતુ પોલીસે માસ્ક દંડને સાઇડમાં કરીને લોકોનું ધ્યાન ભટકાવવા રેમડેસિવિર ઇન્જેકશન માટે સૂચના આપી. એક સપ્તાહ સુધી સિનિયર સાથેની બેઠકમાં સૂચના આપી હોવાનું રેકર્ડ પર છે.
રેમડેસિવિરની વહેંચણી મુદ્દે કાળજી જરૂરી હતી
કોરોનાની બીજી લહેર દરમ્યાન રેમડેસિવિર ઇન્જેક્શની વહેંચણી જવાબદાર લોકોને સોપવામાં સરકારે પૂરતી કાળજી રાખી હોત તો આ સ્થિતિ ન બની હોત. સત્તા ન હોય તેમના દ્વારા ઇન્જેકશનની વહેંચણી થઇ તેથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. સરકાર, ઉચ્ચ સત્તાધીશોએ ઇન્જેક્શનની વહેંચણી માટે યુનિફોર્મ પોલિસી બનાવવી જરૂરી છે. સરકારે આ પોલિસી અંગે જવાબ રજૂ કરે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.