ગો-ફર્સ્ટની અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઈટના પેસેન્જરોને કડવો અનુભવ થયો હતો. એરપોર્ટ પેસેન્જરો પહોંચી ગયા બાદ માલૂમ પડ્યું કે, આ ફ્લાઈટ રવિવાર રાતની જગ્યાએ સોમવારે સવારે 6.20 ઉપડવાની જાણ થતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. કલાકો સુધી એરપોર્ટ માથે લીધું હતું. ગો-ફર્સ્ટની અમદાવાદ-બેંગુલુરુ ફ્લાઈટ (જી-8804) રવિવારે રાત્રે 9.25 કલાકે ટેકઓફ થવાની હતી.
આ ફ્લાઈટમાં સવાર 90 પેસેન્જરોનું એક ગ્રૂપ ઈવેન્ટમાં જવાનું હતું જેમાં 40 બાળકો પણ હતા. એરપોર્ટ પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે આ ફ્લાઈટ ઉપડશે નહીં અને રિ-શિડ્યૂલ કરી બીજા દિવસે સવારે જવાનું કહેતાં ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ અને પેસેન્જરો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલચાલી થઈ હતી. પેસેન્જરોએ કહ્યું કે, જો આ ફ્લાઈટ બીજા દિવસે સવારે ઉપડવાની હતી તો અમને અગાઉ કોઈ મેસેજ કે ફોનથી જાણ કરાઈ નહોતી. કેટલાક પેસેન્જરો અમદાવાદ બહારના છીએ તો હવે અમે આખી રાત ક્યાં રોકાઈએ તે મામલે એરલાઈને કોઈપણ સુવિધા આપવા મામલે હાથ ઉંચા કરી દઈ કહ્યું હતું કે, તમે તમારી રીતે વ્યવસ્થા કરી લો, ફ્લાઈટ તો સવારે જ ઉપડશે.
એરલાઈન્સે ખાવાની પણ વ્યવસ્થા ન કરી
પેસેન્જરોએ જણાવ્યું કે અમે એરપોર્ટ પર આખી રાત ઠંડીમાં ક્યાં સૂઈ જઈએ. એરલાઈને ખાવાની પણ વ્યવસ્થા કરી આપી નહોતી. પેસેન્જરો અને એરલાઈનના કર્મચારીઓ વચ્ચે કલાકો સુધી શાબ્દિક ટપાટપી ચાલી હતી અને તેમણે એમ પણ જણાવ્યું કે, બીજી કોઈ કનેક્ટિંગ ફ્લાઈટમાં સુવિધા આપો તેમ છતાં એરલાઈન ટસની મસના થઈ. આ મામલે સીઆઈએસએફ પણ વચ્ચે પડતી હતી. કોઈ પણ પ્રકારની સુવિધા નહીં મળતાં પેસેન્જરોમાં રોષ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.